Friday, December 6

જૂનાગઢમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ગ્રોફેડ પાસે નવું મીટરગેજ રેલ્વે સ્ટેશન બનાવવા સૈધ્ધાંતિક સ્વીકાર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા મીટરગેજ રેલ્વે સ્ટેશનને શીફટ કરી ગ્રોફેડ પાસે નવુ રેલ્વે સ્ટેશન બનાવવાનો જનહિત અભિગમ અપનાવતાં આ અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે.
આ અંગેની દરખાસ્ત પણ કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલીને તેના ફોલોઅપની સૂચનાઓ વહીવટી તંત્રને આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા મીટર ગેજ રેલ્વે સ્ટેશન માટેની મંજૂરી મળતાં જૂનાગઢ શહેરના વર્ષો જૂના ટ્રાફિકજામના પ્રાણ પ્રશ્નો અંત આવશે અને શહેરના વિકાસની નવી દિશા ખૂલશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી જૂનાગઢ-વિસાવદર મીટરગેજ રેલ્વે લાઇનના રૂટમાં વચ્ચે ૯ જેટલા રેલ્વે ફાટક આવતાં હોવાથી નગરજનોને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. મુખ્યમંત્રીએ વર્ષો જૂની આ ટ્રાફિક સમસ્યાના નિવારણરૂપે હાલના મીટરગેજ રેલ્વે સ્ટેશનને શીફટ કરી ગ્રોફેડ પાસે નવું રેલ્વે સ્ટેશન બનાવવા માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનો અને તેના સતત ફોલોઅપ કરવાનો નિર્ણય પણ કર્યો છે.

Leave A Reply