વેરાવળ-કોડીનાર નેશનલ ફોરટ્રેક હાઇવેની બિસ્માર સ્થિતિ ન સુધારાતા સાત ગામના લોકોએ ચકકાજામ કરી વિરોધ પ્રદશીત કર્યો

0

લાંબા સમયથી બિસ્માર સ્થિતિમાં રહેલ સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેના લીધે ત્રાસી ગયેલા સ્થાનીક લોકોનો જનઆક્રોશ ગઈકાલે ચરમસીમાએ પહોંચ્યો હતો. પંથકના સાતેક ગામના ગ્રામજનોએ પ્રાંચીના પાટીયા પાસે હાઇવે ઉપર વચ્ચો વચ્ચ બેસી સરકાર અને કોન્ટ્રાકટર વિરૂધ્ધ નારા બોલાવી રસ્તા રોકો આંદોલન શરૂ કરતા હાઇવે ઉપરનો ટ્રાફીક થંભી જતા બંન્ને સાઇડ લાંબો ટ્રાફીક જામ થઇ ગયો હતો. જેના પગલે દોડી આવેલ પોલીસ સ્ટાફે આંદોલનકારી ગ્રામજનોની ટીંગટોળી સાથે અટકાયત કરી હતી. જો કે, ગ્રામજનોએ હાઇવેનું રીપેરીંગ સત્વરે નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. છેલ્લા ચાર વર્ષથી સોમનાથ-ભાવનગર ૨૮૦ કીમી નેશનલ હાઇવે ફોરટ્રેકનું કામ ગોકળગતિએ ચાલુ છે. આ કામ સમયસર થાય તે હેતુથી સરકારે દર ૫૦ કીમીનું કામ જુદી-જુદી ખાનગી કંપનીઓને આપ્યું છે. જેમાં સોમનાથથી કોડીનાર સુધીના ૪૫ કીમીનું કામ એગ્રો લી.કંપનીને ફેબ્રુઆરી ૨૦૧૭ માં સોંપાયેલ ત્યારે આ કામ બે વર્ષ એટલે કે ૨૦૧૯ના અંત સુધીમાં પૂર્ણ કરવાનુ હતું. આ સાથે એ શરત હતી કે, જયાં સુધી ફોરટ્રેકનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વર્તમાન હાઇવેનું મેન્ટેનન્સ તે કંપનીએ કરવાનું હતું. પરંતુ આ ફોરટ્રેકનું કામ સમય મર્યાદામાં એગ્રો કંપનીએ પુર્ણ તો ન કર્યુ સાથે હાઇવેનું મેન્ટેનન્સ પણ ન કરતા ૪૫ કીમીનો સંપૂર્ણ હાઇવે ઉબડ ખાબડ બની જતા સતત ઉડતી ધુળની ડમરીઓથી રાહદારી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. હાલ આ હાઇવેની સ્થિતિ ગામડાના ગાડામાર્ગને પણ સારો કહેવડાવે તેવી હોવાનું જણાવી વાહનચાલકો રોષ ઠાલવી રહયા છે.

error: Content is protected !!