કોરોના વાયરસ સામે લોકોએ સતત જાગૃત્તિ અને કાળજી રાખવાની અપીલ કરતાં ડીડીઓ પ્રવિણ ચૌધરી

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને જો પુરતી કાળજી અને સાવચેતી ન રાખવામાં આવે તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે. ત્યારે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત અને વિશ્વનાં દેશોને રર માર્ચનાં દિવસને જનતા કફર્યુ જાહેર કરી અને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી હતી. સવારનાં ૭ થી રાત્રીનાં ૯ વાગ્યા સુધી જનતા કફર્યુમાં જૂનાગઢ સહિત ગુજરાત પણ જોડાયું હતું. કોરોના વાયરસનાં સંભવિત રોગચાળાનાં ખતરાને ટાળવા માટે વડાપ્રધાનશ્રીની હજુ પણ લોકોને સાવચેતી દાખવવાની અપીલને જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ પણ દોહરાવી છે અને બંને ત્યાં સુધી લોકોને બીનજરૂરી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. આપણું સ્વાસ્થ્ય યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે આપણે સૌએ સતત જાગૃત્તિ દાખવવાની અપીલ પણ ડીડીઓશ્રી ચૌધરીએ કરી છે.
ગઈકાલે રર માર્ચનાં દિવસને જૂનાગઢ સહિત દેશભરમાં જનતા કફર્યુ જાહેર કરવામાં આવેલ હતો અને આ જનતા કફર્યુને જૂનાગઢવાસીઓએ પણ આવકારી અને લોકો વહેલી સવારથી લઈ મોડી રાત્રી સુધી ઘરે જ રહ્યાં હતાં. જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્રનાં સતાધિશો સર્વશ્રી જીલ્લા કલેકટર સૌરભ પારઘી, જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી મહેતા, મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરા અને ઉચ્ચ અધિકારીઓની ટુકડીઓ સતત પરિસ્થિતી ઉપર દેખરેખ રાખી રહી છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના વાયરસની બિમારી ફેલાતી અટકે તે માટેનાં સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે એટલું જ નહીં જ્યાં પણ શંકાસ્પદ કેસો હોય તેની ત્વરિત તપાસ પણ કરવામાં આવે છે. આ સાથે જ જૂનાગઢ જીલ્લાનાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ રેન્જ ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને પોલીસની વિવિધ ટીમોનો કાફલો પણ તૈનાત રહ્યો હતો અને સઘન પેટ્રોલીંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દરમ્યાન જૂનાગઢ શહેર અને જીલ્લામાં હાલનાં સંજાગોમાં કોરોના વાયરસ અંગેનાં રોગચાળાની લેટેસ્ટ પરિસ્થિતી શું છે તે અંગેની માહિતી જાણવા જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી સૌરભ પારઘી તથા જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી સાથે ટેલિફોનીક વાતચીત કરી અને વિગતો મેળવી હતી. આ તકે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેર અને જીલ્લાની પરિસ્થિતી હાલ નિયંત્રણ હેઠળ છે. ચિંતાની કોઈ હાલ બાબત નથી, શંકાસ્પદ રીતે જે કેસો જોવા મળ્યાં હતાં તેમાં પાંચ કેસમાં દર્દીઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતાં જેમાંથી ૪નાં રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે અને ૧ દર્દીનો રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવી જશે તેમ જણાવતાં જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે જનતા કફર્યુનો લોકોએ આપેલો જોરદાર પ્રતિસાદ આવકાર્ય છે અને હજુ પણ વડાપ્રધાનશ્રીએ જે પ્રમાણે કહ્યું છે તેમ એક સપ્તાહથી પણ વધારે સમય સુધી લોકોએ સતત જાગૃત્ત અને સાવચેતી પાળવી પડશે અને લોકોને જીલ્લા સતાધિશો દ્વારા અપીલ કરાઈ હતી કે અનિવાર્ય સંજોગ સિવાય બહાર ન નીકળવું તે જ દરેકનાં માટે હિતાવહ રહેશે. વિશેષમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૌધરીએ લોકોને ખોટી અફવા, ગેરસમજથી દુર રહેવા તેમજ કોઈપણ પરિસ્થિતી અંગેની શંકાસ્પદ માહિતી હોય તો તેઓએ મો.૯૯૭૮૪ ૦૬૨૩૬ તેમજ ૦૨૮૫૨૬૩૩૧૩૧ ઉપર પોતાની પાસેનાં મેસેજ કરવા માહિતી જણાવવા સંપર્ક કરવા જણાવેલ છે. આ તકે જીલ્લા વિકાસ અધિકારીએ આવી ગંભીર પરિસ્થિતીમાં પણ સતત ફરજ બજાવી રહેલાં વિવિધ વિભાગનાં પદાધિકારીઓ, કર્મચારીઓ તેમજ લોકો સુધી માહિતી પહોંચાડનારા માહિતી અધિકારી અર્જુન પરમાર અને માહિતી વિભાગ તેમજ જૂનાગઢ જીલ્લા શહેરનાં પત્રકાર મિત્રોની કામગીરી પણ આવકારી હતી.

Leave A Reply