જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ ક્ષેત્રમાં વધુ એક સાધુનો દિપડાએ ભોગ લીધો

0

જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ તિર્થ ક્ષેત્રમાં દિપડાનાં અવારનવાર હુમલાનાં બનાવો સતત વધી રહ્યાં છે. જેમાં ગઈકાલે મોડીરાત્રીનાં એક દિપડાએ સાધુ ઉપર હુમલો કરતાં આ સાધુનું ગંભીર ઈજા થવાનાં કારણે મૃત્યું થયું છે. આ બનાવની જાણ થતાં પોલીસ વિભાગ તેમજ વનવિભાગનો કાફલો બનાવનાં સ્થળે દોડી ગયેલ છે અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જૂનાગઢ સહિત જીલ્લાભરમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે તેનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે. ભવનાથ ક્ષેત્રમાં લોકોની અવરજવર સદંતર બંધ છે તેવા સંજાગોમાં વન્ય પ્રાણી અને હિંસક પ્રાણી અવારનવાર આ ભવનાથ વિસ્તારમાં આવી ચડતાં હોય છે તાજેતરમાં જ એક સાધુ ઉપર દિપડાએ હુમલો કર્યાનો બનાવ બનવા પામ્યો હતો. આ બનાવ બન્યાનાં થોડા દિવસમાં જ એટલે કે ગઈકાલે મોડીરાત્રીનાં વધુ એક હુમલાનો બનાવ બનેલ છે જેમાં એક સાધુનું મૃત્યું થયું છે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ સરકારી ડોમ નજીક સાધુ આરામ કરી રહ્યા હતાં તે દરમ્યાન અચાનક કયાંયથી એક દિપડો આવી ચડતાં સાધુને તેણે ઉઠાવી લીધા હતા અને ર૦૦ મીટર દુર તેને ખેંચી ગયો હતો અને તેને ફાડી ખાતાં સાધુનું મૃત્યું થયું હતું. આ બનાવ અંગેની જાણ થતાં વનવિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચેલ છે. પ્રાથમિક વિગતો અનુસાર મુળ પાલીતાણાનાં ઓમકારગીરીજી મહારાજ દિપડાનો ભોગ બન્યા હોવાનું જાણવા મળે છે. અવારનવાર ભવનાથ ક્ષેત્રમાં થતાં દિપડાનાં હુમલાથી ભયની લાગણી પ્રગટી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સને ૧૯૮૭-૮૮નાં સમયગાળા દરમ્યાન પણ ભવનાથ વિસ્તારમાં એક માનવભક્ષી દિપડાએ કાળોકેર મચાવ્યો હતો અને અંદાજીત પંદરેક જેટલી વ્યકિતઓનો ભોગ લેવાયો હતો. જે તે વખતે ટાંચા સાધનોને કારણે ત્રણ માસ બાદ દિપડો પકડાયો હતો જયારે હાલ વારંવાર દિપડાનાં હુમલાની ઘટના બની રહી છે ત્યારે આ આદમખોર બની ગયેલા દિપડાને તાત્કાલિક અસરથી વન વિભાગ દ્વારા ઝડપી લેવા માટેની કવાયત હાથ ધરવાની માંગણી અને લાગણી ઉઠવા પામી છે.

error: Content is protected !!