જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલે જલારામ જયંતિની ભાવભેર ઉજવણી

રઘુવંશી લોહાણા સમાજના ઈષ્ટદેવ એવા પૂ.જલારામ બાપાની રર૦મી જન્મ જયંતિની ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવા માટેના અનેકવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતીકાલે જલારામ જયંતિ ઉજવવામાં આવશે. આ સાથે જ પૂજન, અર્ચન, આરતી, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તેમજ ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
સંત સિરોમણી પૂજયપાદ શ્રી જલારામબાપાની રર૦ મી જન્મ જયંતિ સવંત-ર૦૭૬ના કારતક શુદ-૭ને રવિવાર તા.૩/૧૧/ર૦૧૯ના શુભદિને જૂનાગઢ લોહાણા મહાજનના ઉપક્રમે સાશ્વત ભુદેવો તથા રઘુવંશી પરીવારો માટે સમુહજ્ઞાતિ ભોજન (નાત) જલ્યાણનગર માંગલ્ય પાર્ટી પ્લોટ જૂનાગઢ ખાતે સવારના ૧૦ઃ૩૦ કલાકથી બપોરના રઃ૩૦ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના માંગલ્ય પાર્ટી પ્લોટમાં તૈયાર કરવામાં આવેલ જલારામ બાપાની ઝુંપડીએ રર૦ દિવડાની મહાઆરતી, રકતદાન કેમ્પ, ચક્ષુદાન તથા દેહદાન આપવા માટે સંકલ્પના ફોર્મ તેમજ લોહાણા મહાજન તરફથી બિમાર, અંધ, અપંગ, ગૌમાતાની સેવા કરનારી ગૌશાળા, પાંજરાપોળ જેવી સેવાભાવી સંસ્થાઓને દવા ઘાસચારા માટે ચેકો અર્પણ કરાશે તેમજ પશુપક્ષીઓની સેવા કરનાર સંસ્થાઓને ચણ માટે ચેકો અર્પણ કરવામાં આવશે.
જૂનાગઢનાં પોસ્ટ ઓફીસ રોડ ઉપર આવેલ શ્રી જલારામ બાપાના મંદિરે સ્વ.ચીમનભાઈ મથુરાદાસ રૂપારેલીયા, ગં.સ્વ. રેખાબેન ચિમનભાઈ રૂપારેલીયા (ચંદન કેટરર્સવાળા) તથા રૂપારેલીયા પરીવાર તરફથી સવારના ૭ઃ૩૦ થી રાત્રીના ૯ વાગ્યા સુધી છપ્પનભોગ અન્નકુટના દર્શન રાખવામાં આવેલ છે તેમજ ખુશાલભાઈ તન્ના તરફથી જલારામબાપાના જીવન ચરિત્રની ઝાંખી કરાવતા ફલોટના દર્શન તેમજ બપોરના ૪ કલાકે શ્રી જલારામબાપાના મંદિરેથી જલારામ બાપાના જીવન ચરિત્રોના વિવિધ ફલોટ સાથે ભવ્ય શોભાયાત્રાનું શહેરના વિવિધ માર્ગોમાંથી પસાર થશે. આ શોભાયાત્રામાં જલારામ ભકતો તથા રઘુવંશી પરીવારોએ પધારવા લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ જણાવેલ છે.

શ્રી જલારામ પરિવાર ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિ ઉજવણી
શ્રી જલારામ ભકિતધામ જલારામ મંદિર બાયપાસ ઝાંઝરડા ચોકડી ખાતે જલારામ જયંતિની ઉજવણી અંતર્ગત પૂજન આરતી સહીતના કાર્યક્રમો યોજવામાં આવશે. આગામી તા.૩/૧૧/ર૦૧૯ રવિવારના રોજ સાંજના ૭ કલાકેથી સમગ્ર લોહાણા સમાજના જલારામ ભકિતો માટે સમુહ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત રર૦ દિવડાની આરતી પણ કરવામાં આવશે. આ પ્રસંગે સૌ જલારામ ભકિતોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે તેમ મેનેજીંગ ટ્રસ્ટી પ્રો.પી.બી. ઉનડકટની યાદીમાં જણાવેલ છે.

મધુરમ-ટીંબાવાડી વિસ્તારમાં ભાવભેર ઉજવણી
જૂનાગઢના મધુરમ વિસ્તાર, હનુમાનજી મંદિર શેરી નં. ર પૂ. જલારામબાપાની જયંતિ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરાયું છે. રઘુવંશી સેવા સમાજ અને રઘુવીર સેનાના સંયુકત ઉપક્રમે થનાર ઉજવણી અંતર્ગત પૂ. જલારામબાપાની ભવ્ય શોભાયાત્રા તા. ૩-૧૧-ર૦૧૯ના સવારે ૮ કલાકે વિનુભાઈ રાજાના નિવાસસ્થાનેથી યોજાશે. આ પ્રસંગે ભગવાન ગણેશજીની સ્થાપના, પૂ. જલારાબાપાનું પૂજન અને માતુશ્રી વિરબાઈ માતાજીના રોટલાનું પૂજન કરાશે. સાંજે ૬.૩૦ થી ૯.૩૦ સમુહપ્રસાદનું આયોજન કરાયું છે. બપોરે ૩ થી પ ભાવિકો માટે મધુરમ બસ સ્ટોપ ખાતે સરબત તથા પ્રસાદીનું આયોજન કરાયું છે. આ પ્રસંગે મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ ડે.મેયર ગિરીશભાઈ કોટેચા, ડોલરભાઈ કોટેચા તેમજ દિપાંજલી સોસાયટીથી વાડલા ફાટક સુધી તમામ રઘુવંશી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેશે. પૂ. જલારામબાપાની જયંતિની ઉજવણીમાં સહભાગી થવા ભાવિકોને ઉપસ્થિત રહેવા વસંતભાઈ ચંદારાણાએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

જૂનાગઢમાં વિવિધ સોસાયટીઓમાં પણ જલારામ જયંતિની ઉત્સાહભેર ઉજવણી
સંત શિરોમણી પૂ.જલારામ બાપાની રર૦મી જન્મજયંતિની ઠેર-ઠેર ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે. આવતીકાલે જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં અને સોસાયટીઓમાં પણ પૂ.જલારામબાપાની જન્મજયંતિ નિમિતે પુજન-આરતી સહિતનાં કાર્યક્રમો તેમજ પ્રસાદનાં કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.

વીરપુર જલારામ ધામ ખાતે જલારામ જયંતિની ઉજવણી
વીરપુર જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપાની રર૦મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. જેમાં વહેલી સવારથી જ બાપાના દર્શને ભાવિકોનો પ્રવાહ મોટી સંખ્યામાં ઉમટી પડશે. આવતીકાલે જલારામ જયંતિ નિમિત્તે દુર દુરથી ભાવિકો ઉમટી પડશે. ગાદીપતિ પૂ.રઘુરામ બાપાના માર્ગદર્શન હેઠળ જલારામ જયંતિ ઉજવવામાં આવશે.

પોરબંદર ખાતે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી થશે
લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ અને સંત શિરોમણી પૂ.જલારામબાપાની રર૦મી જન્મજયંતિની આવતીકાલે ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શ્રી જલારામ સેવા સમિતિ-પોરબંદર દ્વારા પણ શ્રી જલારામ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવશે. જે અંતર્ગત પૂજનવિધી, આરતી, ધ્વજાજી, પૂ.જલારામબાપાનાં પ્રસંગનાં અવસરો સવારે ૯.૩૦ કલાકે ઉજવાશે જયારે પૂ.જલારામબાપાની શોભા એસ.ટી.રોડ ઉપરથી આવેલાં જલારામબાપાનાં મંદિરેથી બપોરનાં ૪.૩૦ કલાકે નિકળશે અને સાંજે ૭ થી ૧૧ દરમ્યાન લોહાણા મહાજન વાડી, કોળી જ્ઞાતિની વાડી ખો સમસ્ત રઘુવંશી પરિવાર તથા જલારામ ભક્તોનાં આર્શિવાદથી પ્રેરાઈને જલારામ જયંતિ ઉત્સવમાં ભાવિકોને મહાપ્રસાદનું સહપરિવાર સાથે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર-ઠેર ઉજવણી
જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં જલારામ બાપાની રર૦મી જન્મ જયંતિની અનેકવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે વહેલી સવારે બાપાનું પૂજન, શોભાયાત્રા, સમુહપ્રસાદ ભોજનના ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ જયાં જયાં રઘુવંશી પરિવારો વસે છે ત્યાં જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લાના બિલખા, સાસણ, કેશોદ, માળીયા હાટીના, મેંદરડા, ગડુ, ચોરવાડ, વિસાવદર, સુત્રાપાડા, ભેંસાણ, વંથલી, માણાવદર સહીતના વિવિધ તાલુકાઓમાં પણ જલારામ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

Leave A Reply