જૂનાગઢ શહેરને ફાટકમુક્ત બનાવવા કેન્દ્રીય રેલ મંત્રાલયનો હકારાત્મક અભિગમ

જૂનાગઢના શહેરીજનોની રેલ્વે ફાટકની સમસ્યા નિવારવા મુખ્યમંત્રીએ કેન્દ્રીય રેલ્વે મંત્રીને કરેલી રજૂઆતને હકારાત્મક અભિગમ સાંપડ્યો છે અને તે અંગે રેલમંત્રી દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જૂનાગઢનાં શહેરીજનોને વર્ષોથી સતાવતી રેલ્વે ફાટકની સમસ્યામાંથી છુટકારો થવાના એંધાણ મળ્યા છે. આ અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જુનાગઢ શહેરને રેલ્વે ફાટકમુકત કરવા કેન્દ્ર સરકારના રેલ્વે મંત્રાલયમાં રજૂઆત કરાઈ હતી જેના સંદર્ભે રેલમંત્રી પિયુષ ગોયલ સાથે નવીદિલ્હીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જૂનાગઢ-દેલવાડા મીટર ગેજ રેલ્વે લાઈનના સ્ટેશનને ગ્રોફેડ ખાતે લઈ જવા રજૂઆત કરાતાં આ અંગે રેલ્વે મંત્રાલયે હકારાત્મક અભિગમ અપનાવી સબંધિત રેલ્વેના અધિકારીઓને જાણ કરી રેલ્વે ફાટકની સમસ્યા નિવારવા જરૂરી સૂચના અપાઈ છે. આ બેઠકમાં સંસદસભ્ય રાજેશભાઈ ચુડાસમા, મેયર ધીરૂભાઈ ગોહેલ, કમિશ્નર તુષાર સુમેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply