આવતીકાલે દિપાવલી પર્વની ઉજવણી થશે જૂનાગઢ સહિત સોરઠમાં ભારે ઉત્સાહ

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં તહેવારોની ઉજવણીનો માહોલ પુરબહારમાં ખીલી ઉઠયો છે. ગઈકાલે ધનતેરશનાં દિવસે ખરીદીની ધુમ ઉઠી હતી અને વિવિધ બજારોમાં લોકો વસ્તુઓની ખરીદી કરવા માટે ઉમટી પડયા હતા. તહેવારોનું આપણા જીવનમાં ખુબ જ અનેરૂં મહત્વ રહેલું છે ત્યારે દરેક તહેવારોને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. દિપાવલી અને નૂતન વર્ષનાં આગમનને વધાવવા લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
આસો વદ અગિયારસનાં દિવસથી દિપાવલીનાં તહેવારોનો પ્રારંભ થતો હોય છે અને જેમ જેમ દિવસ જાય છે તેમ વધુ ને વધુ ઉત્સાહ લોકોમાં પ્રગટે છે.
ચાલુ વર્ષ સમયસર વરસાદ બાદ ખેત ઉત્પાદનો પણ સારા થયા હોય તેને કારણે તહેવારોની ઉજવણીમાં ઉત્સાહ પ્રગટયો છે. ગઈકાલે ધનતેરશનાં દિવસે બજારો ભરચક્ક જોવા મળી હતી. મુખવાસથી માંડીને સોનાચાંદીના દાગીના સુધીની ધુમ ખરીદી થઈ હતી. આજે ધનતેરસ અને બપોર પછી કાળીચૌદશનો દિવસ છે અને આવતીકાલે દિપાવલીનું પર્વ આવી રહ્યું છે. પ્રકાશનાં આ પર્વેને ઉજવવા લોકોમાં થનગનાટ જોવા મળે છે. ઘર આંગણે સજાવટનાં આસોપાલવનાં તોરણથી લઈ રંગોળી માટેનાં કલર દિવડા પ્રગટાવવા કોડીયા, ઈલેકટ્રીક સિરીઝો તેમજ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની ખરીદી જાવા મળે છે. આ ઉપરાંત તહેવારોમાં ફરસાણ અને મીઠાઈની પણ જબરી માંગ હોય છે. બજારોમાં અનેક પ્રકારની મિઠાઈઓ હાલ ઉપલબ્ધ છે. ફરસાણ અને સ્વીટમાર્ટો ધમધમી રહ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં ફટાકડાની બજારો પણ ગ્રાહકોથી ઉભરાઈ રહી છે. મોંઘવારીનો માર દરેક ક્ષેત્રમાં જોવા મળે છે ત્યારે ફટાકડાઓમાં મોંઘવારી સામે આવી છે. ર૦ રૂપિયાથી લઈ પ૦૦ રૂપિયાનાં ફટાકડાની વિવિધ આઈટમો જોવા મળી રહી છે. ચકલી બોમ્બ, રોકેટ, લવીંગીયા, ફુલઝર, સહીતની અનેક વેરાઈટીઓ બજારમાં જોવા મળી રહી છે.એક બાજુ નોટબંધી અને જીએસટીનો માર હોવા છતાં દિવાળી પર્વ હોવાથી બજારમાં થોડા દિવસ પુરતી રંગત જામી છે. તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે. તહેવારોનાં આ દિવસોમાં લગભગ તમામ બજારોમાં ખરીદીનો માહોલ ઉઠયો છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલ સવારથી જ લોકો દિપાવલીનાં પર્વને આવકારશે. અને મહાલક્ષ્મી મંદિર ખાતે દર્શને પણ ઉમટી પડશે ત્યારબાદ સતત ઉજવણીમાં કાર્યરત રહેશે અને પરમદિવસે એટલે કે શુક્રવારે નવા વર્ષને પણ ભારે ઉત્સાહ સાથે વધાવી લેવામાં આવશે. દિપાવલીનાં તહેવારોની ઉજવણી અંતર્ગત સોરઠમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. દરેક ઘરોનાં આંગણે રંગોળી અને સુશોભનના તોરણ લટકી રહ્યાં છે. બધું દુઃખ, દર્દ ભુલાવીને લોકો દિપોત્સવી પર્વની ઉજવણી માટે કાર્યરત બની ગયાં છે.

Leave A Reply