જગતજનની માં અંબાજી માતાજીનાં મંદિર પરિસરને વિકસાવવા બુલંદ માંગણી

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર કે જ્યાં જગતજનની માં જગદંબાનાં બેસણાં છે માતા અંબાજીનાં દર્શને કાયમને માટે પાંચ થી સાત હજાર લોકો દર્શનાર્થે આવતાં હોય છે અને આગામી દિવસોમાં એશીયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે કાર્યરત થવાનો છે તેવાં સંજોગોમાં સરેરાશ ૧૦ થી ૧ર હજાર પ્રવાસીઓ માતાજીનાં દર્શનનો લાભ લઈ શકશે. ત્યારે અંબાજી માતાજીનાં મંદિરનાં પરિસરને વિકસાવવા માટે યોજના હાથ ધરવાની લાગણી અને માંગણી અંબાજી માતાજી મંદિરનાં મહંત મોટા પીરબાવા શ્રી તનસુખગીરીબાપુ તથા નાના પીરબાવા મહંત ગણપતગીરીબાપુએ કરી છે. અને આ અંગે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ પત્ર દ્વારા તેમજ રૂબરૂ મુલાકાત સમયે પણ રજુઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ગરવા ગિરનારનું ક્ષેત્ર કે જ્યાં પાવનકારી અનેક ધાર્મિક સ્થળો દેવી-દેવતાઓનાં મંદિરો અને ૩૩ કરોડ દેવતાનો વાસ રહેલો છે. એક તરફ ગિરનાર પર્વત અને બીજી તરફ પુજય દાતારબાપુની જગ્યા છે. આવા આ પવિત્ર ક્ષેત્રમાં શિવરાત્રીનો મેળો, પરિક્રમાનો મેળો ઉપરાંત દાતારબાપુનો ઉર્ષ સહિતનાં ધાર્મિક પ્રસંગો ભાવભેર ઉજવાતા હોય છે અને મોટી સંખ્યામાં ભાવિકો આ ક્ષેત્રમાં આવતાં હોય છે. આગામી શિવરાત્રીનાં મેળા અંગેની પણ તૈયારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ગિરનાર પર્વત ઉપર ભાવિકોનું ઉતરાણ થાય તે માટે એશિયાનાં સૌથી મોટા રોપ-વેની કામગીરી ઉષા બ્રેકો કંપની દ્વારા કરવામાં આવી રહી છે અને આ કામગીરી જેમ બને તેમ ઝડપથી થાય તે માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. પ્રવાસનની દૃષ્ટિએ પણ ગિરનાર ક્ષેત્રનું ખુબ જ મહત્વ છે એવા આ પાવનકારી પવિત્ર ગિરનાર ઉપર જગતજનની માં અંબાજી બિરાજમાન છે અને કાયમને માટે ભાવિકો માતાજીનાં દર્શનનો લાભ લે છે. આગામી દિવસોમાં જયારે રોપ-વે યોજના સાકાર થવાની છે ત્યારે મંદિરે આવનારા ભાવિકોની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો થવાનો છે તેવા સંજાગોમાં મહંતશ્રી તનસુખગીરીબાપુ દ્વારા રાજય સરકારને મંદિર પરિસરને વિકસાવવા માટે રજુઆતો કરવામાં આવી છે. જો કે અંબાજી મંદિર અંદર મંદિર ટ્રસ્ટ તરફથી કલરકામ, રિનોવેશનની કામગીરી પૂર્ણ કરાઈ છે. જયારે બહારનાં ભાગમાં આવેલી ધર્મશાળા, હોટલ તેમજ ખાડાની જે જગ્યા છે તે જગ્યાઓ ઉપર નવું બાંધકામ કરવાની જરૂર છે. મંદિર ટ્રસ્ટની અંદાજીત ૧૦૧૯ ચોરસ વારની જગ્યા છે. આ ઉપરાંત સરકારી પડતર જમીન પણ આવેલ છે અને જેમાં વનવિભાગ પાસેથી એનઓસી મેળવવાની તજવીજ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં મહંતશ્રી તનસુખગીરીબાપુએ જણાવ્યું હતું કે હાલ જે ધર્મશાળા છે તે તોડી અને નવી બનાવવી જોઈએ, હોટલ માટે પણ નવું બાંધકામ કરવું પડે અને ખાડાની જે જગ્યા છે ત્યાં નવું બિલ્ડીંગ ઉભું કરી અને પ્રવાસીઓ માટેની રહેવા-જમવા સહિતની સુવિધાઓ જો ઉભી કરવામાં આવે તો તે આવકારદાયક ગણાશે. આ ઉપરાંત ગિરનાર ઉપર બિરાજમાન અંબાજી માતાજીનું આ સ્થાન ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. કુલ પર (બાવન) પીઠો આવેલી છે જેમાંથી જૂનાગઢ ગિરનાર ઉપર ઉદયન પીઠ આવેલી છે અને સાક્ષાત એવા અંબાજી માતાજીનાં દર્શનાર્થે સતત ભાવિકો આવતાં રહેતાં હોય અને ભાવિકોની મનોકામના પણ માતાજી પૂર્ણ કરી રહ્યાં છે. અંબાજી મંદિરનાં દર્શનાર્થે આવનારા ભાવિકો માટે જા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો અહીં વિસામો લઈ અને ત્યારબાદ ગુરૂ શિખર, ગોરખનાથ, જૈન દેરાસર, શેષાવન-ભરતવન સહિતનાં ધાર્મિક સ્થળોએ પણ મુલાકાત લઈ શકે તેમ છે. અહીં વર્ષમાં આવતાં આસો માસ, અષાઢ માસ, ચૈત્ર માસ, મહા માસની નવરાત્રીની ઉજવણી તેમજ અનુષ્ઠાનનાં કાર્યક્રમો યોજવામાં આવે છે આ ઉપરાંત હુતાસણીનું પર્વ પણ ઉજવવામાં આવે છે. તેમજ આગામી દિવસોમાં અંબાજી માતાજીનાં પ્રાગટય દિન પોષી પૂનમનાં દિવસે આવતો હોય તેની પણ ઉજવણી થાય છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતાં હોય છે તેમ જણાવી તનસુખગીરીબાપુએ વધુમાં જણાવ્યું હતું કે પ૦૦૦ પગથિયાં ગિરનારની ટોચ ઉપર અંબાજી માતાજીનું પુરાતન મંદિર આવેલું છે અને લોકોની શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે આવાં આ મંદિરનાં પરિસર વિસ્તારમાં આગવી સુવિધા ઉભી કરવા માટે પત્ર વ્યવહાર દ્વારા પણ મુખ્યમંત્રીશ્રીને રજુઆતો કરવામાં આવેલી છે. અને થોડા સમય પહેલાં ચણાકા ખાતે માતાજીનાં દર્શને આવેલાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂમાં પણ રજુઆતો કરી છે ત્યારે મુખ્યમંત્રીશ્રીને આ અંગે ઘટતી કાર્યવાહી કરવા જણાવેલ છે.
આગામી દિવસોમાં આ અંગે તાત્કાલિક કાર્ય શરૂ થાય તેવી લાગણી અને માંગણી અંતમાં મહંત મોટા પીરબાવા શ્રી તનસુખગીરીબાપુ તથા નાના પીરબાવા મહંત ગણપતગીરીબાપુએ વ્યકત કરી હતી.

Leave A Reply