શિવરાત્રી મેળો ચરમસીમાએ : શુક્રવારે મૃગીકુંડમાં સ્નાન અને મહાપૂજા બાદ પૂર્ણાહુતિ

0


જૂનાગઢ નજીક ભવનાથ તિર્થક્ષેત્રમાં પરંપરાગત રીતે યોજાતો ગિરનાર શિવરાત્રી કુંભમેળો ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ હૈયે હૈયું દળાય તેટલી માનવમેદની ઉમટી પડી છે. શુક્રવાર મહાશિવરાત્રીનાં પવિત્ર પર્વ પ્રસંગે દિગ્બર સાધુની રવાડી-સરઘસ અને મધ્યરાત્રીએ ભગવાન ભવનાથ મહાદેવની મહાપૂજા બાદ શિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ થશે. ‘હર ભોલે…..જય ભોલે…..’નાં નાદ સાથે શિવરાત્રીનાં આ મેળામાં ભાવિકોનો પ્રવાહ સતત ઉમટી રહ્યો છે. શુક્રવારે સવારથી દેશભરમાંથી રવાડીનાં દર્શન કરવા હજારો લોકો ઉમટી પડશે. મધ્યરાત્રીએ મેળો પૂર્ણ થશે ત્યારે ભાવિકોનો મોટો પ્રવાહ પોતપોતાનાં વતન તરફ પ્રયાણ કરશે અને અંદાજીત દસ લાખની જનમેદની આ મેળો મહાલશે તેવી ધારણાં રખાય છે. જેને અનુલક્ષીને સલામતી બંદોબસ્ત પણ ચુસ્ત બનાવવામાં આવ્યો છે. આવતીકાલે શુક્રવારે મહાશિવરાત્રીનાં દિવસે વહેલી સવારથી જ ભવનાથ વિસ્તારમાં ભાવિકોનો માનવ મહેરામણ વધુ માત્રામાં ઉમટી પડનાર છે. સર્વત્ર બમ ભોલે….જય ગિરનારી…. અલખની રંજનનાં ગગનભેદી નાદ વચ્ચે સમગ્ર ભવનાથ વિસ્તારમાં ધર્મમય માહોલ પ્રવર્તી રહ્યો છે. પધારો અન્નક્ષેત્રમાં ભોજન ગ્રહણ કરો મહાપ્રસાદના નાદ શિવરાત્રીના મેળામાં ગુંજી રહ્યા છે. શિવરાત્રીનો મેળો મહાવદ નોમનાં દિવસે એટલે કે તા.૧૭/ર/ર૦ર૦ સોમવાર ભવનાથ મહાદેવ મંદિરે સંતોની ઉપસ્થતિમાં ધ્વજારોહણ કરાયાં બાદ શિવરાત્રીનાં આ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિવરાત્રીનાં મેળામાં પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં હોય તેને ધ્યાને લઈ તકેદારીનાં સુરક્ષાનાં અનેક પગલાં લેવામાં આવ્યાં છે જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘીનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી ટીમ સતત ખડેપગે છે. વનવિભાગ દ્વારા પણ અનેક પગલાંઓ લેવાયાં છે તો બીજી તરફ આઈ.જી.પી.મનીંદર પ્રતાપસિંઘ પવાર અને જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ, મહિલા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરપીની કંપનીઓ તેમજ વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડી અને નિગેહબાની કરવામાં આવી રહી છે. આ શિવરાત્રી મેળાનું ખાસ આકર્ષણ હોય તો દિગમ્બર સાધુઓ છે તેમજ સંતો-મહંતો, મહામંડલેશ્વરો તેમજ વિભુતિઓનાં દર્શનનો લાભ પણ મળે છે. વર્ષમાં કયારેય પણ ન જાયા હોય તેવા સંતોનાં દર્શન આ મેળામાં થાય છે. ચલમની સટ અને અલખનાં નાદ સાથે જય ભોલે…..બમ ભોલે….અલખ નિરંજન જેવા નાદો વચ્ચે ગિરનારની ગીરીકંદરાઓ ગુંજી ઉઠી છે. મેળા દરમ્યાન યાત્રાળુઓ અને ભાવિકોની સુખ-સુવિધા માટે વિવિધ ધાર્મિક સ્થળોએ તેમજ જ્ઞાતિ ઉતારાઓની જગ્યાઓમાં પણ અન્નક્ષેત્રોની વ્યવસ્થા કરવામાં આવી છે અને હજારો લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યાં છે જયારે સેવાભાવી લોકો સતત ખડેપગે ભાવિકો, યાત્રાળુઓની સેવા કરી રહ્યાં છે. રાત્રીનાં સમયે ધાર્મિક સ્થળોએ સંતવાણી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.
ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર માં જયશ્રીકાનંદજી મહારાજના સંચાલન હેઠળ શિવરાત્રી મેળો યોજવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મહામંડલેશ્વર પુજય ભારતીબાપુ, મહંત શ્રી તનસુખગીરીબાપુ, ઈન્દ્રભારતી બાપુ, ભવનાથ મંદિરનાં મહંત હરિગીરીજી મહારાજ, અખિલ ભારતીય સાધુ સમાજનાં પ્રમુખ મુકતાનંદજીબાપુ તેમજ ગિરનાર મંડળનાં સંતોનાં સાંનિધ્યમાં અને જૂના અખાડા, પંચ અગ્ન અખાડા અને આહ્‌વાન અખાડાનાં વરિષ્ઠ સંતોનાં વડપણ હેઠળ ભવ્ય રવાડી સરઘસ યોજવામાં આવશે. શિવરાત્રીનો મેળો ભજન-ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાય છે શુક્રવારે મહાશિવરાત્રીનાં દિવસે વધુ પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડશે અને રવાડીનાં દર્શન કરીને ભાવિકો ભોજન, ભકિત, ભજનનો લાભ લઈ મેળો પૂર્ણ કરશે. સમી સાંજથી જ રસ્તાઓને નાકાબંધી કરી લેવામાં આવશે અને પરંપરાગત રૂટ અનુસાર સંતો રવેડી સરઘસમાં જોડાશે. જેમાં દિગમ્બર સાધુઓ અંગ કસરતનાં હેરતગંજ પ્રયોગો કરી અને અવનવાં દાવ રજુ કરશે. વિવિધ રૂટ ઉપર થઈ આ રવાડી સરઘસ નિર્ધારીત સમયે મૃગીકુંડ ખાતે પહોંચશે. અને જયાં સંતોનું મૃગીકુંડમાં સ્નાન અને ત્યારબાદ ભવનાથ મહાદેવ મંદિરે મહાપુજાની સાથે મધ્યરાત્રે શિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ થશે.
ભવનાથ ખાતે યોજાતો મહાશિવરાત્રી મેળો વધુને વધુ રંગ જમાવતો જાય છે. ધીમે ધીમે માનવ મહેરામણ મેળા તરફ ઉમટી રહ્યો છે. મેળામાં દિવસભર વિવિધ અન્નક્ષેત્રો, ઉતારામંડળમાં ભોજન અને રાત્રીના ભજનની રમઝટ બોલી રહી છે. તો દિગમ્બર સાધુઓએ ધુણી ધખાવી છે. જેના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે. વર્ષો સુધી યોગ, સાધના, તપના બળે અનેક સિદ્ધી પ્રાપ્ત આ સંતો મહાશિવરાત્રીના મેળા દરમ્યાન દેશ વિદેશથી ભાવિકો આવી પહોંચે છે અને સંતો ભાવિકોને નિજાનંદમાં રહેવા દર્શન આપે છે. સમગ્ર મેળા વિસ્તારમાં બમ બમ ભોલે, હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠયા છે. જેના કારણે સમગ્ર ભવનાથ વિસ્તાર કૈલાસધામમાં ફેરવાઈ ગયો છે. મોડીરાત્રી સુધી ભવનાથ દાદાના પાવન ચરણોમાં શિશ ઝુકાવવા ભાવિકોની ભારે ભીડ જાવા મળી હતી. જેના સાનિધ્યે અને પાવન આશિર્વાદથી પ્રતિવર્ષ નિર્વિÎને મેળો સંપન્ન થાય છે તે ભવનાથ મહાદેવના મંદિરને પણ અનેરો સાજ શણગાર કરવામાં આવ્યો છે. દિવ્ય અને ભવ્ય રોશનીથી ભવનાથ મહાદેવનું મંદિર વધુ દૈદિપ્યમાન ભાસી રહ્યુ છે. તેવી પાવન પવિત્ર ભૂમિમાં બિરાજમાન સાક્ષાત ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં સોમવારે મધ્યરાત્રીએ શિવરાત્રી મેળો પૂર્ણ થશે, મહાપુજા સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે અને ગિરનાર ક્ષેત્ર હર-હર મહાદેવ હરનાં નાદથી ગુંજી ઉઠશે.

error: Content is protected !!