Monday, December 16

એશિયાનાં સૌથી મોટા એવા ગિરનાર રોપ વેની કામગીરી ૮પ ટકા પૂર્ણ : એપ્રિલ સુધીમાં પ્રોજેક્ટ કાર્યરત થવાની આશા

જૂનાગઢ નજીક આવેલા પાવન પવિત્ર ગરવા ગિરનાર ખાતે એશિયાનાં સૌથી મોટા રોપ વે પ્રોજેકટની કામગીરી પૂરજાશથી ચાલી રહી છે અને આગામી દિવસોમાં જ આ મહાત્વાકાંક્ષી યોજના શરૂ થઈ શકે છે. આ યોજના એટલે કે રોપ વે યોજનાનાં પ્રારંભ થતાંની સાથે જ જૂનાગઢ માટે પ્રવાસીઓને આકર્ષવાનો વિકાસનો ગોલ્ડન યુગ શરૂ થવાની ધારણા છે અને રોજગારીની વિપૂલ તકો પણ ઉપલબ્ધ થવાની છે. ત્યારે રોપ-વે યોજના જેમ બને તેમ ઝડપથી ત્વરીત સાકાર સ્વરૂપ ધારણ કરે તે માટે જૂનાગઢ અને સોરઠવાસીઓ કે જે વિકાસ માટેની પ્રબળ ઝંખના સેવી રહ્યા છે તે હરકોઈ લોકો રોપ વે યોજના શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. આવી આ રોપ વે યોજના જૂનાગઢવાસીઓ માટેનાં ‘સપના સચ’ની પંક્તિ સાર્થક થવાનાં અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે અને રોપ વે પ્રોજેકટ સંપૂર્ણપણે પૂર્ણ થાય તે માટે ઉષા બ્રેકો કંપની, સરકાર પ્રયતનશીલ છે અને રોપ વે ની કામગીરી પૂર્ણ થતાની સાથે જ યોગ્ય સમયે તેમના ‘લોકાર્પણ’ માટેનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવશે.
આજથી પાંચ દાયકાથી રોપ-વે માટેનું જૂનાગઢવાસીઓએ સેવેલું સ્વપ્ન સાકાર થવા માટેનાં પ્રયાસો જોરશોરથી હાથ ધરાઈ રહ્યા છે અને કામગીરીને લઈને જૂનાગઢ શહેરની જનતાને પણ એક ઈંતેજારી રહી છે કે રોપ વે યોજના કયારે સાકાર સ્વરૂપ ધારણ કરશે?
જૂનાગઢ અને સોરઠવાસીઓની ઈંતેજારી અને સંભવીત તમામને રોપ વેની કામગીરી કેટલે અંશે પુરી થઈ છે તે અંગેની જાણકારી મેળવવા માટે ગઈકાલે ‘‘સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકની એક ટીમે’’ રોપ-વે સાઈટની મુલાકાત લીધી હતી અને રોપ વે અંગેની માહિતી મેળવી હતી.
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકની ટીમે સ્થળ ઉપરથી મેળવેલી માહિતી મુજબ વિશ્વમાં શ્રેષ્ઠ અને જાણીતી કંપની ઉષા બ્રેકો દ્વારા રોપ વે પ્રોજેકટ હાથ ઉપર લેવાયેલ છે. ગુજરાતમાં ઉષા બ્રેકો કંપની દ્વારા અંબાજી, પાવાગઢ સહિતનાં સ્થળોએ રોપ વે સફળ રીતે કાર્યરત છે અને જૂનાગઢ ખાતેનાં રોપવેની કામગીરી પણ ઉષા બ્રેકો કંપની દ્વારા કરવામાં આવી રહી છે. ઉષા બ્રેકો કંપનીનાં જૂનાગઢ રોપ વેની કામગીરી સંભાળતા પ્રોજેકટ હેડ દિનેશસિઘ નેગીએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકની ટીમને જણાવ્યું હતું કે, ઉષા બ્રેકો કંપની છેલ્લા ૩પ વર્ષથી સફળ પ્રોજેકટ આપી રહી છે અને ૧૯પ૦ થી ભારતમાં સતત કાર્યરત છે. ગુજરાત સરકાર દ્વારા સોંપાયેલ કામગીરી અંતર્ગત ગુજરાતમાં મહત્વનાં પ્રોજેકટ અમોએ પૂર્ણ કરેલા છે. જૂનાગઢ ખાતે ગિરનાર ક્ષેત્રમાં રોપ વે માટે એપ્રિલ ર૦૧૮થીકામગીરી સંભાળી છે અને જરૂરી સર સામાન, મટીરીયલ ઉપર લઈ જવા માટેનાં વાહન તરીકે હેલિકોપ્ટર આવી ગયા બાદ રોપ વે માટેની કામગીરીને ઝડપ મળી છે અને ૮૦ થી ૮પ ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. ૯ જેટલા પોલ પણ લગાડી દેવામાં આવ્યા છે. વિશેષમાં દિનેશ સિંઘ નેગીએ જણાવ્યું હતું કે રોપ વેની ચાલતી કામગીરીમાં સોરઠના સંતો, મહંતો, આગેવાનો, પ્રાશસકો, નાગરીકોનો ખુબ જ સહકાર અને સહયોગ મળી રહ્યો છે. લોકો સતત પૃચ્છા કરે છે કે, કયારે આ પ્રોજેકટ શરૂ થશે? લોકોએ ગિરનાર ચઢવાનું અને જગતજનની મા અંબાજીનાં દર્શન માટેનું એક સ્વપ્ન સેવેલું છે તે આ રોપ વે યોજના શરૂ જતાં જ પૂર્ણ થવાનું છે.
શ્રી દિનેશસિંઘ નેગીએ જણાવ્યું હતું ક, રોપ વે કાર્યરત થતાં જ વિકાસનું એક નવું ચિત્ર ઉપસવાનું છે અને આ ક્ષેત્રમાં ઉજ્જવળ તકો પાપ્ત થવાની છે. એનો મતલબ એ કહી શકાય કે જૂનાગઢ અને ભવનાથ, ગિરનાર ક્ષેત્ર માટે ‘‘ગોલ્ડન યુગ’’નાં મંડાણ થશે. આપણે સૌ પ્રાર્થના કરીએ મા જગદંબાને કે રોપવે યોજનાની શરૂઆત સાથે વિકાસની યાત્રા શરૂ થાય, રોજગારીની વિપૂલ તકો ઉભી થાય અને રોપ વે યોજના સાકાર થતાં જરૂરીયાતમંદોને સરકાર દ્વારા રોજગારી પણ આપવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રીનરેન્દ્ર મોદીએ રોપ વે યોજનાની ખાત મુર્હુત વિધિ અગાઉ કરેલી છે અને વડાપ્રધાનપદે કાર્યભાર સંભાળ્યા બાદ જૂનાગઢ ખાતેની એક સભામાં રોપ વે યોજના જૂનાગઢવાસીઓને રોપ-વેનો પ્રારંભ મારા હસ્તે કરીશ તેવી જાહેરાત કરી હતી. ભલે આ યોજના પૂર્ણ કરવાનાં કામમાં દોઢથીબે વર્ષનો વિલંબ થયો છે પરંતુ રોપ વે યોજના માટે હવે કોઈ વિલંબ ન થાય તે જરૂરીછે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકને આપેલી માહિતીમાં શ્રી દિનેશસિંઘ નેગીએ જણાવ્યું હતું કે ગિરનાર રોપ વે પ્રોજેકટની ચાલતી કામગીરી અંતર્ગત જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી, જૂનાગઢનાં સાંસદ, મનપા તંત્ર, પ્રવાસન વિભાગના મંત્રીશ્રી, પ્રવાસન વિભાગ તેમજ ગાંધીનગર ઝોનલ અધિકારી સતત દેખરેખ અને માર્ગદર્શન આપી રહ્યા છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોપ વેની કામગીરીથી માહિતગાર રહે છે અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રોપ વે યોજના ઝડપથી પૂર્ણ થાય તે માટે સુપરવિઝન કરી રહ્યા છે અને સતત સંપર્કમાં રહે છે તેમ જણાવ્યું હતું.

Leave A Reply