Sunday, February 23

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં જલારામ જયંતિની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે પૂ. જલારામબાપાની રર૦મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે જૂનાગઢ શહેરમાં પણ પોસ્ટઓફિસ. રોડ ઉપર આવેલા પૂ. જલારામબાપાના મંદિરે પૂજન, અર્ચન, આરતી અને અન્નકોટ દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તજનોએ ઉત્સાહભેર દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત જયજલ્યાણનાં નાદ સાથે જૂનાગઢ શહેરમાં પૂ. જલારામબાપાની એક ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા તેમજ ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રઘુવંશી લોહાણા સમાજના ઈષ્ટદેવ એવા પૂ.જલારામ બાપાની રર૦મી જન્મ જયંતિની ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે જલારામ જયંતિ ઉજવવામાં આવી હતી. આ સાથે જ પૂજન, અર્ચન, આરતી, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો અને ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ભાવિકો આસ્થાભેર ઉમટ્યા હતા.
સંત સિરોમણી પૂજયપાદ શ્રી જલારામબાપાની રર૦ મી જન્મ જયંતિ સવંત-ર૦૭૬ના કારતક શુદ-૭ને રવિવાર તા.૩-૧૧-ર૦૧૯ના શુભદિને જૂનાગઢ લોહાણા મહાજનના ઉપક્રમે સાશ્વત ભુદેવો તથા રઘુવંશી પરીવારો માટે સમુહજ્ઞાતિ ભોજન (નાત) જલ્યાણનગર માંગલ્ય પાર્ટી પ્લોટ જૂનાગઢ ખાતે સવારના ૧૦.૩૦ કલાકથી બપોરના રઃ૩૦ વાગ્યા સુધી આયોજન કરાયું હતું . જૂનાગઢ શહેરના માંગલ્ય પાર્ટી પ્લોટમાં તૈયાર કરવામાં આવેલ જલારામ બાપાની ઝુંપડીએ રર૦ દિવડાની મહાઆરતી, રકતદાન કેમ્પ, ચક્ષુદાન તથા દેહદાન આપવા માટે સંકલ્પના ફોર્મ તેમજ લોહાણા મહાજન તરફથી બિમાર, અંધ, અપંગ, ગૌમાતાની સેવા કરનારી ગૌશાળા, પાંજરાપોળ જેવી સેવાભાવી સંસ્થાઓને દવા ઘાસચારા માટે તેમજ પશુપક્ષીઓની સેવા કરનાર સંસ્થાઓને ચણ માટે ચેકો અર્પણ કરાયા હતા.
જૂનાગઢનાં પોસ્ટ ઓફીસ રોડ ઉપર આવેલ શ્રી જલારામ બાપાના મંદિરે સ્વ.ચીમનભાઈ મથુરાદાસ રૂપારેલીયા, ગં.સ્વ. રેખાબેન ચિમનભાઈ રૂપારેલીયા (ચંદન કેટરર્સવાળા) તથા રૂપારેલીયા પરીવાર તરફથી સવારના ૭.૩૦ થી રાત્રીના ૯ વાગ્યા સુધી છપ્પનભોગ અન્નકુટના દર્શન રાખવામાં આવ્યાં હતાં. ખુશાલભાઈ તન્ના તરફથી જલારામબાપાના જીવન ચરિત્રની ઝાંખી કરાવતા ફલોટના દર્શન તેમજ બપોરના ૪ કલાકે શ્રી જલારામબાપાના મંદિરેથી જલારામ બાપાના જીવન ચરિત્રોના વિવિધ ફલોટ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ હતી. આ શોભાયાત્રામાં જલારામ ભકતો તથા રઘુવંશી પરીવારો જાડાયા હતા તેમ પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ જણાવેલ છે.

શ્રી જલારામ પરિવાર ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિ ઉજવાઈ
શ્રી જલારામ ભકિતધામ જલારામ મંદિર બાયપાસ ઝાંઝરડા ચોકડી ખાતે જલારામ જયંતિની ઉજવણી અંતર્ગત પૂજન આરતી સહીતના કાર્યક્રમોનાં આયોજન અંતર્ગત ગઈકાલે તા.૩-૧૧-/ર૦૧૯ નાં સાંજે ૭ કલાકથી સમગ્ર લોહાણા સમાજના જલારામ ભકિતો માટે સમુહ પ્રસાદનું આયોજન પણ કરાયું હતું. આ પ્રસંગે રર૦ દિવડાની આરતી પણ કરવામાં આવી હતી. પૂ. જલારામબાપાની જન્મજયંતિની ઉજવણીમાં જલારામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમ મેનેજીંગ ટ્રસ્ટી પ્રો.પી.બી. ઉનડકટની યાદીમાં જણાવેલ છે.

મધુરમ-ટીંબાવાડી વિસ્તારમાં ભાવભેર ઉજવણી
જૂનાગઢના મધુરમ વિસ્તાર, હનુમાનજી મંદિર શેરી નં. ર રઘુવંશી સેવા સમાજ અને રઘુવીર સેનાના સંયુકત ઉપક્રમે થયેલ પૂ. જલારાબાપાની જયંતિની ઉજવણી અંતર્ગત પૂ. જલારામબાપાની ભવ્ય શોભાયાત્રા ગઈકાલે સવારે ૮ કલાકે વિનુભાઈ રાજાના નિવાસસ્થાનેથી નીકળી હતી. આ પ્રસંગે ભગવાન ગણેશજીની સ્થાપના, પૂ. જલારાબાપાનું પૂજન અને માતુશ્રી વિરબાઈ માતાજીના રોટલાનું પૂજન કરાયું હતું. સાંજે ૬.૩૦ થી ૯.૩૦ સમુહપ્રસાદનું આયોજન કરાયું હતું. બપોરે ૩ થી પ ભાવિકો માટે મધુરમ બસ સ્ટોપ ખાતે સરબત તથા પ્રસાદીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ ડે.મેયર ગિરીશભાઈ કોટેચા, ડોલરભાઈ કોટેચા તેમજ દિપાંજલી સોસાયટીથી વાડલા ફાટક સુધી તમામ રઘુવંશી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેમ વસંતભાઈ ચંદારાણાએ જણાવેલ છે.

જૂનાગઢમાં વિવિધ સોસાયટીઓમાં પણ જલારામ જયંતિની ઉત્સાહભેર ઉજવણી
સંત શિરોમણી પૂ.જલારામ બાપાની રર૦મી જન્મજયંતિની ઠેર-ઠેર ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં અને સોસાયટીઓમાં પણ પૂ.જલારામબાપાની જન્મજયંતિ નિમિતે પુજન-આરતી સહિતનાં કાર્યક્રમો તેમજ પ્રસાદનાં કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું.

વીરપુર જલારામ ધામ ખાતે જલારામ જયંતિની ઉજવાઈ
વીરપુર જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપાની રર૦મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરાઈ હતી જેમાં વહેલી સવારથી જ પૂ. જલારામબાપાના દર્શને ભાવિકોનો પ્રવાહ મોટી સંખ્યામાં ઉમટી પડયો હતો. જલારામ જયંતિ નિમિત્તે દુર દુરથી ભાવિકો ઉમટી પડયા હતા. ગાદીપતિ પૂ.રઘુરામ બાપાના માર્ગદર્શન હેઠળ જલારામ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી.

પોરબંદર ખાતે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ
લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ અને સંત શિરોમણી પૂ.જલારામબાપાની રર૦મી જન્મજયંતિની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી જલારામ સેવા સમિતિ-પોરબંદર દ્વારા પણ શ્રી જલારામ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી હતી જે અંતર્ગત પૂજનવિધી, આરતી, ધ્વજાજી, પૂ.જલારામબાપાનાં પ્રસંગનાં અવસરો સવારે ૯.૩૦ કલાકે જયારે પૂ.જલારામબાપાની શોભા એસ.ટી.રોડ ઉપરથી આવેલાં જલારામબાપાનાં મંદિરેથી બપોરનાં ૪.૩૦ કલાકે નિકળી હતી અને સાંજે ૭ થી ૧૧ દરમ્યાન લોહાણા મહાજન વાડી, કોળી જ્ઞાતિની વાડી ખાતે સમસ્ત રઘુવંશી પરિવાર તથા જલારામ ભક્તોનાં આર્શિવાદથી પ્રેરાઈને જલારામ જયંતિ ઉત્સવમાં ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર-ઠેર ઉજવણી
જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં જલારામ બાપાની રર૦મી જન્મ જયંતિની અનેકવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી યોજાયા હતા જેમાં વહેલી સવારે બાપાનું પૂજન, શોભાયાત્રા, સમુહપ્રસાદ ભોજનના ઠેર-ઠેર આયોજન કરાયા હતા. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ જયાં જયાં રઘુવંશી પરિવારો વસે છે ત્યાં જલારામ જયંતિની ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લાના બિલખા, સાસણ, કેશોદ, માળીયા હાટીના, મેંદરડા, ગડુ, ચોરવાડ, વિસાવદર, સુત્રાપાડા, ભેંસાણ, વંથલી, માણાવદર સહીતના વિવિધ તાલુકાઓમાં પણ જલારામ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.

Leave A Reply