ગીરનાર આરોહણ સ્પર્ધાની તડામાર તૈયારી : આ વર્ષે ૬ સ્થળોએ યોજાશે સ્પર્ધા

શિયાળાની ફુલગુલાબી ઠંડીના દિવસોમાં યુવાનોમાં જોમ, જુસ્સો અને સાહસ જગાડનારી ગરવા ગીરનારની ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યુવાનોમાં ખુબ જ લોકપ્રિય બની છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિવિધ જિલ્લાઓનાં સ્પર્ધકો આવતા હોય છે. સ્પર્ધકોની લાંબા સમયની માંગણીને અનુલક્ષીને રાજય કક્ષાની ગીરનાર આરોહણ સ્પર્ધા બાદ રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાનું જે ફલક હોવું જોઈએ તેવું હજુ સુધી થયું નથી. ખડતલપણાની કવાયત એટલે ગીરનાર સ્પર્ધા. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને જે સર્ટીફીકેટો આપવામાં આવે છે તે સર્ટીફીકેટો કે પ્રમાણપત્રોની અન્ય કોઈ ભરતી સમયે ઉપયોગી બનતા નથી. ખરેખર તો આ સ્પર્ધામાં ભાગ લેનાર ભાઈઓ અને બહેનોને તેમને પ્રાપ્ત થતા સર્ટીફીકેટો નોકરીની ભરતી સમયે ઉપયોગી થાય તેવો પ્રયાસ કરવો જોઈએ. દર વર્ષે રાજય કક્ષાની અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર સ્પર્ધા યોજવામાં આવે છે. પરંતુ જોઈએ તેવો આ સ્પર્ધા માટેનો પ્રચાર થતો નથી. નેશનલ કક્ષાની સ્પર્ધા યોજાતી હોય તો પણ એવું લાગે કે આ ઘર આંગણાની સ્પર્ધા છે. આનો માહોલ બદલવાના પ્રયાસો હાથ ધરવા જોઈએ તેવી માંગણી સ્પર્ધકોની છે. વિશેષમાં આગામી જાન્યુઆરી માસમાં ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવનાર છે ત્યારે આ વખતની આ સ્પર્ધાનું વિભાજન કરવામાં આવેલ છે. ગીરનાર પર્વત ઉપરાંત અન્ય સ્થળોએ પણ આ સ્પર્ધા યોજવામાં આવના છે અને તે અંગેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર જાન્યુઆરીમાં યોજાનાર આ સ્પર્ધા ૪૯મી સ્પર્ધા હશે. ૪૯ વર્ષે ગીરનાર સ્પર્ધાનું વિભાજન થયું છે. ગુજરાત રાજયના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, પંચમહાલ, સાબરકાંઠા જિલ્લામાં યોજાશે. આ જિલ્લામાં આવેલા ચોટીલા, ઓસમ, પાવાગઢ, ઈડર અને શેત્રુંજય પર્વત ઉપર પગથિયા ચડીને ઉતરવાની સ્પર્ધા થશે. રમત-ગમત અને સાંસ્કર્તિક વિભાગ દ્વારા સ્પર્ધા યોજવામાં આવશે. હાલ તેના ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જૂનાગઢનાં ગીરનારમાં યોજાતી સ્પર્ધાનીજેમ જ અન્ય સ્થળે પણ સ્પર્ધા યોજાશે. જો કે, ચોટીલા અને ઓસમનાં પર્વત ઉપર ઓછા પગથિયા હોવાને કારણે માત્ર જુનિયર સ્પર્ધકો જ ભાગ લઈ શકશે. જૂનાગઢમાં યોજાતી સ્પર્ધામાં આવતાને વાહન ભાડું આપવામાં આવતું નથી જેના કારણે પોતાના નજીકનાં વિસ્તારમાં જ સ્પર્ધામાં ભાગ લઈ શકે તેવું આયોજન કરવમાં આવ્યું છે. ગીરનાર સ્પર્ધાનું વિભાજન થતાં સ્પર્ધકોની સંખ્યા વધવાની શકયતા છે. જો કે, નેશનલ લેવલની સ્પર્ધા તો ગીરનાર ઉપર જ યોજાશે.
ગત વર્ષે યોજાયેલ સ્પર્ધામાં ર૦ જિલ્લાના ૧૩૦૩ સ્પર્ધક નોંધાયા
વર્ષ ર૦૧૯ માં યોજાયેલી ગીરનાર સ્પર્ધામાં ગુજરાત રાજયનાં ર૦ જિલ્લામાંથી કુલ ૧૩૦૩ સ્પર્ધક નોંધાયા હતા અને ૯૮૦ સ્પર્ધક હાજર રહ્યા હતા જેમાં ભાવનગર જિલ્લાના ૧પ, રાજકોટ જિલ્લાના ૩૮, સુરેન્દ્રનગર જિલ્લાના ૧ સ્પર્ધકનો સમાવેશ થાય છે.
પાંચ જિલ્લાના અધિકારીઓને તાલીમ અપાઈ
આરોહણ-અવરોહણ સ્પર્ધાને લઈ જૂનાગઢ જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ દિહોરા દ્વારા પાંચ જિલ્લાના સબંધિત અધિકારીને તાલીમ આપવામાં આવી છે. જૂનાગઢમાં કેવી રીતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે તેની માહિતી પણ અપાઈ છે. જાહેરનામું, સ્પર્ધકો માટે સુવિધા, આમંત્રણ કાર્ડ, આરોગ્ય ટીમ, પોલીસ બંદોબસ્ત, ચેસ નંબર, રીપોર્ટીંગ, શિક્ષકોની જરૂરીયાત સહિતનીવિગતો અન્ય જિલ્લાના અધિકારીઓને આપવામાં આવી છે.
ગીરનાર સ્પર્ધાનો ઈતિહાસ
૧૯૭૧ માં ગીરનાર સ્પર્ધા શરૂ થઈ હતી. ૧૯૭૯ સુધી એક અખબાર દ્વારા સ્પર્ધા યોજાયા બાદ ૧૯૮૦માં ઈનરવ્હીલ ક્લબ, ૧૯૮૪ માં સોરઠ સ્પોર્ટસ કલબ, ૧૯૮પમાં ગુજરાત રાજય વ્યાયામ પ્રચારક મંડળ-રાજપીપળા અને ૧૯૯૧ માં એસબીઆઈ દ્વારા એક-એક વખત સ્પર્ધા યોજાઈ હતી. ૧૯૯૬ થી રાજય સરકાર દ્વારા સ્પર્ધા યોજાય છે.
૧ થી ૧૦ વિજેતા સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે
રાજય સરકાર દ્વારા હવે ૬ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ૧ થી ૧૦ નંબરના વિજેતા સ્પર્ધકો ગીરનારની નેશનલ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ગીરનાર સિવાયના પાંચ જિલ્લાના ર૦૦ તથા જૂનાગઢના ૧૦૦ સ્પર્ધકો સાહિત કુલ ૩૦૦ સ્પર્ધકો રાજય કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેશે.
સ્પર્ધકો રાજયના કોઈપણ જિલ્લામાંથી ભાગ લઈ શકશે
આ વર્ષે આરોહણ-અવરોહણ સ્પર્ધા ગુજરાત રાજયના ૬ જિલ્લામાં યોજાનાર છે જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાંઆવી છે. ત્યારે રાજયભરમાંથી કોઈપણ સ્પર્ધક ૬ જીલ્લાના કોઈપણ પર્વતની આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જો કે, એક સ્પર્ધક બે વાર ભાગ લઈ શકશે નહીં.

Leave A Reply