જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ધનતેરસની ઉત્સાહભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધનતેરસ પર્વની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. દિપાવલી પર્વને હવે ગણતરીનાં કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે બજારોમાં ખરીદીનો માહોલ પુર જાશથી શરૂ થયો છે અને રાત્રીનાં વિવિધ બજારો રોશનીથી ઝગમગી ઉઠી છે. આજે ધનતેરસનાં પર્વે વહેલી સવારથી જ લોકોની અવરજવર શરૂ થઈ હતી. જૂનાગઢ શહેરમાં આવેલાં વિવિધ ધાર્મિક સ્થળોએ ભાવિકોનો મેળાવડો રહ્યો હતો. આજે ધનતેરસનું પર્વ હોય જેથી સોના-ચાંદીનાં દાગીનાની ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ મનાય છે. આજે શુકન સાચવવા માટે સોના-ચાંદી, ઈલેકટ્રોનિકસ વસ્તુ, વાહન, મકાન વગેરેની પણ ખરીદી થઈ રહી છે. તો બીજી તરફ બપોરનાં તેમજ સાંજના પાંચ વાગ્યાથી જૂનાગઢની તમામ બજારોમાં લોકોની ચહલ-પહલ શરૂ થઈ ગઈ છે અને ખરીદીનો માહોલ સર્જાયો છે. લોકોમાં તહેવારો ઉજવવા અનેરો ઉત્સાહ છવાયો છે. આજે ઘરે-ઘરે લોકો પોતાનાં આંગણાની સજાવટ આસોપાલવનાં તોરણ, લાઈટ ડેકોરેશન, રંગોળીથી ઘરને સજાવશે તેમજ વ્યવસાયિક પ્રતિષ્ઠાનોમાં પણ આજે અનેરી સજાવટ કરવામાં આવી રહી છે. ધનતેરસની આજે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે.

Leave A Reply