જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં દિપાવલી-નૂતન વર્ષનાં તહેવારોની ઉજવણી

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ધાર્મિક સ્થળોએ ભગવાનને પૂજન, અર્ચન, આરતી સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આ ઉપરાંત અન્નકુટનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. દિપાવલી અને નવા વર્ષનાં દિવસે લોકોએ દર્શનનો લાભ લીધો હતો. ધાર્મિક સ્થળોમાં ભકત સાગર ઉમટી પડયો હતો. લોકોએ આનંદ અને ઉમંગભેર તહેવારોની ઉજવણી કરી હતી. દિપાવલી પર્વ પ્રસંગે પ્રકાશનાં આ પર્વને વધાવવા લોકોએ ઘર આંગણે સુંદર મજાની રંગોળી, મકાનો, સંસ્થાઓમાં આસોપાલવનાં તોરણો બાંધી તેમજ આવાસોને શણગારી રોશનીનાં ઝગમગાટ સાથે પ્રકાશનું પર્વ ઉજવાયું હતું. આ ઉપરાંત સંસ્થાઓ, પેઢીઓમાં શસ્ત્રપૂજન, ચોપડા પૂજનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. તેમજ ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી. દિપાવલી પર્વની મોડી રાત્રી સુધી ઉજવણી કર્યા બાદ બીજા દિવસે એટલે કે સોમવારે નવુ વર્ષ બેસતા વર્ષની ઉજવણી થઈ હતી. લોકોએ ઘર આંગણે પરસ્પર એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તેમજ મ્હોં મીઠા કરાવી ખુશાલી વ્યકત કરી હતી. આ ઉપરાંત સામાજીક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજા, સોસાયટીઓમાં સ્નેહમિલ્નનાં ઠેર ઠેર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આમ દિપાવલી અને નૂતન વર્ષ તેમજ ભાઈ બીજનાં તહેવારોની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

Leave A Reply