ગીરનારમાં આવેલી ધાર્મિક જગ્યાઓની રસપ્રદ માહિતી

ગીરનારમાં એવી કેટલીય જગ્યાઓ આવેલી છે, જેના વિષે આપણે અનેકવાર મુલાકાત લીધી હોવા છતાં તેના વિષે પૂરી માહિતી મેળવી શકતા નથી. જેટલું ગીરનારનું ઐતિહાસિક મહત્વ છે, એટલું જ એમનું ધાર્મિક મહત્વ પણ છે. આજે આપણે આવી જ બે જગ્યાઓ વિષે વાત કરવાના છીએ, જેના વિષે આપણે સાંભળ્યુ હશે પરંતુ તેની હકીકતો વિષે આપણે અજાણ હોઈશું! પર્વતાધિરાજ ગીરનાર ઉપર આવેલી બે અદ્દભુત જગ્યાઓ વિષે શું તમે આ જાણો છો ?

ભૈરવ જપ
ગીરનારમાં આવેલી એક એવી જગ્યા જ્યાં જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ એક એવી જગ્યા જ્યાં એક વિશાળ પથ્થર ખીણ ઉપર ઝુકેલો જણાય છે. આ પથ્થર ઉપર ભૈરવનું સ્થાનક છે. પહેલાના સમયમાં એક એવી માન્યતા હતી કે, અહીં પથ્થર ઉપર ચઢીને જે કોઈ વ્યક્તિ નીચે પડતી તે નવા જન્મે રાજયોગને પામતી. આવી અંધશ્રદ્ધાને કારણે અનેક લોકોએ અહીંં જીવ ગુમાવ્યા હોવાનું કહેવાય છે. ઈતિહાસવિદોના મતે વર્ષ ૧૮૭૨માં જૂનાગઢ રાજસત્તાએ લોકોના ત્યાં જવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

જૈન દેરાસરો
ગરવો ગીરનાર ધાર્મિકતાની દ્રષ્ટિએ પણ વિશિષ્ટ મહત્વ ધરાવે છે, એમાં પણ જૈન સંપ્રદાયના અનુયાયીઓ માટે ગીરનાર પર્વત એક મહત્વનું આસ્થાનું કેન્દ્ર છે. સમુદ્રની સપાટીથી આશરે ૨૯૧૮ ફૂટ ઊંચે આવેલા જૈન દેરાસરો ગીરનાર તીર્થયાત્રા માટે મહત્વનુ સ્થાન માનવામાં આવે છે. અહિયાં નેમિનાથજી અને રાજમતીની ત્યાગ ભાવનાથી ગીરનાર એ જૈનોનું તીર્થધામ બન્યું છે.
દેવકોટ દરવાજામાંથી પ્રવેશ કરતાં આપણને જૈન દેરાસરોના દર્શન થાય છે. તિર્થનાયક નેમીનાથજીની શ્યામ મૂર્તિ સાથેનું વિશાળ અને મુખ્ય દહેંરૂ અહિયાં સ્થિત છે. મંદિર ફરતે રંગ મંડપ, ચોક અને મંદિર સ્થાપત્ય કલાના અદ્દભુત નમુના છે. આ દેરાસર વિક્રમ સંવત ૬૦૯ માં કાશ્મીરવાસી રતનશા નામના શ્રાવકે બંધાવ્યું હોવાની માન્યતા છે. નેમીનાથજીના દેરાસર પાસે ઋષભદેવ(અદબજી દાદા)ની વિશાળ પ્રતિમા છે. જૂનાગઢના રાજા રા’માંડલિકે આ દેરાસરને સોનાનાં પતરાથી મઢાવ્યું હતું તેવા ઉલ્લેખ ધરાવતા શિલાલેખો પણ જોવા મળે છે. નેમીનાથજીના મંદિરની પાછળ જૈન મંદિરોના મુનીમજી જગમાલ ગોરધનનું દહેરૂં છે. જેના નામ ઉપરથી જુનાગઢ શહેરમાં જગમાલ ચોક પણ છે.
આ ઉપરાંત અહીં સગરામ સોની અને માનસંગ ભોજરાજે બંધાવેલા દેરાસરો, સુર્યકુંડ, રા’ના સમયના અવશેષો, કુમારપાળે બંધાવેલું દેરાસર, સંપ્રતિ રાજાનું મંદિર, હાથીકુંડ, રાજુલની ગુફા વગેરે યાત્રિકોને આકર્ષે છે. ગિરનાર ઉપર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના તરીકે ઓળખાતા પાર્શ્વનાથજીના દેરાસરો ઇ.સ.૧૨૩૨ થી ૧૨૪૨ની વચ્ચે વસ્તુપાળ અને તેજપાળે બંધાવ્યા છે. અહીં દિગંબરી સંઘના પણ કેટલાક દેરાસરો છે.

Leave A Reply