ગુરૂ દત્તાત્રેય જયંતિની ઉજવણી પ્રસંગે સંતોને મોબાઈલની ભેટ આપતાં માતાજી જયશ્રીકાનંદગીરીજી

સંદેશો વ્યવહારનું તંત્ર દિવસે દિવસે વિકસીત બની રહ્યું છે. અગાઉ પગપાળા પ્રવાસ હાથ ધરાતો અને ખેપીયાને સાંઢીયા ઉપર અથવા તો અશ્વ ઉપર એકથી બીજા ગામ મોકલી અને તેનાં સંદેશા આપવામાં આવતાં હતાં. ત્યારબાદ કબુતર, પોપટ જેવાં પક્ષીઓનો પણ સંદેશા વ્યવહાર માટે ઉપયોગ થતો હતો. મનમોહન દેસાઈની ફિલ્મ ધર્મવીરમાં બાજ પક્ષીને સંદેશા વ્યવહારનાં વાહક તરીકે દર્શાવવામાં આવેલ છે. જયારે મેને પ્યાર કિયામાં કબુતર જા.. કબુતર જા..માં કબુતરને સંદેશા વાહક બનાવવામાં આવેલ છે. આપણાં દેવી-દેવતાઓમાં પણ તેઓનાં ખાસ વાહન તરીકે જુદાં-જુદાં પ્રાણીઓ અને પક્ષીઓનો ઉપયોગ થતો હોય છે. કાળક્રમે સંદેશા વ્યવહારનું તંત્ર વિકાસ પામ્યું અને ટપાલ સેવાનો પ્રારંભ થયો ત્યારબાદ તાર, ટેલિફોન, ટેલેક્ષ અને છેલ્લે ફેકસ બાદ આજે હાઈટેક યુગમાં અને સોશ્યલ મિડીયાનાં આ જમાનામાં મોબાઈલ ફોન એક જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે ત્યારે જૂનાગઢ ગરવા ગિરનાર ક્ષેત્રમાં ગઈકાલે ગુરૂ દત્તાત્રેય ભગવાનની જયંતિની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી અને આ ઉજવણી અંતર્ગત પ્રસાદ-ભંડારાનું પણ આયોજન થયું હતું અને જેમાં ઉપસ્થિત સંતોને ગિરનાર ક્ષેત્રનાં પિઠાધીશ્વર માતાજી જયશ્રીકાનંદગીરી મહારાજે મોબાઈલની ભેટ આપી હતી.
જૂનાગઢ ગિરનાર ક્ષેત્રમાં ભવનાથ તળેટી ખાતે ગિરનારનાં આરાધ્ય દેવ ભગવાન ગુરૂ દત્તાત્રેયની જન્મજયંતિ ધામધુમથી ઉજવવામાં આવી હતી. ગિરનાર ક્ષેત્રનાં પીઠાધિશ્વર માતાજી જયશ્રીકાનંદગીરી મહારાજની નિશ્રામાં દત્તજયંતી ઉત્સવ ઉજવાયો હતો. વિશાળ સાધુ-સંતો-મહંતોની હાજરીમાં પ્રથમ વખત જૂના અખાડા ખાતે દત્ત મહારાજની પ્રતિમાનું સોડષોપચાર પૂજન-અર્ચન સાથે દત્ત મહારાજની પાલખી યાત્રામાં સંતો માટે કલાત્મક બગીઓ સાથે બેન્ડબાજા સાથે પુષ્પવૃષ્ટિ સાથે શોભાયાત્રા ભવનાથ તળેટી ખાતે વાજતે-ગાજતે નીકળી હતી. જેમાં હજારો ભાવિકો, શહેરીજનો અને તમામ અખાડાનાં સંતો-મહંતો જોડાયા હતાં. આ યાત્રામાં જોડાયેલાં ભાવિકજનો સાધુ-સંતોની વિશાળ હાજરીમાં છેલ્લે દત્ત મહારાજની પ્રતિમાને ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડ ખાતે સ્નાનવિધી કરાઈ હતી અને છેલ્લે ભોજન, પ્રસાદ ભંડારામાં ઉપસ્થિત સાધુ-સંતોને પ્રથમ વખત પ્રસાદ સાથે દરેક સંતોને મોબાઈલ ભેટમાં અપાયા હતા. જેમાં ગિરનાર ક્ષેત્રનાં વરિષ્ઠ સંતોમાં પૂજય તનસુખગીરીબાપુ, સ્વામી મુકતાનંદગીરીબાપુ, કમલગીરીબાપુ, હરિહરાનંદ ભારતી મહારાજ તેમજ કોટવાલ કિશોરપુરી બાપુ સહિતનાં સંતો તેમજ આ વિસ્તારનાં કોર્પોરેટર એભાભાઈ કટારા અને વિશાળ સંખ્યામાં ભાવિકગણ ઉપસ્થિત રહ્યો હતો.

Leave A Reply