જૂનાગઢ શહેરમાં ટ્રાફિકને નડતરરૂપ ફાટકની સમસ્યા ટૂંક સમયમાં હળવી બનશે

0

મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ૬ ફાટકોને પહોળા કરવાની કામગીરીને અપાઈ મંજૂરી

જૂનાગઢ તા. ૧૭
જૂનાગઢ શહેરની જનતાને છેલ્લા કેટલાય સમયથી ૭ સહેલી સમા રેલ્વે ફાટકોની સમસ્યા અત્યંત પિડાકારી બની રહી છે અને આ સમસ્યામાંથી છુટકારો મળે તેવી અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. લોકોની સમસ્યાને ધ્યાને લઈ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ થોડા સમય પહેલાં ગુજરાતના વિવિધ શહેરોમાં રેલ્વે ફાટકો દૂર કરી અને ઓવરબ્રીજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાંથી પણ ફાટકલેસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાની ગઈ કાલે સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં પણ જૂનાગઢ શહેરમાંથી ૬ જેટલા ફાટકોને પહોળા કરવા અંગેના ઠરાવને મંજૂરી આપવામાં આવી છે અને અગામી દિવસોમાં ફાટકની સમસ્યા હળવી બને તેવા નિર્દેશો મળી રહ્યા છે.
જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં રૂ. પ.પ૦ કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જૂનાગઢ શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે શહેરની મધ્યમાંથી પસાર થતા ૬ ફાટકોને પહોળા કરવાના ઠરાવને મંજૂરી અપાઈ હતી. આ ફાટકોમાં ૩ બ્રોડગેજ અને ૩ મીટરગેજ ફાટકોનો સમાવેશ થાય છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૧૦ ફાટકોને પહોળા કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ રેલ તંત્ર દ્વારા ૬ ફાટકોને પહોળા કરવાની મંજૂરી અપાઈ છે. શહેરના ૬ ફાટકો પહોળા કરવા માટે રેલ્વેએ ફીઝીબીલીટી દર્શાવી આ માટે ભાવનગર રેલ્વેએ રૂ. ૬.૮૪ કરોડનાં ખર્ચનો અંદાજ રજૂ કર્યો હતો જેમાંથી બે ટકા લેખે પ્લાન અને એસ્ટીમેટ ચાર્જના રૂ. ૧૩.૬૮ લાખ વેસ્ટર્ન રેલ્વે, મુંબઈને ચૂકવવા જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિને મંજૂરી અપાઈ છે. જૂનાગઢ શહેરમાં પહોળા કરનારા ૬ ફાટકોમાં સરગવાડા, ખાભધ્રોળ અને જીઆઈડીસીના ૩ બ્રોડગેજ ફાટકો તેમજ તળાવ દરવાજા, રાજીવ ગાંધી ગાર્ડન પાછળનું અને શિશુમંગલ પાસેના ફાટકોનો સમાવેશ થાય છે. આ ફાટકો પહોળા થવાથી જૂનાગઢ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થઈ જશે. જાષીપરા ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવા, શહેરમાં પીક અપ સ્ટેન્ડ બનાવવા તેમજ ૧૦૦ ટકા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટેના કામોને પણ મંજૂરી અપાઈ છે. જૂનાગઢ મનપા ખાતે યોજાયેલ બેઠકમાં સ્થાયી સમિતિના ચેરમેન રાકેશ ધુલેશીયા, કમિશ્નર તુષાર સુમેરા, ડીએમસી જયસુખ લીખીયા, આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ ટેક્ષ પ્રફુલ કનેરીયા તેમજ અન્ય શાખાના અધિકારી શાખાના અધિકારીઓ ઉપસ્થિતરહ્યા હતા. શહેરના રેલ્વે ફાટકો પહોળા થયા બાદ ટ્રાફિક સમસ્યા હળવી થવા સાથે વાહન ચાલકોનો સમય પણ બચી જશે.

error: Content is protected !!