દિવાળી વેકેશનમાં ખોડલધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવા જેતપુરના કાગવડ ગામ પાસે આવેલું ખોડલધામ દેશ-વિદેશમાં જાણીતું બની ગયું છે. ટૂંકાગાળામાં જ ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્ર વિસ્તારનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. એમાંય વેકેશનના દિવસોમાં તો ખોડલધામ મંદિરે દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. દિવાળીના વેકેશનમાં પણ દેશ-વિદેશના લાખો ભક્તોએ ખોડલધામની મુલાકાત લઈ મા ખોડલના આશિર્વાદ મેળવી નવા વર્ષનો મંગલ પ્રારંભ કર્યો હતો. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી કોઈ પણ જાતની તકલીફ ઉભી ન થાય તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નવા વર્ષનો પ્રારંભ લોકો દેવી-દેવતા અને વડીલોના આશિર્વાદ લઈને કરતાં હોય છે ત્યારે આ વર્ષે પણ દિવાળી અને નવા વર્ષના તહેવારમાં લાખો ભક્તોએ ખોડલધામમાં મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને નવા વર્ષનો પ્રારંભ કર્યો છે. ભક્તોએ મા ખોડલને સુખડી, શ્રીફળ, ચુંદડી સહિતનો પ્રસાદ ધરીને આરાધના કરી હતી. મંદિરે આવતા ભક્તોએ આધ્યાત્મિકતાની સાથે સાથે પ્રકૃતિનો પણ અહેસાસ કર્યો હતો. દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં ભક્તોએ મા ખોડલના દર્શન કરીને મંદિર પરિસરમાં આવેલા રમણીય બગીચા, ગજીબા, શક્તિવનમાં પરિવાર સાથે પ્રકૃતિનો આનંદ માણ્યો હતો. દિવાળીના તહેવાર દરમ્યાન દર્શને આવેલા ભક્તોએ ખોડલધામ અન્નપૂર્ણાલયમાં મહાપ્રસાદ લીધો હતો. નેશનલ હાઈવેથી લઈને ખોડલધામ મંદિર સુધી ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે વેકેશનમાં દરરોજ ૩૦૦થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. ખોડલધામમાં દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી સ્વયંસેવકોએ પા‹કગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, અન્નપૂર્ણાલય, કેન્ટીન, બગીચા, પ્રસાદઘર વગેરે વિભાગોમાં ખડેપગે રહીને સવારથી સાંજ સુધી સેવા આપી હતી. દિવાળીના તહેવાર દરમ્યાન મા ખોડલનો દરરોજ અવનવા વાઘા અને આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં દરરોજ અવનવી રંગોળી કરવામાં આવી હતી. દિવાળી પ્રકાશનો તહેવાર હોવાથી મંદિર પરિસરને પણ રંગબેરંગી લાઇટોથી નવોઢાની જેમ શણગારી દેવામાં આવ્યું હતું.

Leave A Reply