Tuesday, December 10

જૂનાગઢમાં સગીરોને ગુટકા, તમાકુ વેંચતા વેપારીઓ સામે જુવેનાઈલ જસ્ટીસ એકટ હેઠળ કાર્યવાહી

સગીર વયના છોકરાઓ ગુટકા તમાકુ સેવનના રવાડે ચડી ગયા હોય આ દૂષણને અટકાવવા સરકાર દ્વારા અવારનવાર જાહેરનામા તથા ગાઈડ લાઇન્સ બહાર પાડવામાં આવે છે. આમ છતાં, દુકાનદારો દ્વારા તમાકુ અધિનિયમનાં કાયદાનો અમલ થતો ન હોય અને સગીરોને પણ ગુટકા તમાકુ વેંચવામાં આવતા હોય, તે અંતર્ગત આવા વેપારીઓ સામે પોલીસે જુવેનાઇલ જસ્ટીસ એકટ હેઠળ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. જેમાં જુનાગઢ પોલીસ દ્વારા જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વેપારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જૂનાગઢ રેન્જના ડીઆઇજી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જિલ્લા પોલીસવડા સૌરભ સિંઘ દ્વારા સગીર વયના બાળકોને તમાકુ તથા ગુટખાનું તેમજ બીડી સિગરેટ વેચાણ વેપારીઓ દ્વારા કરતાં હોવાની ફરિયાદો મળતા, આ અંગે આવા વેપારીઓ વિરૂધ્ધ ગુનાઓ નોંધી, ધરપકડ કરી તેમજ દંડ કરી, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવેલ હતી.
જૂનાગઢ શહેર તથા જિલ્લામાં પાનની દુકાનો તથા અન્ય ગલ્લાઓ લારીઓમાં સગીર વયના છોકરાઓને પણ તમાકુની પ્રોડક્ટ બેરોકટોક વેચાણ થતું હોવાની ફરિયાદો મળતી હોવા આધારે જિલ્લા પોલીસવડા સૌરભ સિંઘની સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના ‘એ’ ડિવિઝન, ‘બી’ ડિવિઝન તથા ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. કે. ઝાલા, પીઆઈ આર.બી. સોલંકી, પીએસઆઈડી.જી. બડવા અને સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરી, કુલ ૧૦ વેપારીઓ વિરૂધ્ધ ગુન્હાઓ નોંધી, ધરપકડ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ‘એ’ ડિવિઝન, ‘બી’ ડિવિઝન તથા ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢ મહાનગર પાલિકા તેમજ જિલ્લા આરોગ્યની ટીમના સભ્યો તેમજ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી, પાન બીડીની દુકાનની આજુબાજુ તેમજ લારી ગલ્લા પાસે જાહેરમાં ધૂમ્રપાન કરતા તેમજ તમાકુ અધિનિયમનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ પણ કાર્યવાહી કરી, જાહેરમાં દંડ ફટકારવાની તજવીજ કરવામાં આવેલ છે. આ અનુસંધાને કુલ ૨૧ વ્યક્તિઓને જાહેરમાં ધૂમ્રપાન કરતા તથા તમાકુ અધિનિયમ કાયદાનો ભંગ કરતા પકડી પાડી, કુલ રૂપિયા ૪,૦૦૦/- નો દંડ પણ વસુલ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત તમાકુ અધિનિયમના ભંગ કરનાર વિરૂધ્ધ કરવામાં આવતી કાર્યવાહી તેમજ તમાકુના સેવનના કારણે થતા નુકસાન બાબતે ચોપડીઓ તેમજ પેમ્પ્લેટનું પણ વિતરણ કરી, જાહેર જનતાને જાગૃતિ માટે આ સંયુક્ત ટીમ દ્વારા પ્રયાસો પણ હાથ ધરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ, મહાનગર પાલિકા તેમજ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરી, જાહેરમાં તમાકુના સેવનના કારણે થતા નુકશાન બાબતે માહિતગાર કરી, જનજાગૃતિ માટે યુવાનો તેમજ તમાકુનું સેવન કરતા વ્યક્તિઓને પેમ્પ્લેટ વહેંચી અને ચોપડીઓ આપી, તમાકુના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન તેમજ શરીરમાં થતી બીમારીઓ બાબતે અવગત કરાવી, જનજાગૃતિનું પણ કામ આ સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ તેમજ મહાનગરપાલિકા અને હેલ્થની ટીમ દ્વારા આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખી અને તાલુકા કક્ષાએ તેમજ જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ જુદી જુદી ટીમો બનાવી તમાકુના સેવન બાબતે જનજાગૃતિ તેમજ તમાકુ અધિનિયમનો ભંગ કરતા વેપારીઓ તેમજ અન્ય વ્યક્તિઓ ઉપર ધરપકડ તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું એક સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે.

Leave A Reply