Friday, December 6

જૂનાગઢ મહાનગરને મળશે સુવિધાસભર નવું હાઇરાઇઝડ કોર્ટ બિલ્ડીંગ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ શહેરના નાગરિકો-નગરજનો, વકીલોની વર્ષો જૂની માંગણીનો સુખદ અને સુચારૂ ઉકેલ લાવતાં જૂનાગઢ મહાનગરમાં સુવિધાસભર હાઇરાઇઝડ કોર્ટ બિલ્ડીંગ ન્યાય ભવનના નિર્માણ માટેનો નિર્ણય કર્યો છે. આ નવું કોર્ટ બિલ્ડીંગ ૩૮ હજાર ચોરસ મીટરમાં નિર્માણ પામશે. એટલું જ નહિ, આઇકોનિક હાઇરાઇઝડ બિલ્ડીંગ તરીકે જૂનાગઢ મહાનગરમાં આગવી ઓળખ બને તે હેતુસર લેન્ડ સ્કેપીંગ, ગ્રીન બિલ્ડીંગ – ઇકોફ્રેન્ડલી કોન્સેપ્ટ સાથે નિર્માણ થવાનું છે. પાર્કીંગ માટે પૂરતી ખૂલ્લી જગ્યા અને સૌરઊર્જાના ઉપયોગનો કોન્સેપ્ટ પણ આ નવા નિર્માણ થનારા કોર્ટ સંકુલમાં આકર્ષણ બનશે.
જૂની સિવીલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આ ન્યાયાલયનું નિર્માણ થવાથી શહેરની જીલ્લા કોર્ટ સહિતની અન્ય કોર્ટ-ન્યાયાલયો એક જ કમ્પાઉન્ડમાં કાર્યરત થતાં કોર્ટના કામકાજ માટે આવનારા અરજદારો, વકીલો, નાગરિકોને એક જ સ્થળેથી બધી કોર્ટની સવલત મળશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, જૂનાગઢ શહેરમાં નવી સિવીલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજનું ભવ્ય રીતે અન્ય જગ્યાએ નિર્માણ થતા જૂની સિવીલ હોસ્પિટલ વાળી જગ્યા ખાલી થઇ છે તે જગ્યા ઉપર આ નવું અદ્યતન ન્યાય સંકુલ નિર્માણ પામવાનું છે. મુખ્યમંત્રીએ તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે મહાનગરના વિવિધ વિકાસ કામો અને પ્રશ્નો અંગે યોજેલ સમીક્ષા બેઠકમાં વિચાર-વિમર્શ કરીને આ નવા કોર્ટ બિલ્ડીંગના નિર્માણનો નિર્ણય કર્યો છે. ફેમીલી કોર્ટ, બાળ અદાલત, કન્ઝયુમર ફોરમ કોર્ટ, લેબર કોર્ટ દરેક જુદી જુદી કોર્ટ એક જ સંકુલમાં ઉભી કરાશે.

Leave A Reply