આવતીકાલે ધનતેરસ દિપાવલીનાં તહેવારોની ઉજવણીનો ઉજાશ

જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અગિયારસ તથા બારસનાં દિવસની સાથે જ દિપાવલીનાં તહેવારોની ઉજવણીનો પ્રારંભ થઈ ચુકયો છે જયારે આવતીકાલે ધનતેરસનું પર્વ ઉજવાશે. આ સાથે જ દિપાવલી અને નૂતન વર્ષ, ભાઈબીજનાં તહેવારોની ઉજવણીનો ઉત્સાહભેર પ્રારંભ થશે. દિવાળીના તહેવારોનાં આ દિવસોમાં લોકો વહેલી સવારથી જ દેવ દર્શને ઉમટી પડે છે. આ ઉપરાંત બજારોમાં પણ ખરીદીની ધુમ ઉઠી છે. પ્રકાશનાં પર્વ એવા દિપાવલીનાં આગમનને વધાવતા એવાં આવતીકાલનાં ધનતેરસનાં દિવસે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવનાર છે. વિશેષમાં દિપાવલીનો આ તહેવાર આનંદ ઉત્સાહ હર્ષોલ્લાસનો આ તહેવાર છે. લોકો ફટાકડાની આતશબાજી સાથે આ તહેવારની ઉજવણી કરતા હોય છે. ફટાકડા નાના બાળકોથી માંડીને સૌ કોઈને પણ પ્રિય છે. બજારોમાં ફુલઝર, વાયર, લવીંગીયા, લાલટેટાની સર, વિવિધ પ્રકારનાં બોમ્બ તેમજ જમીન ચકરી, રોકેટ સહીતનાં અનેક પ્રકારનાં ફટાકડાઓથી બજાર ભરાઈ ગઈ છે અને લોકો હોંશે હોંશે ફટાકડાની પણ ખરીદી કરી રહ્યા છે. જો કે ચાલુ વર્ષે જીએસટીની સાથે મોંઘવારીનો માર પણ પડેલ છે અને ફટાકડાની એક એક આઈટમોમાં બેહદ ભાવ વધારો જોવા મળે છે. તેમ છતાં તહેવારો દરમ્યાન લોકો થોડી ઘણી ખરીદી કરતા હોય છે અને આ રીતે ફટાકડા બજારમાં પણ ખરીદીનો માહોલ શરૂ થયો છે.જૂનાગઢ શહેરની તમામ બજારો ભરચક્ક જોવા મળે છે અને લોકો ઉત્સાહપૂર્વક પરિવારજનો સાથે દિવાળી ખરીદીનો આનંદ પણ ઉઠાવી રહ્યાં છે વરસાદ સારો થતાં તેજીનો સંચાર જોવા મળી રહ્યો છે. અને હસી-ખુશીનાં વાતાવારણ સાથે દિપાવલીપર્વની ઉજવણીની શ્રૃખંલાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. દેવમંદિરોમાં તથા મહાલક્ષ્મી માતાજીનાં મંદિરોમાં શણગાર, સુશોભન સાથે ડેકોરેટીવ લાઈટથી મંદિર ઝળહળા થઈ રહ્યાં છે.

Leave A Reply