Sunday, February 23

ગિરનાર તિર્થ ક્ષેત્રમાં યોજાતી પરંપરાગત પરિક્રમાનાં પથનું નિરીક્ષણ કરતા જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારઘી

ભવનાથ તળેટીમાં તા. ૮-૧૧-૧૯ થી તા.૧૨-૧૧-૧૯ સુધી ગિરનાર પરિક્રમા યોજાનાર છે. પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાનાર હોય યાત્રીકોની સહુલીયત અને સુખાકારીની વ્યવસ્થાઓ તથા પરીક્રમા પથનું નિરીક્ષણ કરવા જૂનાગઢ જિલ્લા કલેકટર સૈરભ પારઘીએ પરિક્રમા પથ ઉપર પગપાળા ભ્રમણ કર્યુ હતુ. કલેક્ટરશ્રી સાથે જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ, નાયબ વનસંરક્ષકશ્રી સુનિલ બેરવાલ, જૂનાગઢ મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા, સહાયક વન સંરક્ષક બી.કે. ખટાણા જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે રવિવારની વહેલી સવારે વરીષ્ઠ અધીકારીઓ પરીક્રમા રૂટનાં વિવિધ પડાવો અને કપરા માર્ગોનાં નિરીક્ષણ કરવા સાથે હિંસક વન્ય પ્રાણીઓથી યાત્રીકોની સુરક્ષા, વનપ્રદેશમાં વિવિધ જગ્યાઓ ઉપર રાખવામાં આવેલ પીવાનાં પાણીની સવલતો, આરોગ્ય માટેની સુવિધાઓ, યાત્રીકોની સવલત માટે માહિતી કેન્દ્ર, અને વન્ય વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટીની જાળવણી માટે રાખવામાં આવતી તકેદારીનાં લેવામાં આવનાર પગલાઓની ઝીણવટભરી જાણકારી મેળવવામાં આવી હતી.
ગિરનાર પરીક્રમાનાં ૩૬ કીલોમિટરનાં પ્રદિક્ષણા પથ ઉપર આવતી નળપાણીની ઘોડી, માળવેલાની ઘોડી સહિત કપરા ચડાણો પણ અધિકારીઓએ જઇને ત્યાની વ્યવસ્થાઓ નિહાળી હતી. આમ પરીક્રમાના પથ ઉપર કલેકટર સહિત વરીષ્ઠ અધિકારીઓએ પગપાળા પ્રવાસ કરીને પરીક્રમા દરમ્યાન યાત્રીકો માટે હાથ ધરવામાં આવેલ અને આવનાર સવલતોની જાણકારી મેળવી હતી.
આ તકે કલેકટર સૌરભ પારઘીએ જણાવ્યુ હતું કે આવનાર તા. ૮મી નવેમ્બરથી યોજાનાર પરીક્રમા દરમ્યાન જૂનાગઢ અને ગરવા ગીરનારનાં અતિથી બનનાર તમામ યાત્રીકોની પરીક્રમા સુખ સવલત ભરી બની રહે તે હેતુ તમામ બાબતો પુર્ણ કરવામાં આવી રહી છે. યાત્રીકોએ જૂનાગઢ અને વનપ્રદેશને પ્રદુષણ મુક્ત રાખવા સહયોગ આપવા અપીલ કરી હતી. નાયબ વન સંરક્ષકશ્રી સુનિલ બેરવાલે જણાવ્યુ હતુ કે જંગલ, વન્યપ્રાણી અને પર્યાવરણના હિતની જાળવણી તથા નિયમન કરવાનું જરૂરી હોય પરિક્રમાર્થીઓએ ગિરનાર અનામત જંગલ વિસ્તારમાં આવેલ પક્રિમાના રસ્તા તથા કેડીઓ, ભવનાથથી રૂપાયતનનો રસ્તો, રૂપાયતનથી ઈંટવા સુધીનો રસ્તો, ઈટવાથી ચાર ચોક થઇ ઝીણાબાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી ચાર ચોક સુધીનો રસ્તો, ઝીણાબાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી, માલીડાથી પાટવડ કોઠા થઇ સુરજકુંડ સુધીનો રસ્તો, સુરજકુંડથી સરકડીયા સુધીનો રસ્તો, સુરજકુંડથી સુકનાળા સુધીનો રસ્તો, સુકનાળાથી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડી સુધીની કેડી, નળપાણી ઘોડીથી નળપાણીની જગ્યા સુધીનો રસ્તો, નળપાણીની જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા સુધીનો રસ્તો, ભવનાથથી બોરદેવી સુધીનો રસ્તો, વન વિભાગ દ્વારા રસ્તાઓ નિયત કરાયેલ છે. જેનો ઉપયોગ કરવા પરિક્રમાર્થીઓને જણાવવામાં આવે છે. ગિરનાર જંગલમાં પરિક્રમા દરમ્યાન ઉપરોકત નકકી કરેલ રસ્તા અને કેડીઓ સિવાયના અન્ય જંગલ વિસ્તારમાં કોઇએ પણ પ્રવેશ કરવો નહી. અને વન્ય પ્રાણી, પશુઓને છંછેડવા નહી, અનામત જંગલમાં બીન અધિકૃત પ્રવેશ કરીને ઝાડો કે ઝાડની ડાળીઓ, વાંસ વિગેરેનું કટીંગ કરવું નહી. તેમજ જંગલમાં કે કેડી રસ્તા ઉપર અગ્નિ સળગાવવા નહીં અને જંગલને નુકશાન થાય તેવા કૃત્યો કરવા નહી. પોલીસ અધિક્ષક સૌરભસિંઘે પરીક્રમાર્થીઓની સહાયત માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેવાની જાણકારી આપી હતી. ભવનાથ વિસ્તારમાં મહાનગર પાલીકા દ્વારા યાત્રીકોની સુખ સવલતો માટે ઊભી કરનાર વ્યવસ્થાઓ અંગે તુષાર સુમેરાએ જણાવ્યુ હતુ કે ભવનાથ વિસ્તારમાં વિજ પુરવઠો અને ઉતારા તથા અન્નક્ષેત્રોની સુચારૂ વ્યવસ્થાઓ તૈયાર છે, ગુજરાતની ગુણીયલ ભાતિગળ સંસ્કૃતિ પ્રકૃતિનાં ખોળે ઉછરે છે, અને પ્રકૃતિ સાથે જીવે છે, પ્રકૃતિને સંસ્કૃતિ સાથે જોડીને ઈશ્વર સાથે એકાકાર થયાની અનૂભુતિ કરાવે છે. જૂનાગઢનાં ગિરનાર વનક્ષેત્રમાં કાર્તિકી અગિયારસ એટલે કે ૮ મી નવેમ્બરથી શરૂ થતી લીલી પરીક્રમા ગીરનાર વનક્ષેત્રનાં વનપ્રદેશની વન્ય સૃષ્ટી સાથે ધાર્મિક મહાત્મયની જાણકારી આપે છે. કુદરતી રીતે સારા વરસાદથી હરીયાળો બનેલ ગિરનાર વનપ્રદેશ સેવા અને સત્સંગની સુવાસ રેલાવશે. ગિરનાર ક્ષેત્રનાં કપરા ચઢાણો ધરાવતી માળવેલા, નળપાણીની ઘોડીઓ ચઢીને પદયાત્રા કરી વરીષ્ઠ અધિકારીઓએ તલસ્પર્શી જાણકારી મેળવી આવશ્યક સવલતોમાં યાત્રીકોને વધારે સારી સવલત કેમ આપી શકાય તેની ખેવના કરી હતી. કપરા ચઢાણ ધરાવતી જગ્યાઓ પર આરોગ્ય લક્ષી સેવાઓની પણ સમીક્ષા કરી હતી.

Leave A Reply