ગીરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ : લાખો ભાવિકો રૂપાયતનથી રવાના

જૂનાગઢ નજીક આવેલાં ગરવા ગિરનારની લીલી પરિક્રમા દેવ દિવાળીનાં પવિત્ર દિવસે દર વર્ષે યોજાતી હોય છે. આ વર્ષે પણ ગઈકાલે એક તરફ જૂનાગઢ શહેર અને જીલ્લામાં ઠેક-ઠેકાણે તુલસી વિવાહનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં હતાં તો બીજી તરફ ગઈકાલે મધ્યરાત્રીનાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ હતો. આ તકે જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી, મહંત તનસુખગીરીબાપુ, મહંત ઈન્દ્રભારતીબાપુ, મહામંડલેશ્વર જયશ્રીકાનંદજી, જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ પદાધિકારીઓ, સંતો અને ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ભજન ભક્તિ અને ભોજનનાં ત્રિવેણી સંગમ સમી ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે.તા. ૭-૧૧-ર૦૧૯ના રાત્રે૧૧.૫૯ મિનિટે ઇટવા ચેકપોસ્ટ ખાતેનો પરિક્રમાર્થીઓ માટે એક દિવસ પહેલા જ ગેટ ખોલી દેવામાં આવ્યો હતો પરંતુ કારતક સુદ અગિયારસની રાતે દર વર્ષે આ પરિક્રમાનો સાધુ સંતો અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા પ્રારંભ કરવામાં આવે છે અને પરિક્રમા ખુલ્લી મુકવામાં આવે છે. ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે ત્રણ રાત અને ચાર દિવસ થતા હોય છે પરિક્રમાં ૩૬ કિલોમીટરના અંતરમાં થાય છે પરિક્રમા ભવનાથના રૂપાયતન ખાતેથી શરૂ થાય છે અને પહેલો પડાવ જીણાબાવાની મઢી, બીજો પડાવ મારવેલાની ઘોડી, ત્રીજો પડાવ બોરદેવી અને અંતમાં ફરી ભવનાથ ખાતે આ પરિક્રમા પૂર્ણ થાય છે. આમ, ૩૬ કિલોમીટરની આ પરિક્રમા કરવા માટે લાખો ભાવિકોએ યાત્રા શરૂ કરી છે. પરિક્રમાનો વિધિવત પ્રારંભ તા. ૮ ના રોજ રાત્રે ૧ર કલાકે કલેકટર, કમિશનર, સાધુ-સંતોએ કર્યો હતો અને પરિક્રમાર્થીઓને પરિક્રમા કરવા રવાના કર્યા હતા. ગિરનારની લીલી પરિક્રમાનું મહત્વ અલગ જ છે, હજારો વર્ષ પહેલા સાધુ સંતો મહંતો ગિરનારની પરિક્રમા કરતા હતા તેને લઈને લોકો પણ આ પરિક્રમા કરવા લાગ્યા. દેવ દિવાળીની રાતથી પરિક્રમા લોકો શરૂ કરતા હોય છે. ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે દર વર્ષે પાંચથી સાત લાખ શ્રદ્ધાળુ પરિક્રમા કરવા આવી પહોંચતા હોય છે પરંતુ આ વખતે શ્રદ્ધાળુઓની ઓછી ભીડ જોવા મળે છે એક બાજુ મહા વાવાઝોડાને લઈને લોકોમાં ચિંતાનો માહોલ ફેલાતાં ગિરનારની લીલી પરિક્રમા ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે.

Leave A Reply