ડિસેમ્બરમાં ફુલગુલાબી ઠંડીનો ચમકારો : ભવનાથમાં પ્રવાસીઓની સંખ્યા વધી

ડિસેમ્બર માસ એટલે ઠંડીનો મહિનો ગણાય છે અને શિયાળાની ઠંડીનો આ માસથી જ સત્તાવાર રીતે પ્રારંભ થતો હોય, ડિસેમ્બર માસ એટલે વર્ષનો અંતિમ મહિનો પણ છે. આજ માસમાં નાતાલ જેવા પર્વની પણ ઉજવણી થતી હોય છે. તેમજ ડિસેમ્બરનાં અંતમાં થર્ટી ફર્સ્ટની પણ ઠેક-ઠેકાણે ઉજવણી થતી હોય છે. આમ ડિસેમ્બર માસ ઠંડીની સાથે-સાથે એન્જાયનો સમય પણ પુરો પાડતું હોય છે. આ વર્ષે ચોમાસું ચાર માસ ઉપરાંત રહેવા પામ્યું હતું અને ત્યારબાદ મિશ્ર ઋતુ જેવું હવામાન થયું હતું. જેમાં દિવસમાં ત્રણવાર હવામાનમાં ફેરફાર થવાનાં પગલે લોકો શરદી, ઉધરસ, તાવ, મેલેરીયા, ઝેરી મેલેરીયા, ચિકનગુનીયા, ડેન્ગ્યુ સહિતનાં રોગચાળામાં સપડાયા હતા. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુનાં રોગચાળા સામે હાહાકાર મચાવી દિધો હતો અને ટપોટપ દર્દીઓનાં મૃત્યું થયા હતા. ખરાબ હવામાનનાં દિવસો પુરાં થયા છે અને હવે ડિસેમ્બરની ઠંડીનો પ્રારંભ થયો છે. આજે જૂનાગઢ શહેરનું તાપમાન જોઈએ તો મહત્તમ ર૦.૦૪, ન્યુનતમ ૧૮, ભેજ ૯૧ ટકા અને પવનની ગતિ ૩.૦ રહી છે. આ તાપમાનને કારણે બેઠાં ઠાર જેવી સ્થિતી સર્જાણી છે. આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં વહેલી સવારે ઝાકળવર્ષા તેમજ કયાંક વરસાદી છાંટણા પણ પડવાનાં કારણે માર્ગો ભીના બની ગયા હતાં અને ઠંડીમાં પણ વધારો થયો હતો. ઠંડીનાં કારણે ગરમ વસ્ત્રની બજારમાં પણ તેજી આવી ગઈ છે. તેમજ લોકો તાપણાની પણ મોજ માણી રહ્યાં છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળોમાં દેવોને ગરમ વસ્ત્રનો શણગાર કરવામાં આવી રહ્યો છે. જયારે પ્રાણ સંગ્રહાલય જૂનાગઢ ખાતે પણ પ્રાણીઓને ગરમી આપવા ઈલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડિસેમ્બરનાં દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા પણ ભવનાથ વિસ્તારમાં વધતી જઈ રહી છે. ગિરનાર પર્વત ઉપર ઠંડીનું પ્રમાણ વિશેષ જોવા મળી રહ્યું છે.

Leave A Reply