ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિકારીઓએ સામે ચાલી નિવૃત પોલીસકર્મીઓના ઘરે જઇ મુશ્કેલીઓ-સમસ્યા જાણવા પહેલ કરી

0

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જાહેર કરાયેલા ૨૧ દિવસના લોકડાઉનની અમલવારી અંગે રાઉન્ડર ધ કલોક પોલીસ તંત્ર જવાબદારીપુર્વક ફરજ બજાવી રહયુ છે. તેમ છતાં એકાદ કિસ્સાનાં કારણે પોલીસ તંત્રની સરાહનીય કામગીરી ઉપર પાણી ફળી વળ્યાની જાણકારોમાં ચર્ચાઓ ચાલી રહી છે. દરમ્યાન ગીર સોમનાથ જીલ્લા પોલીસની એક માનવતાવાદી પહેલને કારણે પોલીસ તંત્રનો એક નવો જ ચહેરો સમાજ સમક્ષ આવ્યો છે. હાલ તો આ પહેલની સર્વસમાજ સરાહના થઇ રહી છે. આ માનવતાવાદી પહેલ અંગે ગીર સોમનાથ જીલ્લાના એએસપી અમીત વસાવાએ વાતચીત કરતા જણાવેલ કે, હાલ ચાલી રહેલ લોકડાઉનમાં સીનીયર સીટીઝનોને અમુક પ્રકારની મુશ્કેલી પડી રહયાનું અમારા ધ્યાને આવેલ હતું. જેને ધ્યાને લઇ એક પહેલ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. જેમાં પોલીસ વિભાગમાં ચાર-ચાર દાયકા સુધી દેશ અને સમાજની સેવા ફરજ બજાવી જીંદગી ખર્ચી નાંખનાર નિવૃત પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ કે જે ગીર સોમનાથ જીલ્લામાં રહેતા હોય તેઓને રૂબરૂ મળવા જઇ તેઓને કંઇ તકલીફ કે જરૂરીયાત હોય તો મદદરૂપ થવાનો નિર્ધાર કર્યો હતો. આ વિચારની અમલવારી ગઇકાલથી જ શરૂ કરી હતી. જેમાં સીટી પીઆઇ વાઘેલાને સાથે રાખી ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળમાં રહેતા કુમારભાઇ પંડયા, બાલુભાઇ મુછાળ, બાબુભાઇ, પી.પી. રામાણી સહિતના પાંચેક નિવૃત પોલીસકર્મીઓના ઘરે રૂબરૂ જઇ મુલાકાત કરી તેઓની સાથે વર્તાલાપ કરી જુના ફરજ સમયના સ્માંરણો તાજા કર્યા હતા. તેઓને ફળફળાદી આપ્યા હતા. તેઓને હાલ લોકડાઉનના સમયમાં કંઇ સમસ્યા કે જરૂરીયાત હોય તો પોલીસ તંત્રને જણાવા અનુરોધ કર્યો હતો. આ નવતર પહેલ હાલ ગીર સોમનાથ જીલ્લા મથકમાં શરૂ કરી હોય આગામી દિવસોમાં ગીર સોમનાથ જીલ્લાના તમામ શહેરો-તાલુકા સુધી આ પહેલની અમલવારી કરવામાં આવશે. તો બીજી તરફ નિવૃત પોલીસકર્મીઓ પણ ગીર સોમનાથ જીલ્લા પોલીસની નવતર માનવતાવાદી પહેલને આવકારી ગર્વ સાથે હાલ-ચાલ પુછવા આવેલા અધિકારીઓને જણાવેલ કે, લોકડાઉનના સમયમાં અમારા જેવા નિવૃત પોલીસમિત્રોની જરૂર હોય તો જણાવશો. અમો હજુ પણ દેશ સેવા માટે ફરજ બજાવવા તૈયાર છીએ. આ તકે સ્થાનીક પોલીસના સીનીયર રાઇટર જેઠાભાઇ કટારા, કરશનભાઇ મુસાર સાથે રહયા હતા. હાલ તો ગીર સોમનાથ જીલ્લા મથકના સર્વસમાજમાં ગીર સોમનાથ જીલ્લા પોલીસની નવતર પહેલને લોકો આવકારવાની સાથે બિરદાવતા જણાવે છે કે પોલીસ પણ મનુષ્ય જીવ હોવાથી તેઓ પણ લોકોની સમસ્યાને સારી રીતે સમજતા હોવાનો પુરાવારૂપ આ નવતર પહેલ છે.

error: Content is protected !!