જૂનાગઢમાં ૧ર૦ વ્યકિતને કૃત્રિમ હાથ ફિટ કરી અપાયા

જન્મથી જ કોણીથી હાથ ન હોય અથવા અકસ્માતમાં હાથ કપાઇ ગયો હોય તેવા લોકો માટે જૂનાગઢમાં કૃત્રિમ હાથ ફિટ કરી આપવાનો કેમ્પ યોજાયો હતો. રોટરી ક્લબ ઓફ જૂનાગઢ દ્વારા એલએન મેડોઝ પ્રોસ્થેટિક હેન્ડ ફાઉન્ડેશન (સાનફ્રાન્સિસ્કો, અમેરિકા), ઓડેસ્સી ટીમ અમેરિકા તેમજ વિજયાબેન ચુનીભાઇ લોઢીયાના સહકારથી યોજાયેલ કેમ્પમાં ૭ વર્ષથી લઇને ૭૦ વર્ષના ૧૨૦ લોકોને ફ્રિમાં કૃત્રિમ હાથ ફિટ કરી આપવામાં આવ્યા હતા. શહેરના ઝાંઝરડા રોડ સ્થિત એકલવ્ય પબ્લીક સ્કૂલ ખાતે યોજાયેલ કેમ્પનું ઉદ્‌ઘાટન કૃત્રિમ હાથ ફિટ કરેલા લાભાર્થીના હસ્તે દિપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. આ તકે વિનુભાઇ અમીપરા, વિજયાબેન ચુનીભાઇ લોઢીયા, રોટરી કલબ જૂનાગઢના ગિરીશ પ્રજાપતિ, ડો. નિરવ મારડીયા અને જામનગરના હોદ્દેદારો વગેરેની ઉપસ્થિતી રહી હતી. કૃત્રિમ હાથ ફિટ કર્યા બાદ દરેક લાભાર્થીઓને આ હાથ વડે શું શું કરી શકાશે, કઇ રીતે કરી શકાશે તેની ટ્રેનીંગ આપવામાં આવી હતી. અનેક લાભાર્થીઓએ કૃત્રિમ હાથ ફિટ કર્યા બાદ બાઇક પણ ચલાવ્યું હતું અને એ રીતે કૃત્રિમ હાથ કેટલો સક્ષમ છે તેની જાણકારી પ્રત્યક્ષ તો મેળવી હતી તેમજ અન્ય લોકોને પણ પૂરી પાડી હતી. જૂનાગઢ જિલ્લામાં સૌપ્રથમ વખત આ કેમ્પ યોજાયો હતો જેમાં જૂનાગઢ, ગિર સોમનાથ અને પોરબંદર જિલ્લાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા રોટરી ક્લબ જૂનાગઢના ૪૦ સભ્યો, રોટરેકટ કલબ જૂનાગઢના ૨૦ થી વધુ સભ્યો તેમજ મહાત્મા ગાંધી સ્કૂલ ઓફ નર્સિંગના ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ સેવા આપી હતી.

Leave A Reply