જૂનાગઢનાં દાણાપીઠ વિસ્તારમાં બિરાજતા માઁ મહાલક્ષ્મીજી

દેવી શક્તિના મુખ્ય ત્રણ સ્વરૂપ એટલે, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. આ ત્રણ દેવી શક્તિઓમાં ધન, સંપદા, શાંતિ અને સમૃદ્ધિની દેવી તરીકે જાણીતા છે મહાલક્ષ્મીજી. દિવાળીના તહેવારો ઉપર મહાલક્ષ્મી માતાજીનું ખાસ પૂજન-અર્ચન થતું હોય છે. જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી સ્ટ્રીટ ખાતે મહાલક્ષ્મી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે.
જૂનાગઢ શહેરના વ્યાપારી વિસ્તાર તરીકે જાણીતા દાણાપીઠ વિસ્તારમાં આવેલું આ મહાલક્ષ્મી મંદિર અંદાજે ૪૫૦ વર્ષ જૂનું છે. નવાબીકાળ દરમ્યાન આ મંદિરનું નિર્માણ થયા હોવાની માન્યતા સેવાઇ રહી છે. લોકમાન્યતા અનુસાર મહાલક્ષ્મી માતાજી બાળ સ્વરૂપે બિરાજમાન છે. જૂનાગઢ શહેરના સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરે ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ ઈત્યાદી શુભ તહેવારો ઉપર ભાવિકોની ભારે ભીડ જાેવા મળે છે. સંપૂર્ણ વર્ષ દરમ્યાન ફક્ત જૂનાગઢ જ નહીં, પરંતુ દૂર દેશાવરથી પણ ભક્તો અહિયાં દર્શનાર્થે આવતા હોય છે.
જૂનાગઢના ચહેલ પહેલ ભરેલા દાણાપીઠ વિસ્તારમાં રહેણાંકોની વચ્ચે આવેલું આ મંદિર પ્રથમ નજરે તો કોઈ પ્રાચીન નિવાસસ્થાન જ જણાય! મહાલક્ષ્મી મંદિરમાં બિરાજતા માતાજીનો પાટોત્સવ માગસર સુદ નોમને દિવસે ઉજવવામાં આવે છે. પાટોત્સવના શુભ દિવસે માતાજીને સુંદર મજાનાં સ્વાદિષ્ટ ભોગ ધરાવવામાં આવે છે. ઉપરાંત બેઠા ગરબાનું પણ આયોજન થાય છે. હોળી-ધૂળેટીના તહેવારો ઉપર આઠ દિવસ દરમ્યાન તથા બીજા ધાર્મિક તહેવારો ઉપર માતાજીને મનમોહક શણગારથી સજાવવામાં આવે છે. પ્રતિવર્ષ આસો મહિનામાં આવતી નવરાત્રિના નોમના દિવસે અહિયાં માતાજીનો યજ્ઞ કરવામાં આવે છે. અહિયાં બાજુમાં એક મહાદેવનું પણ દેવાલય આવેલું છે, જ્યાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. દર સોમવારે ભાવિકોની ભારે ભીડ જામે છે. મહાલક્ષ્મી માતાજીનાં મંદિરે નવરાત્રિ દરમ્યાન રાત્રિના દસ વાગ્યાથી બેઠા ગરબાનું પણ આયોજન થાય છે. દશેરા તહેવારની પણ ભાવપૂર્વક ઉજવણી થાય છે. દિવાળીના તહેવારો દરમ્યાન મહાલક્ષ્મીના દર્શન કરી તેમની અસિમ કૃપા પ્રાપ્ત કરવા ભક્તોની લાંબી લાંબી કતારો લાગે છે.
મહાલક્ષ્મી માતાજીનાં દર્શન સવારે ૭.૩૦ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી ખુલ્લા રહે છે. ત્યારબાદ માતાજીને ભોગ ધરાવવામાં આવે છે. બપોરે ૧૨ થી ૫ વાગ્યા સુધી માતાજીને વિશ્રાંતિ માટે દર્શન બંધ રાખવામાં આવે છે. સાંજે ૫ વાગ્યે ફરી મંદિર ખૂલે છે, જે પછી સાંજે ૭.૩૦ કલાકે માતાજીની આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ ૮ કલાકે માતાજીને શયન કરાવી દર્શન બંધ કરવામાં આવે છે. જૂનાગઢ નગર ઉપર સુખ-શાંતિ અને સ્મૃદ્ધિ વરસાવતા માઁ મહાલક્ષ્મીજીના ચરણોમાં કોટિ કોટિ વંદન.

Leave A Reply