જૂનાગઢ શહેરમાં પ્રવેશવાના મુખ્ય દ્વાર એવા સાબલપુર ચોકડી ખાતે સઘન ચેકીંગ

0

૩૩ જીલ્લામાંથી જૂનાગઢ જીલ્લો કોરોના મુક્ત રહ્યો છે અને તેનો ગ્રીનઝોનમાં સમાવેશ થયો છે. ત્યારે ગ્રીનઝોનમાં રહેલા આ જૂનાગઢ શહેર અને જીલ્લો સલામત હોવાની લાગણી સાથે ગુજરાતનાં અન્ય શહેર અને જીલ્લામાંથી લોકો જૂનાગઢ જીલ્લા/શહેર તરફ દોટ દઈ રહ્યાં હોવાની માહિતી મળતાં જ ગઈકાલે જૂનાગઢ જીલ્લા રેવન્યુ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનાં ઉચ્ચ અધિકારીઓ સાબલપુર ચોકડી ખાતે દોડી ગયા હતા અને કોઈપણ બહારની વ્યકિત ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ન શકે તેમજ આપણાં જૂનાગઢ શહેર અને જીલ્લાને કોરોનાથી સંક્રમણ કરી શકે નહીં તે માટે સતત ચેકીંગ કરવામાં આવ્યું હતું.
કોરોના વાયરસનાં રોગચાળા સામે જૂનાગઢ શહેર અને જીલ્લો બરાબર ટક્કર લઈ રહ્યો છે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્ત અને જાગૃતિ સાથે તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ દરમ્યાન ગઈકાલે સાબલપુર ચોકડી ખાતે જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકીંગ અને બહારથી આવનારા વાહનોની તપાસણી સાથે જડબેસલાક કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ખાસ કરીને જે લોકો પાસે પાસ-પરમીટ લઈને બહાર ગામથી અને અમદાવાદ સહિતનાં શહેરોમાંથી આવી રહેલા લોકોની ખાસ તબીબી ચકાસણી કરવામાં આવી રહી હતી. આ તકે જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રનાં વરિષ્ઠ અધિકારીઓ તેમજ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને પોલીસ કાફલો બંદોબસ્તમાં હતો અને એક-એક વાહનોનું ચેકીંગ થતું હતું તેમજ તેમની પાસેનાં જરૂરી કાગળોની પણ તપાસણી થતી હતી. આ દરમ્યાન જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી તેમજ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરા સહિતનાં અધિકારીઓ પણ ચેકીંગ પોસ્ટ ઉપર ઉપસ્થિત હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે દત અને દાતારની આ ભૂમિ ઉપર હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી ત્યારે હજુ પણ આ સ્થિતી યથાવત જળવાઈ રહે અને જૂનાગઢ શહેર અને જીલ્લો કોરોના મુકત રહે તેવી વ્યવસ્થા જૂનાગઢ વહીવટી, રેવન્યુ તથા જીલ્લા પંચાય તંત્ર અને જૂનાગઢ પોલીસ તંત્ર અને જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

error: Content is protected !!