‘મહા’ વાવાઝોડાનાં સંભવિત ખતરા સામે તંત્રને સાબદું કરતાં જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી

આગામી દિવસોમાં મહા વાવાઝોડું ત્રાટકવાની હવામાન વિભાગની આગાહીનાં પગલે જૂનાગઢ જીલ્લા સહિત રાજયનાં તમામ જીલ્લાઓને સાવચેત કરી દેવામાં આવ્યાં છે અને સાવચેતીનાં તમામ પગલાં સાથે તંત્ર સાબદુ બની ગયું છે. જૂનાગઢ જીલ્લામાં ખાસ કરીને દરિયાઈ કાંઠાનાં વિસ્તારોમાં સંભવિત વાવાઝોડું તેમજ અન્ય વિસ્તારોમાં સંભવિત વરસાદની શકયતાનાં પગલે જરૂરી આદેશો સાથે તંત્રને સાવચેત કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીની સુચના અને આદેશનાં પગલે તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. મહા વાવાઝોડાની આગાહીનાં પગલે રાજયનું વહીવટી તંત્ર સાબદું બની ગયું છે. આ વાવાઝોડું સંભવિત રીતે દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા જીલ્લાઓનાં સાબરકાંઠા સહિતનાં વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રનાં ભાવનગર, ગિર-સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી જીલ્લામાં વાવાઝોડાની મહત્તમ અસર થવાની છે અને ૬૦ થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે. જેને પગલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં આગોતરાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જૂનાગઢ જીલ્લામાં પણ સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યાં છે. જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને લઈને આગાહી તારીખ પ, ૬ અને ૭નાં દિવસો દરમ્યાન વાવાઝોડું તેમજ વરસાદની શકયતાને પગલે સ્થાનિક લેવલે અને દરિયાઈ કાંઠાનાં વિસ્તારમાં સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત માંગરોળ વિસ્તારમાં તેમજ માળીયા વિસ્તારમાં પણ વરસાદ અને વાવાઝોડાની શકયતાને પગલે તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે. જરૂરી સુચના, આદેશો જારી કરાયાં છે એટલું જ નહિં જેમ-જેમ આગળની સુચનાઓ અને હવામાન વિભાગ તરફથી જે પ્રમાણે આગાહીઓ થતી રહેશે તે પ્રમાણે પગલાં લેવામાં આવશે. દરિયાઈ કાંઠાનાં વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવાની સુચના, ભયજનક સિગ્નલો તેમજ જરૂર પડ્યે નિચાણવાળા અને દરિયા કાંઠા વિસ્તારનાં લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડે તો તેમનાં સ્થળાંતર કરવા માટેની પૂર્વ તૈયારી પણ થશે. તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને પણ સુચનાઓ જારી કરવામાં આવી છે. આપાત્તકાલીન બેઠક પણ બોલાવવામાં આવનાર છે અને આ મહા વાવાઝોડાનાં ખતરા સામે જરૂર પડ્યે એનડીઆરએફની ટીમોને પણ જરૂર પડ્યે બોલાવવામાં આવશે તેમ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે આ વર્ષે ચોમાસાની સિઝન પુરી થયા પછી પણ અવારનવાર વરસાદ ત્રાટકવો, ભારે પવન ફુંકાવો અને વાવાઝોડાનાં માહોલ વચ્ચે જનજીવન પ્રભાવિત થયું છે.

Leave A Reply