આવતીકાલે જૂનાગઢનો મુકિતદિન : આરઝી હકુમતનાં સૈનિકોને શત્‌ શત્‌ વંદના..

જૂનાગઢ તા. ૯મી નવેમ્બર ૧૯૪૭નો દિવસ જૂનાગઢ અને સોરઠની જનતા માટે આઝાદીનો સુર્યોદય સમાન હતો આ દિવસે જૂનાગઢ અને સોરઠ પ્રાંતને સાચા અર્થમાં આઝાદી પ્રાપ્ત થઈ હતી અને લોકોમાં આનંદ અને ઉત્સાહ છવાયો હતો. આરઝી હકુમતનાં સૈનિકોની સાહસ અને શૌર્યની ગાથા સમા લોકક્રાંતિ એટલે કે પ્રજાકિય જુવાળ સોરઠમાં ઉઠવા પામ્યો હતો અને ૪૬ દિવસની લડાઈને અંતે જૂનાગઢને આઝાદી અપાવી આ ઘટના નાની સુની નથી પરંતુ ગુજરાતના ઈતિહાસમાં જાણે અજાણે ભુલી જવાઈ છે અથવા આજનાં સત્તાધિશો દ્વારા ભુલાવી દેવામાં આવી છે. સોરઠનાં સપુતોની આરઝી હકુમતની યાત્રાની યાદગીરી કાયમી જળવાઈ તે માટે આરઝી હકુમતનું સ્મારક સહીતનાં કાર્યો કરવા જોઈએ તેવી લાગણી પ્રવર્તી રહી છે ત્યારે જૂનાગઢ આઝાદીનાં પર્વની ઉજવણી પ્રસંગે આ બાબતે સંકલ્પ લઈ અને કંઈક કરી છુટવાની ભાવના વ્યકત કરવામાં આવશે તો જ આરઝી હકુમતનાં નામી અનામી સૈનિકોને સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરી ગણાશે. આ તકે જૂનાગઢની આરઝી હકુમત (લોક ક્રાંતિ-પ્રજાકીય સરકાર)નાં મરજીવાઓની ઈતિહાસ ગાથાને રજુ કરતા પ્રસંગો અત્રે પ્રસ્તૃત છે.
કાયમને માટે વિવાદમાં સપડાયેલ જૂનાગઢ અને સોરઠ પંથકની કુંડળીમાં જ વિવાદ રહેલો છે. આપણે જયારે વર-કન્યાની કુંડળીનો મેળાપાક કરીએ છીએ ત્યારે મંગળ દોષવાળી કે શનિ દોષવાળી કુંડળી જોઈએ છીએ તો એમ કહીએ છીએ કે આ કુંડળી દુષીત થયેલી છે. ત્યારે જૂનાગઢ અને સોરઠ પંથકની કુંડળી પણ દુષીત જ થયેલી છે તેમ કહેવાય. કારણ કે, ૧પ મી ઓગષ્ટ, ૧૯૪૭ ના દિવસે ભારત દેશ જયારે ગુલામીની ઝંઝીરોમાંથી અંગ્રેજાના અત્યાચારમાંથી મુકત થયો ત્યારે ખોબા જેવડું પરગણું અને જૂનાગઢ પ્રદેશના કપાળે કાળી ટીલી લાગી ગઈ. આઝાદીના સુર્યોદય વચ્ચે અમાસના અંધારા આ પ્રદેશ ઉપર ઉતર્યા હતા. જૂનાગઢના તત્કાલીન નવાબ મહાબતખાનજીએ તેના વઝીર શાહનવાઝ ભુટ્ટોના દબાણ નીચે જૂનાગઢ સોરઠ પંથકને પાકીસ્તાન સાથે જોડાવાની હિલચાલ કરતા તેમનો જબ્બર વિરોધ ઉઠવા પામ્યો હતો અને આજ સુધીમાં ન જોઈ હોય તેવી ક્રાંતિનો ઉદય જૂનાગઢ અને સોરઠ પ્રદેશમાં થયો હતો. સાચા અર્થમાં જેને આઝાદી મળી છે તેમ કહી શકાય તે ઘણી મોડી જૂનાગઢ શહેરને મળી હતી. જૂનાગઢની પાણીદાર પ્રજાએ લોક ક્રાંતિ કરી હતી. જેને આરઝી હકુમતની ક્રાંતિ કહેવાય છે. આ ક્રાંતિ એક નવા સુર્યોદયની મિશાલ બની ગઈ હતી. પરંતુ આઝાદીના ૭૦ વર્ષ પૂર્ણ થયા છે. તેમ છતાં ઈતિહાસના આ સોનેરી તવારીખને જાણે-અજાણ્યે ભુલી જવાયું છે તેમ લાગે છે. કારણ કે આજ દિવસ સુધી આરઝી હકુમતના રચયિતા લોકસેનાના રખેવાળો જૂનાગઢની ભૂમિને જેઓએ મુકિત અપાવી છે તેવા મુકિતદાતાઓનો યથોચિત્ત સન્માન થયું નથી તેવો વસવસો આજ સુધી થઈ રહયો છે દરમ્યાન ગત વર્ષે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢનાં આંગણે આઝાદીનાં પર્વની અનેકવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને ભુતકાળમાં જેમ આરઝી હકુમતનું સ્મારક બનાવવાની વાત થઈ હતી. તેમ ફરી એકવાર વચન આપી દેવામાં આવ્યું હતું પરંતુ આ એક વર્ષ દરમ્યાન આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. ભારત દેશમાં અંગ્રેજાની ગુલામી પ્રથાની સામે વર્ષોથી વિરોધ ચાલતો હતો. પોરબંદરના મહામાનવ એવા મોહનદાસ કરમચંદ ગાંધીના નેજા હેઠળ દેશભરમાં અનેક ચળવળો ઉભી થઈ, આ પહેલા પણ ૧૮પ૭ના બળવો, જલીયાવાલા બાગ જેવી અનેક ઘટનાઓ બની અને આખરે સમગ્ર દેશવાસીઓની જયાં મીટ મંડાયેલી હતી તેવા અંગ્રેજા આ ભારત દેશ છોડીને જતા રહયા. અને એ ભારતને ૧પ મી ઓગષ્ટ, ૧૯૪૭ના દિવસે આઝાદી મળી. અંગ્રેજાએ ભારતમાંથી રવાના થયા પરંતુ તેમ છતાં ભાગલા પાડવાની નીતિ ચુકયા નહોતા. આ એ સમય હતો કે જયારે ર૦ર થી વધારે રજવાડાઓ સ્વતંત્ર હકુમત કરતા હતા અને જેને દેશી રજવાડા કહેવામાં આવતા હતા. અંગ્રેજોએ તેમની સામે પ્રસ્તાવ મુકયો હતો કે જા તમારે સ્વતંત્ર રહેવું હોય તો સ્વતંત્ર રહી શકો છો અને જો હિન્દી સંઘમાં જવું હોય તો તેમાં પણ જઈ શકો છો અને પાકિસ્તાન સાથે જોડાવું હોય તો તેમાં પણ તમે જોડાઈ શકો છો. આવી કુટનીતિ અંગ્રેજાએ કરી તે વખતે હૈદ્રાબાદના નિઝામ અને જૂનાગઢના નવાબનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટોની દોરવણીથી જૂનાગઢના તત્કાલીન નવાબ અને બાબી વંશના છેલ્લા રાજવી મહાબતખાનજીએ જૂનાગઢને પાકીસ્તાન સાથે જોડવાની હિલચાલ કરતા તેનો જબ્બર વિરોધ થયો અને તેની સામે જૂનાગઢ સહીત સોરઠ પ્રદેશમાં લોકક્રાંતિ ઉઠવા પામી. લોકોને હાથે ચડયો હથિયાર લઈને લોકક્રાંતિમાં જોડાયા હતા. અંધાધુંધી, આતંક, ભય અને અરાજકતાના વાતાવરણમાં શું થશે? તે પ્રશ્ન અંધકારમય બન્યો હતો. જૂનાગઢ અને સોરઠી પ્રજાનું ભાવિ અંધકારમય બન્યું હતું. આ દરમ્યાન મુંબઈના માધવબાગ ખાતે સૌરાષ્ટ્રના અને કાઠીયાવાડના પ્રથમ હરોળના નેતાઓની એક વિરાટ સભા મળી હતી. જેમાં અંદાજીત ર૦ હજાર જેવી જનમેદની ઉમટી પડી હતી. અને આ બેઠકમાં એકજ સુરે બધાએ નકકી કર્યુ કે જૂનાગઢ અને સોરઠ પંથકને નવાબી શાસનની ચુંગાલમાંથી મુકત કરાવીને જ રહીશું. આ બેઠકમાં એક કામચલાઉ પ્રધાનમંડળ પણ રચી કાઢવામાં આવેલ અને કનૈયાલાલ મુન્શીએ બંધારણ પણ ઘડી કાઢેલ હતું. તેમજ નવાબી શાસન સામે જે જંગ ખેલાવાનો હતો તેમાં લોકક્રાંતિને આરઝી હકુમત જેવું નામ આપવામાં આવેલ. આજ બેઠકમાં શામળદાસ ગાંધીને શમશેર અર્પણ કરીને તેમને જૂનાગઢની આરઝી હકુમતના વડાપ્રધાન બનાવવામાં આવ્યા અને પ્રધાન મંડળના સભ્યો તેમજ આ આખો રસાલો ત્યાંથી ટ્રેન માર્ગે નીકળી અને નવાબી શાસન સામે લડાઈ કરવા મેદાને પડયો. ત્યારબાદ વિધીસર રીતે દફતરની વહેંચણી અને સૈનિકોને તાલીમ આપવાના કાર્યક્રમો બાદ એક શિસ્તબધ્ધ રીતે લોકસેનાની આ ટુકડીએ કામગીરી આરંભી. કાઠીયાવાડ રાજકીય પરિષદના અગ્રણીઓ ઉપરાંત ઉછરંગરાય ઢેબર, રસીકભાઈ પરીખ, દરબાર ગોપાલદાસ, માર્કંડભાઈ દેસાઈ, શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી, ગુણવંતભાઈ પુરોહીત, દુર્લભજીભાઈ નાગ્રેચા, મહંત વિજયદાસજી, મણીલાલ દોશી, નરોતમભાઈ શેઠ, ન્યાલચંદભાઈ શેઠ, કનુભાઈ લહેરી, નરેન્દ્ર નથવાણી, શશીકાંન્તભાઈ લાખાણી, જશુભાઈ મહેતા, સનતભાઈ મહેતા, કેપ્ટન બાલમસિંહ, કેપ્ટન બળવંતસિંહ, માળીયા હાટીનાનાં જશાબાપુ, અમૃતલાલ શેઠ, વિનુભાઈ રાણા, લાભશંકર દવે, હરીનભાઈ શાહ, નરભેરામ સદાવ્રતી, જીવાભાઈ કેશવાલા, મયારામજી મહારાજ, માલદેવજીભાઈ, સુરગભાઈ વરૂ, નરોતમ ન્યાલચંદ શેઠ, ગોકુલદાસ ગગલાણી, પુરસોતમ લાલજી મહારાજ, મહેરામજી મહારાજ, સાધુ મોતીગર, કરશનભાઈ મહેર, ગીગાભાઈ મહેર, મેણંદભાઈ ડાંગર, તેમજ નામી અનામી અનેક સૈનિકો અને સોરઠી સપુતોએ જૂનાગઢ અને સોરઠ પ્રદેશમાં લોકક્રાંતિનો જુવાળ ઉભો કરી અને લોકોમાં સ્વયંભુ ક્રાંતિ જગાવી હતી. સૌપ્રથમ રાજકોટ ખાતે રહેલા જૂનાગઢ હાઉસનો કબ્જા, ત્યારબાદ ઉપરકોટ ખાતે થાણુ બેસાડયું. આ ઉપરાંત ૯મી સપ્ટેમ્બરે કુકાવાવ ખાતે મુંબઈથી આવેલા વીરચંદભાઈ શેઠ અને દુર્લભજીભાઈ નાગ્રેચાએ આરઝી હકુમતનું થાણું નાખેલ હતું. આ થાણું આરઝી હકુમતની ઐતિહાસિક લડતનો મુખ્ય વિજય થાણું બની ગયું હતું. કારણ કે, ર૪ મી ઓકટોબર, ૧૯૪૭ ના વિજયા દશમીના દિવસે આજ થાણાના સૈનિકો અને આરઝી હકુમતના કાર્યકર્તાઓએ કુચ આરંભી અને ભેંસાણ મહાલનું પ્રથમ ગામ અમરાપુર ગામ ઉપર વિજય વાવટો ફરકાવીને ત્યાર પછી એક પછી એક ગામો ઉપર આરઝી હકુમતની સેનાએ કબ્જા મેળવી અને ૪૬ દિવસની અંદર જૂનાગઢ સોરઠ પંથકને સંપુર્ણ મુકત કરાવી લીધું.
જૂનાગઢના નવાબ અને તેમનો રસાલો પાકિસ્તાન કરાચી જતો રહયો, હિન્દી સંઘનો પ્રવેશ અને ભારતમાં જૂનાગઢનું જોડાણ સાથે ૯ મી નવેમ્બર, ૧૯૪૭ના દિવસે જૂનાગઢ સાચા અર્થમાં આઝાદી થયું હતું. આરઝી હકુમતના સરનશીન શામળદાસ ગાંધીએ ઉપરકોટ ખાતે વિજય વાવટો ફરકાવ્યો અને આમ જૂનાગઢની આઝાદીની યાત્રા પુર્ણ થઈ હતી. જૂનાગઢ અને સોરઠની જનતાએ જે ટાચા સાધનો વડે જૂનાગઢની ભૂમિને મુકત કરાવવા જે જંગ ખેલ્યો હતો તે કોઈ કાળે ભુલી શકાય તેમ નથી. પરંતુ સમગ્ર દેશને મળેલી આઝાદીમાં સમગ્ર ભારત દેશ ગુલતાન હતું ત્યારે જૂનાગઢની લોકક્રાંતિ આરઝી હકુમતની આ વિજય યાત્રાને જાણે-અજાણ્યે ભુલાઈ જવા પામી છે. ભારત દેશ સ્વતંત્ર થયા બાદ અનેક સરકારો આવી, ત્યારબાદ ૧૯૭ર માં ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતિ ઈન્દીરા ગાંધીએ દેશના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને તેમની નિઃસ્વાર્થ ભાવે દેશપ્રેમ બતાવી અને જે લડતો આપી હતી તેનું યથોચિત્ત સન્માન કરી તેઓને તામ્રપત્ર અર્પણ કરી અને સ્વાતંત્ર્ય સેનાનીનો દરજજા આપી તેમને માસિક પેન્શન યોજના જારી કરવામાં આવી હતી. ઘણાં વર્ષો વિતી ગયા બાદ ગુજરાતમાં રાજપાનું શાસન આવેલ અને તત્કાલીન મુખ્યમંત્રી દિલીપ પરીખની ઉપસ્થિતીમાં તેમની સરકાર દ્વારા ૯મી નવેમ્બર, ૧૯૯૭ના દિવસે જૂનાગઢની બહાઉદીન કોલેજ ખાતે જૂનાગઢની મુકિત સંગ્રામના લડવૈયા આરઝી હકુમતના સૈનિકોનું સન્માન કરવામાં આવેલ અને ત્યારે જ નકકી કરવામાં આવેલ કે આરઝી હકુમતના સૈનિકોની યાદમાં એક સ્મારકની રચના કરવી, આ સ્મારક માટેના પાયાનો પથ્થરનો ટુકડો આજે પણ જૂનાગઢની બહાઉદીન કોલેજમાં એકલો અટુલો ઉભો છે. તેની આસપાસ કચરો, જાડી-જાંખરા ઉગી નીકળે છે. ૧પમી ઓગષ્ટ, ર૬ મી જાન્યુઆરી કે
૯ મી નવેમ્બરના રોજ ત્યાં સાફ-સફાઈ થતી હોય છે અને કેટલાક કાર્યક્રમો થતા હોય છે. તત્કાલીન કલેકટર પંકજ જોશીની ઉપસ્થિતીમાં જે તે વખતે આરઝી હકુમતનું પ્રજાકીય ચળવળનું સ્મારક બનાવવા એક સમિતિની રચના કરવામાં આવી અને તેમાં એવું ઠરાવવામાં આવેલ કે ગુજરાત રાજય સરકાર દ્વારા આરઝી હકુમતના સૈનિકોનું સન્માન અને તેમના માટે કંઈક કરવું અને તેનું સ્મારક બનાવવું. ત્યારબાદ રાજપાના શાસનનો પલ્ટો થયો અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું. કેશુભાઈ પટેલ અને ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી પદે આવ્યા ત્યાર પછી આનંદીબેન પટેલ અને હવે વિજયભાઈ રૂપાણી કાર્યભાર સંભાળે છે. આરઝી હકુમતની સૈનિકો માટેની કંઈક કરી છુટવાની યોજનાની ફાઈલ ટલ્લે ચડી ગઈ જે તે વખતે ૧૩૦ જેટલા સ્વાતંત્ર્ય સેનાનીને આરઝી હકુમતના સેનાની તરીકે નોંધણી કરી અને જે કમીટી નામો નકકી કરે તે મુજબ તેમનું સન્માન કરવાનું નકકી થયું હતું પરંતુ સન્માનના કાર્યક્રમની તારીખ નકકી થાય ત્યાં સુધીમાં ઘણાંખરા આરઝી હકુમતના સૈનિકો સ્વર્ગવાસી બન્યા ત્યાં સુધી સરકાર કોઈ નિર્ણય કરી શકી નહીં આરઝી હકુમતનું સ્મારક પણ બન્યુ નહી. અને ઘણાં વર્ષો બાદ જૂનાગઢ હાજીયાણી બાગ ખાતે ગુજરાત સરકાર દ્વારા હયાત સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવેલ. એક સન્માનપત્ર, પ્રમાણપત્ર, ચાંદીનો સ્મૃતિચિન્હ અને ર૧ હજારની રોકડ આપવામાં આવી. ત્યારબાદ ફરી એકવાર આરઝી હકુમતના સ્મારકો બનાવવા માટે વિચારણા હાથ ધરી, આ વિચારણા માત્ર વિચારણા જ રહી અને આ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા એક અભુતપુર્વ નિર્ણય લઈ આરઝી હકુમતના સૈનિકોનું સન્માન કરવાનો એક કાર્યક્રમ ગત તા.ર૬-પ-૦૮ ના રોજ યોજવામાં આવ્યો. કૃષિ યુનિ. ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગણ્યાગાંઠયા અને જે જીવીત હતા તેવા પ૦ જેટલા વયોવૃધ્ધ સેનાનીઓનું સન્માન થયું અને એક લાખ રૂપિયાના ચેકની અર્પણવિધી થઈ. આઝાદીની બહુ મોટી લડાઈ લડનારા આરઝી હકુમતના સંખ્યાબંધ સૈનિકોની અવહેલના કરવામાં આવી છે તેવો સુર પણ ઉઠી રહયો છે. આજે આરઝી હકુમતના મોટાભાગના સૈનિકો આ સોરઠની અને ભારત દેશની ધરતી ઉપરથી વિદાય થયા છે. ત્યારે તેમના પરિવારજનો અથવા તેમના આશ્રીતો હોય તેવા કુટુંબીજનોને જયારે પણ કોઈ ફંકશન, મેળાવડો હોય ત્યારે તેમને બોલાવવાનું સૌજન્ય પણ દાખવવામાં આવતું નથી તેવી વ્યાપક ફરીયાદો ઉઠી છે. આરઝી હકુમત સૈનિકોના પરિવારજનોનું કહેવું છે કે, સરકાર તરફથી મળતા માન, અકરામ કે ઈનામો અમારે જોઈતા નથી અને તેનો મોહ પણ અમને નથી. કારણ કે, કોઈપણ જાતની ખેવના વિના ઘર, પરિવારને છોડીને ફકત સોરઠની ભૂમિ અને ભારતની ભૂમિને મુકિત અપાવવા માટે જે સંગ્રામ આરઝી હકુમતના સૈનિકોએ નિઃસ્વાર્થ ભાવે સંગ્રામ ખેલ્યો છે ત્યારે અમે પણ તેઓના પરિવારમાંથી આવીએ છીએ તો અમારે પણ કોઈ જાતનું કાંઈ જોઈતું નથી પરંતુ એક આરઝી હકુમતના પરિવારજન તરીકેનું ગૌરવ તો મળવું જોઈએ અને તેવી અપેક્ષા સેવી રહયા છે. દરમ્યાન ર૬-પ-ર૦૦૮ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આરઝી હકુમતના સૈનિકોનું સન્માન થયા બાદ આરઝી હકુમતના સૈનિકોની કાયમી યાદગીરી જળવાય તે માટે સ્મારક બનાવવાની યોજના કાગળમાં દબાઈ ગઈ છે. તત્કાલીકન કલેકટર અશ્વિનીકુમારની અધ્યક્ષતામાં એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્મારક અંગેનો એક આખો પ્લાન તૈયાર કરીને ગુજરાત સરકારમાં મંજુરી માટે મોકલી આપવામાં આવેલ જે આજદિન સુધી ફાઈલોમાં જ કેદ થયેલો છે. હજી સુધી આ પ્લાનને મંજુરી મળી નથી તેમ જાણકાર સુત્રોમાંથી જાણવા મળે છે. ગતિશીલ ગુજરાતનો પવન આજે ગુજરાતમાં ફુંકાઈ રહ્યો છે ત્યારે આરઝી હકુમતનાં ગૌરવવંતા ઈતિહાસને સાકાર સ્વરૂપ આપવાની માંગણી થઈ રહી છે.

Leave A Reply