આજે દેવદિવાળી : ભગવાન શાલીગ્રામ અને તુલસીજીનાં લગ્નોત્સવ

કારતક સુદ-૧૧નો દિવસ એટલે દેવ દિવાળી. આ દિવસે ભગવાનનાં લગ્નોત્સવ યોજાઈ રહ્યાં હોય જેથી લોકોમાં આનંદ ઉત્સવ છવાયો છે. આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર-ઠેર તુલસી વિવાહનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ભગવાનની જાન જોડી અને વિવાહ સંપન્ન કરવામાં આવશે.
દેવ ઉઠી એકાદશીનો દિવસ એટલે કે દેવદિવાળીનાં આ પર્વની દર વર્ષે ઉત્સાહભેર ઉજવણી થાય છે. દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની ઉજવણી લોકોએ આનંદભેર કરી જલારામ જયંતિની પણ ઉજવણી દરેક ધર્મપ્રેમી જનતાએ કરી છે અને આવતીકાલે હવે દેવદિવાળીનો પ્રસંગ આવી રહ્યો હોય આ દિવસથી જ દરવર્ષે યોજાતી ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પણ મધ્યરાત્રીએ પ્રારંભ થઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં ભાવિકો પરિક્રમાનું પુનિત ભાથું બાંધવાં આવી પહોંચશે અને ભજન-ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સમા પરીક્રમા રૂટ ઉપર સર્જાઈ રહ્યો છે તો બીજી તરફ આજે દેવ દિવાળીનાં આ પાવનકારી પર્વને દેવોનાં ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે આજે ભગવાન શાલીગ્રામ અને તુલસીજીનાં લગ્નનાં કાર્યક્રમો જૂનાગઢ શહેરથી લઈને સોરઠ જીલ્લાનાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવી રહેલ છે. ભગવાનનાં લગ્નમાં જાનૈયા બનીને વરપક્ષ-કન્યાપક્ષ બની અને લોકો ભગવાનનાં લગ્નનો આનંદ ઉત્સવ ઉજવી રહ્યાં છે.
દેવ ઉઠી એકાદશી એટલે કે દેવદિવાળીનાં દિવસથી લગ્નોત્સવનાં કાર્યક્રમો યોજાતાં હોય છે. પરંતુ આ વર્ષે આજે ૮ નવેમ્બરનાં તુલસી વિવાહનાં પર્વ બાદ લગ્નસરાની મોસમ પણ પુરબહારમાં ખીલી ઉઠશે અને પારિવારીક સગાઈઓ, લગ્નો, સમુહલગ્નોત્સવ, સામાજીક સંસ્થા દ્વારા યોજાતાં લગ્નોત્સવનાં કાર્યક્રમો યોજવામાં આવશે. લગ્નસરાની મોસમને લઈને તમામ માર્કેટમાં પણ તેજીનો સંચાર થશે. મોંઘવારીનાં સમયમાં ખપ પુરતી ખરીદી તો લોકો કરશે જ અને જેને લઈને લગ્નસરાની મોસમ પુર બહારમાં ખીલી ઉઠશે.

Leave A Reply