માંગરોળમાં ઝુંપડામાં રહેતા શ્રમીકો સ્વખર્ચે પ્રાઈવેટ બસમાં વતન રવાના

0

લોકડાઉનની સ્થિતિમાં મજુરોની હાલત કફોડી થઈ છે. કામના અભાવે પરપ્રાંતીય શ્રમિકો વતનની વાટ પકડવા મજબુર થયા છે. ત્યારે માંગરોળના નજીક ઝૂંપડા બાંધીને રહેતા શ્રમિકોએ દસેક દિવસ પહેલાં વતન જવાની ઈચ્છા વ્યક્ત કરી, તંત્રને નામાવલી આપી હતી. પરંતુ કોઈ વ્યવસ્થા ન થતાં આખરે ધીરજ ખૂંટતા આજે ૧૨ જેટલા પરિવારોના ૪૩ લોકો ૮૦ હજારનું ભાડું ખર્ચી પ્રાઈવેટ બસમાં વતન ભણી રવાના થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતમજુરી કરતા ૨૪ જેટલા પરિવારો શહેર નજીકના પૌરાણિક કામનાથ મહાદેવના મંદીર પાસે વસે છે. ૨૫૦ થી ૩૦૦ રૂ. રોજ કમાતા આ પરપ્રાંતીય લોકો લોકડાઉનની સ્થિતિ બાદ છેલ્લા એક, દોઢ માસથી બેરોજગાર છે. પરંતુ આજુબાજુના ઢેલાણા, કોટડા ગામના યુવકો, ગ્રામજનોએ માનવતાની રૂ.એ ૯૦ જેટલા લોકોને બે ટાઈમ ભોજન પુરૂ પાડ્‌યું હતું. અહીં સેવાભાવી સંગઠનોએ અનેક વખત કીટનું વિતરણ પણ કર્યુ હતું. લોકડાઉનમાં સંસ્થાઓ દ્વારા અપાતી રાશન અને જીવન જરૂરિયાતની કીટોથી જરૂરિયાત નથી તેવા લોકોએ ઘર ભરી લીધાના અનેક કિસ્સા બન્યા છે. ત્યારે કીટ વિતરણના એક સમયે આ શ્રમિકોએ “અગાઉ આપી ગયા હતા, તે હજુ પડ્‌યું છે. બીજા જરૂરિયાતમંદોને આપો ” એમ જણાવી સ્વમાનનો પરિચય આપ્યો હતો. જો કે બેરોજગાર બનેલા આ શ્રમિકોને વતન જવાની ઈચ્છા દર્શાવતા કોટડાના સરપંચ પરબતભાઈ સોલંકી દ્વારા તેઓની યાદી તૈયાર કરી તંત્રને સોંપાઈ હતી. પરંતુ ત્યારબાદ દસેક દિવસ સુધી રાહ જોયા બાદ ગમે તે કારણોસર કાર્યવાહી આગળ ધપી ન હતી. કેમેરા સામે સંવેદનાના ઘોડાપૂર વરસાવતા નેતાઓ પૈકી પણ કોઈ વહારે ન આવતા આખરે બચતના પૈસાથી આજે પ્રાઈવેટ બસ દ્વારા એમ.પી.નાં પાટી તાલુકાના આ શ્રમિકોએ વતન પહોંચવાનું નક્કી કરતાં તા.વિ.અ. આર.જે. જીંજુવાડીયાની ઉપસ્થિત વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા તમામનું મેડીકલ ચેકઅપ કરાયું હતું. તલાટી પરીતાબેન ચોચા, તા.પં. કર્મચારી કમલેશ ચોચાએ સુકા નાસ્તાની વ્યવસ્થા કરી હતી.

error: Content is protected !!