અંબાજી મંદિર વિકાસનાં ટેન્ડર બહાર પાડતી રાજય સરકાર

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રનાં ભાવિકો તેમજ દેશ-વિદેશનાં ભાવિકો પણ જ્યાં દર્શનાર્થે આવે છે એવા ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજતાં જગતજનની માં જગદંબાનાં મંદિર એવા અંબાજી માતાજીનાં મંદિરનાં વિકાસ માટેની યોજના આગામી દિવસોમાં સાકાર થાય તેવા નિર્દેશો મળી રહ્યાં છે. રાજય સરકાર દ્વારા રૂ.૩.પ૯ કરોડનાં ખર્ચે વિવિધ સુવિધા ઉભી કરવાનું આયોજન અને વિકાસનાં ટેન્ડરો પણ બહાર પાડ્યાં હોવાનું જાણવા મળતાં જૂનાગઢનાં નગરજનોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.
ગરવા ગિરનાર ક્ષેત્રમાં એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્લાન્ટ ખુબ જ ટુંકાગાળામાં કાર્યરત થવાનો છે અને ચાર દાયકા ઉપરાંતની લોકોની પરિક્ષાનો અંત આવનારી રોપ-વે યોજના સાકાર થવા જઈ રહી છે. તો બીજી તરફ ઉદયન પીઠ એવાં અંબાજી માતાજીનાં જ્યાં બેસણાં છે તેવાં અંબાજી મંદિર ખાતે સરેરાશ રોજની પાંચ થી સાત હજાર ભાવિકોની અવર જવર રહેતી હોય અને આ રોપ-વે યોજના સાકાર થયા બાદ ભાવિકોની સંખ્યા વધી જવાની છે તેવા સંજોગોમાં રોપ-વે યોજનાની સાથે-સાથે અંબાજી માતાજીનાં મંદિર ખાતે પરિસરમાં પણ વિકાસનાં કામો અને યાત્રિકો માટે સુવિધા ઉભી કરવા માટે અંબાજી માતાજી મંદિરનાં મહંત અને મોટાપીરબાવા તનસુખગીરીબાપુ તેમજ નાના પીરબાવા મહંતશ્રી ગણપતગીરીબાપુ દ્વારા આ પ્રશ્ને મુખ્યમંત્રી સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી અને કાયમને માટે પ્રજાનાં પ્રશ્નોની સતત વાચા આપવામાં અને લોકોની સાથે રહેનારા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર દ્વારા આ પ્રશ્ને ગત તા. ર૯-૧૧-ર૦૧૯ તેમજ તા.૯-૧ર-ર૦૧૯નાં રોજ અંબાજી મંદિર ઉપર ભાવિકો માટે સુવિધા ઉભી કરવા માટેનો એક વિસ્તૃત અહેવાલ પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળનાં સભ્ય દ્વારા પણ અવારનવાર રજુઆતો કરવામાં આવતી હતી. આ ઉપરાંત પ્રવાસન વિભાગ અને મત્સ્યોદ્યોગ વિભાગનાં મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા પણ ગિરનાર અને ભવનાથ વિસ્તાર તેમજ પ્રવાસન ક્ષેત્રનાં વિકાસ માટે સતત જાગૃતિ દાખવવામાં આવી રહી છે. આ ઉપરાંત જૂનાગઢનાં સાસંદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા પણ જૂનાગઢ અને સોરઠનાં પ્રશ્નોને વાચા આપી અને યોગ્ય નિકાલની કામગીરી ચાલી રહી છે. આ દરમ્યાન અંબાજી મંદિરનાં વિકાસની બાબત અંગેનાં સહુનાં સહિયારા પુરૂષાર્થ અને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં અહેવાલનો પડઘો પડ્યો હોય અને લોકોની લાગણી અને માંગણીનો જાણે સરકારે સ્વિકાર કર્યો હોય તેમ ગુજરાત સરકાર દ્વારા અંબાજી મંદિરનાં વિકાસ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ યોજનામાં બેઈટીંગ લોઝ, ધર્મશાળા, ભોજનાલયની કોઈ યોજનાનો સમાવેશ કરાયો નથી.
આ અંગે ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળનાં શૈલેષભાઈ દવે દ્વારા જણાવવામાં આવેલી અખબારી યાદીમાં જણાવેલ છે કે ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળનાં સભ્યો પૂ.ભારતીબાપુ, પૂ.શેરનાથબાપુ, મહેન્દ્રભાઈ મશરૂ, પ્રદિપભાઈ ખીમાણી, શૈલેષભાઈ દવેએ પણ ગિરનાર રોપ-વેનાં અપર સ્ટેશન અંબાજી મંદિર પરિસરમાં યાત્રિકોની સુવિધા માટે પાથ વે, યુરિનલ બ્લોકસ વગેરે બનાવવા માટે કરેલી રજુઆતનાં અનુસંધાને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તાજેતરમાં જ રૂ.૩.પ૯ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડર મંજુર થયાનાં ૪પ દિવસમાં કામ પુરૂં થવાનું છે આમ રોપ-વે યોજના શરૂ થશે તે પહેલાં યાત્રિકોની સુવિધાનાં પ્રાથમિક કામો અંબાજી મંદિરે પુરાં થઈ જશે. ગુજરાત સરકારનાં આ નિર્ણયને વધાવી ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળનાં સભ્યોએ ગુજરાત સરકારનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા મંત્રીમંડળનાં સભ્યોનો આભાર માની આનંદ અને ખુશીની લાગણી વ્યકત કરી છે.

Leave A Reply