Friday, December 6

જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનો ચમકારો ગીરનારમાં ૧પ ડીગ્રી તાપમાન

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીની ધીમીગતિથી શરૂઆત થઇ ચુકી છે. આજે સોરઠવાસીઓએ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. લઘુત્તમ તાપમાનમાં પણ હવે ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો જોરદાર રીતે ગગડયો હતો. જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજનું મહત્તમ તાપમાન ર૦.૮, લઘુત્તમ તાપમાન ૧૮.૬, ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક ૩.પની રહી હતી. ગત રાત્રીથી જ ટાઢોડું પ્રસરી ગયુ હતું. આજે વહેલી સવારે પણ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. પરોઢીયાના સમયે ઝાકળ અને ધુમ્મસનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું હતું. જ્યારે ગીરનાર પર્વત ઉપર ૧પ ડીગ્રી તાપમાન જોવા મળ્યું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ જ લઘુત્તમ તાપમાનમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. લઘુત્તમ તાપમાન હજુ પણ ઘટી શકે છે. આગામી ૪૮ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો થઇ શકે છે. સૌથી વધારે ઠંડીનો અનુભવ આજે રાજ્યના નલિયામાં થયો હતો જ્યાં પારો ૧૭ ડિગ્રી સુધી નીચે રહ્યો હતો. બીજી બાજુ વહેલી સવારમાં ઠંડા પવનો ફુંકાવવાની શરૂઆત થઇ ગઇ છે જેથી સવારમાં કસરત માટે વહેલી સવારે નજરે પડતા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ફુલગુલાબી ઠંડી વચ્ચે સવારમાં જ લોકો વોકિંગ, જોગિંગ અને રનિંગ કરતા નજરે પડવા લાગી ગયા છે. આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધુ વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. આ વખતે કમોસમી વરસાદનો ગાળો પણ રહ્યો છે જેથી ગ્રામિણ વિસ્તારમાં જોરદાર ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. એકબાજુ ગુજરાતમાં હજુ પ્રમાણમાં ઓછી ઠંડી દેખાઈ રહી છે. લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇ ચુક્યા છે અને જોરદાર ઠંડીનો ચમકારો લોગો અનુભવી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ગુજરાતના અન્ય ભાગો માટે કોઇપણ પ્રકારની ચેતવણી ભારે વરસાદ અથવા તો ઠંડીને લઇને જારી કરાઈ નથી પરંતુ હાલમાં ઉત્તરપૂર્વીય પવનો પ્રદેશ ઉપર નિચલી સપાટી ઉપર ફુંકાઈ રહ્યા છે જેથી લઘુત્તમ તાપમાન ઘટશે. આમ હવે શિયાળાનું વિધીવત આગમન થઈ ગયું છે અને ધીમે ધીમે કાતિલ ઠંડી પડવાની પણ શરૂ થઈ જશે.

Leave A Reply