Friday, December 6

ગરવા ગિરનારની પરિક્રમા અંતિમ ચરણમાં : પાંચ લાખ ઉપરાંત ભાવિકોએ પુણ્યનું ભાથું બાધ્યું

જૂનાગઢ નજીક આવેલાં ગરવા ગિરનારની લીલી પરિક્રમા અંતિમ પડાવ તરફ પહોંચી છે. અંદાજીત આ વર્ષે પ લાખ કરતાં વધારે ભાવિકોએ પરિક્રમાનું પુનિત ભાથું બાંધેલ છે. ગિરનાર ક્ષેત્રમાં પરિક્રમાનાં રૂટ ઉપર જંગલમાં મંગલ જેવું દૃશ્ય સર્જાયું હતું. ઠેર-ઠેર પડાવ, અન્નક્ષેત્રો, સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ, ધાર્મિક સ્થળોમાં યાત્રાળુઓને માટે ભોજન સહિતની વ્યવસ્થા અને રાત્રીનાં જંગલમાં સંતવાણીનાં કાર્યક્રમ સાથે પરિક્રમા અંતિમ ચરણમાં પ્રવેશી ગઈ છે.
દર વર્ષે ગિરનાર ક્ષેત્રની ૩૬ કિલોમીટરની પરિક્રમાનો લાભ લેવા માટે દુર-દુરથી ભાવિકોનો સતત પ્રવાહ આ પરિક્રમાનો લાભ લેતાં હોય છે.પોત-પોતાનાં સંઘ સાથે ભાવિકો યાત્રા કરે છે. યાત્રાળુઓની સુખાકારી માટે જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલીસ તંત્ર, વનવિભાગ, સ્થાનિક તંત્ર, મહાનગરપાલિકા તંત્ર, સેવાકીય સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, સંતો-મહંતો અને ઉતારા મંડળ દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવતી હોય છે. આ વર્ષે એક તરફ મહા વાવાઝોડાની દહેશતનાં પગલે પરિક્રમા કરવી કે ન કરવી તે મોટો પ્રશ્ન હતો. પરંતુ ગિરનારજી મહારાજની અસીમ કૃપાને કારણે આ વર્ષે પણ પરિક્રમા યથાવત રહી હતી. જીલ્લા વહીવટી તંત્રનાં સહિતનાં વિવિધ વિભાગોએ સુંદર મજાનું આયોજન કરી અને પરિક્રમા નિવિધ્ને થાય તે માટેનાં પ્રયાસોને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ગિરનાર પરિક્રમાનાં વિવિધ રૂટો, માળવેલા, નળપાણીની ઘોડી, બોરદેવી સહિતનાં અડાબીડ વન વિસ્તારમાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. ખાસ કરીને નળપાણીની ઘોડી કે જ્યાં અત્યંત કપરૂં ચડાણ હોય છે ત્યાં પણ ભાવિકો ઉમટી પડ્યાં હતાં. પરિક્રમાને લઈને જૂનાગઢ શહેરમાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તેમજ ભવનાથ સહિતનાં વિસ્તારોમાં માનવ મહેરામણ ઉમટી પડેલ છે.
પરિક્રમા અંતિમ ચરણમાં પ્રવેશી ગઈ છે ત્યારે પાંચ લાખથી વધારે ભાવિકોએ પરિક્રમાનું પુનિત ભાથું બાધ્યું છે. જા કે મહા વાવાઝોડાનાં ભયને પગલે આ વર્ષે ભાવિકોની સંખ્યા પાંખી રહી હતી. દરમ્યાન પ,પ૯,૪૬૧ ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી અને વતન ભણી રવાના થઈ ગયા છે.
ગિરનારની પવિત્ર ભૂમિ ગુરૂ દત્તાત્રેય ભગવાનની તપોભૂમિ હોવાથી આ સિધ્ધ ભૂમિ ખુબ જ મહત્વ ધરાવે છે અને દુર-દુરથી સંત-મહાત્માઓ અહિં પધારતાં હોય છે પરિક્રમા દરમ્યાન પણ અહિં આવેલાં સંતે હેરતભર્યા યોગાનાં આસનો કરી અને સૌને મંત્રમુગ્ધ બનાવી દિધા હતાં.

Leave A Reply