Friday, December 6

ગીર બોર્ડરનાં જંગલ વિસ્તારમાં હિંસક પ્રાણીઓનાં વધી રહેલાં હુમલાથી ખેડુતો ત્રાહિમામ

ગીર-બોર્ડર વિસ્તારનાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લાં ઘણાં સમયથી ખેડુતોને ભારે મુશ્કેલી પડી રહી છે. હિંસક પ્રાણીઓનાં વધતાં-જતાં હુમલાઓનાં કારણે સંખ્યાબંધ ખેડુતોને ઈજા તેમજ માનવ મૃત્યું પણ થયાં છે. વિસાવદર પંથકમાં પણ ૭૪ ગામનાં ખેડુતોને ભારે મુશ્કેલી પડી રહી છે. દરમ્યાન ગઈકાલે ભારતીય કિશાન સંઘનાં નેજા હેઠળ ખેડુતોનાં વિવિધ પ્રશ્નોને લઈને વનવિભાગનાં પદાધિકારીઓ સાથે એક બેઠક મળી હતી અને ભારતીય કિશાન સંઘ દ્વારા વનવિભાગને અસરકારક રજુઆત કરવામાં આવી હતી. તેમજ હિંસક પ્રાણીનાં હુમલાથી મૃત્યું પામેલનાં પરિવારને રૂ.૧૦ લાખનું વળતર ચુકવવાની પણ માંગણી કરવામાં આવી હતી. અત્યારે પરિસ્થિતી એવી છે કે આ તમામ વિસ્તારોમાં જંગલનાં રાજા વનરાજ પાંજરામાંથી બહાર આવી ગયા છે જયારે ખેડુતોને પાંજરામાં રહેવું પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.
ગીર બોર્ડરનાં જંગલ વિસ્તાર આસપાસ રહેતાં ખેડુતોને પડતી અનેક અગવડતા અને અનેક માંગણીઓ અંગે આજે ભારતીય કિશાન સંઘના સંયોજક મનસુખ પટોળીયાની આગેવાની હેઠળ વનવિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ૧૩ મુદ્દાઓને લઈ માંગણી કરવામાં આવી છે. આ માંગણીમાં ખેડુતોને ખેતીકામ દરમ્યાન હિંસક પ્રાણીના હુમલામાં મોતને ભેટે તો તેનાં પરિવારને ૧૦ લાખનું વળતર આપવું તેમજ ઘાયલ થયેલા વ્યકિતને તાત્કાલિક સારવાર માટે નાણા આપવા તેમજ કાયમી અપંગતા આવે તો તેને તાત્કાલિક પ૦ ટકા સહાય ચુકવવા માંગણી કરવામાં આવી છે. જંગલ ખાતાની જમીન છે તે સિવાય ગામડામાં ગ્રામ પંચાયત હસ્તકની ગૌચર હોય છે તે જગ્યા જંગલની નથી. તે ગૌચરાં જેમ કે ડેડકીયાળી જંગલમાં કનડો ડુંગર રેવન્યુ વિસ્તારમાં છે જંગલમાં નથી તો અહીં જંગલખાતા દ્વારા હેરાનગતી કરવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે. પંચાયત વનીકરણ માટે આપેલ જગ્યાઓ તેમનો સમય પુરો થયે ખેડુતોને પશુઓ ચરાવવા માટે આપવામાં આવે છે. બોર્ડરનાં ગામોમાં રહેણાંક મકાન ખેતીવાડીમાં બનતા મકાનો ભરતી માટે માટી તથા વાડીએ જવા માટેનાં રસ્તાઓ બનાવવા માટી નાખવાની મંજુરી આપવામાં આવે, જંગલ વિસ્તારનાં બોર્ડર ઉપરનાં ગામોમાં રહેણાંક હેતુ માટે ખેતીમાંથી બિનખેતી કરવા તાત્કાલિક વનવિભાગ દ્વારા એનઓસી આપવામાં આવે તેમજ રસ્તાઓ બનાવવા માટે મંજુરી આપવામાં આવે જેમાં વાણીયાવાવથી સાસણ, બામણાસાથી જાંબુવાળા, બોરવાવથી સાસણ, જશાપુરથી અમૃતવેલ, સાસણથી સતાધાર, જામવાળાથી ધારી અને વાડલાથી બામણાસા રસ્તા બનાવવા મંજુરી આપે તેમજ બોર્ડ પાસેના ગામોનાં ખેતીની જમીનમાં વિજપોલ નાંખવા અને વીજ ફિડરો ઉભા કરવાની મંજુરીની માંગ કરી હતી.

Leave A Reply