ગુજરાત રાજયની સરકારી હોસ્પિટલ, આરોગ્યધામોમાં સિનીયર સિટીઝનો માટે ખાસ વ્યવસ્થા જાહેર કરતી સરકાર

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમનાં નેતૃત્વવાળી સરકાર દ્વારા સામાન્ય જનતાને આરોગ્ય સહિતની સુવિધાઓ વહેલામાં વહેલી તકે પ્રાપ્ત થાય અને સારવારનાં અભાવે કોઈ જરૂરીયાતમંદ લોકો બાકી ન રહે તે માટેની અનેક યોજનાઓ જારી કરવામાં આવી છે. તેમજ મા અમૃતમ કાર્ડ, વાત્સલ્ય યોજના તેમજ ગંભીર રોગચાળાનાં સમયે પણ આર્થિક મદદ મળી રહે તે માટે સહાયરૂપ આ સરકાર બની રહી છે અને અનેક જરૂરીયાતમંદ લોકોનાં આર્શિવાદ પ્રાપ્ત કરી રહી છે. આ દરમ્યાન આ સરકાર દ્વારા હવે એક કદમ આગળ જઈ અને વયોવૃધ્ધો માટેની ખાસ સુવિધા માટેની કેટલીક સવલતોની જાહેરાત કરી છે અને ગુજરાતનાં તમામ જીલ્લામાં તેનો અમલ કરવા સુચના આપી દેવામાં આવી છે.
જૂનાગઢ જીલ્લા ભાજપનાં અગ્રણી પ્રદિપભાઈ ખીમાણીએ એક યાદીમાં જણાવ્યા અનુસાર તા.૧૩-૧ર-ર૦૧૯નાં રોજ તબીબી સેવાઓનાં અધિક નિયામક દ્વારા એક પરિપત્ર જારી કરવામાં આવેલ છે અને સિનીયર સિટીઝન ૬૦ વર્ષથી ઉપરની વયની વ્યકિતઓને વિશેષ સવલતો પુરી પાડવા જણાવવામાં આવેલ છે. આ અંગે વધુમાં મળતી વિગત અનુસાર રાજયનાં તમામ જીલ્લાઓની સરકારી હોસ્પિટલો, મેડીકલ કોલેજ, સંલગ્ન હોસ્પિટલો, પેટા જીલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા કોર્પોરેશન હસ્તકનાં અર્બન હેલ્થ સેન્ટરો ખાતે વયોવૃધ્ધ વ્યકિતઓ માટે ૩ વ્યવસ્થાઓ અલગ પુરી પાડવાની રહેશે. જેમાં પ્રથમ તમામ સરકારી હોસ્પિટલો તથા સંલગ્ન કેન્દ્રો ઉપર ઓપીડી સમય દરમ્યાન વયોવૃધ્ધ વ્યકિતઓ માટે ૧૧ થી ૧ર વાગ્યાનો સમય ફાળવવાનો રહેશે. આ ઉપરાંત તમામ સરકારી હોસ્પિટલો તથા સંલગ્ન કેન્દ્રો ઉપર ઓપીડી તેમજ કેશબારીની જગ્યાએ વયોવૃધ્ધ વ્યકિતઓ માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવી. આ ઉપરાંત મેડીકલ કોલેજ, સંલગ્ન હોસ્પિટલ તેમજ સંબંધિત હોસ્પિટલો ખાતે પણ વયોવૃધ્ધ વ્યકિતઓ માટે અલગ વોર્ડ નિયત કરવો અને જો તેમ શક્ય ન બને તો તેઓ માટે અલગ પાંચ એકસ્ટ્રા બેડની વ્યવસ્થા કરવા પણ જણાવેલ છે અને તેનો તાત્કાલિક અમલવારી કરવાની પણ સુચનાઓ હોસ્પીટલ તંત્રને આપવામાં આવી છે. આમ ગુજરાત સરકાર દ્વારા લોકોને ઝડપી આરોગ્ય સુવિધા પ્રાપ્ત થાય, સારી સવલતો મળે તે માટેની ચિંતાઓ તો કરી રહી છે પરંતુ આ સાથે જ સિનીયર સિટીઝનો માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવતાં ગુજરાતનાં વયોવૃધ્ધ વ્યકિતઓએ આ યોજનાને આવકારી છે.

Leave A Reply