વેરાવળના કોરોનાના ત્રણ શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રમાં હાશકારો

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના બે પોઝીટીવ કેસ આવ્યા બાદ વધુ ચિંતાજનક સમાચાર ગઇકાલે મોડીરાત્રે આવતા આરોગ્ય વિભાગમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. કારણ કે વેરાવળ સીવીલના મહિલા નર્સ, વેરાવળ શહેરના ખાનગી તબીબ અને એક યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા ત્રણેયના નમુના લઇ રીપોર્ટ અર્થે મોકલવામાં આવેલ હતા. જો કે ગઈકાલે ત્રણેયના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્ર-આરોગ્ય કર્મચારીઓમાં હાશકારાની લાગણી પ્રર્વતી હતી.
આ અંગે પ્રાપ્તવ વિગત મુજબ ગઇકાલે સાંજે વેરાવળ સરકારી હોસ્પીટલમાં નર્સીગ સ્ટાફમાં નર્સ તરીકે ફરજ બજાવતા મહિલામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતા તેમને સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડી નમુના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વેરાવળની શહેરની ખાનગી હોસ્પીટલમાં ફરજ બજાવતા દાંતના મહિલા તબીબને પણ શરર્દી, ઉધરસ, તાવ જેવા શંકાસ્પદ લક્ષણો જણાતા ગઇકાલે આઇસોલેશન વોર્ડમાં ખસેડી તેમના નમુના લઇ સારવાર શરૂ કરવામાં આવી હતી. આ સાથે વેરાવળના એક યુવાનને પણ તાવ, શરદી જેવા શંકાસ્પાદ લક્ષણો જણાતા તેને સારવાર અર્થે જૂનાગઢ સીવીલમાં ગયો હોવાથી ત્યાંના આઇસોલેશન વોર્ડમાં તેને ખસેડી નમુના લેવામાં આવ્યા હતા. આમ આ ત્રણેય દર્દીઓના નમુના પરીક્ષણ અર્થે જામનગર લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા. જયાંથી ગઈકાલે સાંજે રાહતના સમાચાર આવ્યા મુજબ ત્રણેય દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રમાં હાશકારાની લાગણી પ્રસરી હતી. જો કે જૂનાગઢ સારવાર રહેલ વેરાવળના યુવાનનો સ્વાઇન ફલુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે સીવીલના નર્સનો પણ રીપોર્ટ નેગેટીવ આવતા સાથી આરોગ્યો કર્મીઓમાં ફેલાયેલ ચિંતાનું મોજુ દુર થયુ હતુ. જો કે હાલ ત્રણેય દર્દીઓની આઇસોલેશનમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે. ગીર સોમનાથ જીલ્લા અને તાલુકા આરોગ્ય શાખાના કર્મચારીઓ, આશા વર્કર બહેનો અને આંગણવાડી કર્મચારીઓએ જીલ્લામાં આવેલ કોરોના વાયરસના પોઝીટીવ કેસના દર્દીઓ જે વિસ્તામરમાં રહે છે ત્યાં આજુબાજુના ૩,૨૫૪ ઘરોની મુલાકાત લઈ ૧૫,૪૫૪ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કર્યુ છે. ગીર સોમનાથ જીલ્લામાં આરોગ્ય કર્મચરીઓએ ઘરે ઘરે જઈ ૭૭ ટકા લોકોનું સ્ક્રીનીંગ કરેલ છે. જેમાં સામાન્ય તાવના ૬૫૩, કફના ૧,૩૨૪ લોકોને સ્થળ ઉપર સારવાર આપેલ હોવાનું જાણવા મળેલ છે.

Leave A Reply