જૂનાગઢ શહેર તથા જીલ્લામાં પાણી માટે માસ્ટર પ્લાન ઘડી કાઢવા માંગણી

ઉનાળાનાં દિવસોનો પ્રારંભ થયો છે અને સતત તેમાં તાપમાનનો દિવસે-દિવસે વધારો થવાનો છે. ત્યારે આગામી દિવસોમાં એક તરફ ગરમીનું આવરણ અને સાથે પાણીની સમસ્યા પણ ઉભી થવાની હોય ત્યારે જૂનાગઢ શહેર અને જીલ્લામાં લોકોને પાણીની સમસ્યાનો ભોગ બનવું ન પડે તે પહેલાં આયોજન કરવું જરૂરી છે અને આ માટે સમાજનાં અગ્રણીઓ તેમજ લોકો દ્વારા પણ લાગણી વ્યકત થઈ રહી છે.
હાલ જૂનાગઢમાં કોરોના વાયરસનાં રોગચાળા સામે ટક્કર લેવાનાં ભાગરૂપે એક મુદ્દાનો જ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તે છે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવું તો બીજી તરફ વિવિધ વિભાગનાં પદાધિકારીઓ પણ જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના પ્રવેશી ન શકે તે માટે જાગૃતિ સાથે તકેદારીનાં પગલાં લેવા માટેનાં આયોજનો કરી રહેલ છે અને એક રીતે જાઈએ તો, સામાજીક સંસ્થાઓ અને જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર તેમજ લગભગ દરેક વિભાગ કોરોના યુધ્ધ સામે લડત આપી રહેલ છે અને લોકોનાં જીવન જેટલી જ અગત્યની વસ્તુ પાણીનો મુદ્દો વિસરાઈ જતો હોય તેમ લાગે છે.  ગત વર્ષે ચોમાસું લાબું ચાલ્યું હતું અને સારો એવો વરસાદ થયો હતો તેમ છતાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણીની કટોકટી સર્જાઈ શકે છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢ શહેરનાં વિવિધ વોર્ડમાં દર વર્ષે પાણીની સમસ્યા તેમજ પાણીની તંગીનાં પ્રશ્નો ઉપસ્થત થતાં હોય છે. જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર પાસે યોગ્ય પાણી વિતરણ થઈ શકે તેવી અપેક્ષા અને માંગણી કરવામાં આવતી હોય છે. પરંતુ જૂનાગઢ મનપા તંત્ર પહોંચી ન શકતું હોય તેવી ફરીયાદો સાથે ઉનાળાનાં મધ્યાંતરમાં દરરોજને માટે લોકોનો ઘેરાવનો કાર્યક્રમ મનપા કચેરીએ ખાતે સર્જાતો હોય છે અને પાણી આપોનો પોકાર કરવામાં આવતો હોય છે. આવા બધા જ દૃશ્યો આગામી દિવસોમાં સર્જાઈ તે પહેલાં પાણી માટેનું આયોજન કરવું જરૂરી
છે.
હાલ જૂનાગઢ શહેરમાં પાણી છે તેમાં પાણીની જળ સંગ્રહ ક્ષમતા હાલ કેટલી છે ? સપાટી કેટલી છે ? તેનાં ઉપરથી પાણી વિતરણ અંગેની વ્યવસ્થા ગોઠવવી પડે અને એટલું જ નહીં આગામી ચોમાસું કેવું જશે ? તે અંગે પણ કોઈ નિશ્ચિત જાણકારી હોતી નથી. આપણે સૌ ઈચ્છીએ કે ચોમાસું ખુબ જ સારૂં જાય તેવી આશા રાખીએ પરંતુ આવી આશા વચ્ચે પણ પ્રિપ્લાન જરૂરી છે અને એટલા માટે જ જૂનાગઢ શહેર અને જૂનાગઢ જીલ્લામાં ઉનાળાનાં કટોકટીનાં અને ગરમીનાં દિવસો દરમ્યાન પાણીની કોઈ પણ સમસ્યા ન સજાય તે માટે અત્યારથી જ ૧ થી ૧પ વોર્ડમાં આગોતરૂ આયોજન કરવા લોકો દ્વારા માંગણી ઉઠવા પામી છે.

Leave A Reply