જૂનાગઢ જીલ્લામાં પાન, માવા અને બીડીના સ્ટોકની વિગત મંગાવાઈ

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાં અત્યારે લોક ડાઉનનાં આ સમયગાળા દરમ્યાન ખાસ કરીને પાન, બીડી, સિગારેટની દુકાનો બંધ રહેતા તમાકુ અને બીડીના બંધાણીઓ માટે ભયંકર દુઃખના દિવસો ચાલી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે દુકાનો બંધ હોવાથી પાન બીડી અને ખાસ કરીને માવાની તલપ ધરાવતા લોકોની ગરજ પારખીને અમુક દુકાનદારો જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં નકલી તમાકુ, મસાલા, બીડી અને તમાકુની પદાર્થોના કાળા બજાર થતાં હોવાની લોક ચર્ચા અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલોને પગલે જૂનાગઢ દક્ષિણ રેન્જમાં તમાકુના કાળાબજાર અને નકલી માલ વેચાણ સામે આકરી કાર્યવાહીના આદેશોના પગલે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કદાચ પ્રથમવાર પોલીસે સ્ટોક અંગેની વિગતો માંગી, તપાસ હાથ ધરાઈ હોવાના સમાચારો મળી રહ્યા છે.
જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લા વિસ્તારમાં પાન, બીડી, ધંધાર્થીઓ અને કેટલીક બદનામ પેઢીઓમાં નકલી બનાવટો અને તમાકુ બિડીનો સ્ટોક અંગેની તપાસ હાથ ધરી હોવાનું અને જૂનાગઢમાં આ કામગીરી એલ.સી.બી. દ્વારા ચલાવાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
જૂનાગઢ ના એક હોલસેલ વેપારીએ પોતાની પેઢીમાં પડેલો માલ અને પોતાની સલામતી માટે પોલીસ બંદોબસ્તની માંગ કરીને લોક ડાઉન દરમ્યાન અમુક વેપારીઓએ બંધ રહેલા પાનના ગલ્લાઓના કારણે પોતાની પેઢી અને પોતાના ઉપર હુમલાનું જોખમ હોવાની રજૂઆત પોલીસમાં કરીને રક્ષણની માગણી કરી હતી.
બીજી બાજુ જૂનાગઢ દક્ષિણ રેન્જમાં આવતા જિલ્લાઓમાં પોલીસ દ્વારા તમાકુના ધંધાર્થીઓ અને કેટલાક પંકાયેલી દુકાનોના વેપારીઓ પાસેથી તમાકુ, સોપારી, કિમામ, બીડીનાં સ્ટોક અંગેની વિગતો માંગવામાં આવી છે.
પોલીસ દ્વારા આવી વિગતો માંગતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે, તો તમાકુની બનાવટની અસલ નકલનો ધંધો કરતા કમાવા નીકળી પડેલાઓમાં ભયનું લખલખું ફેલાય ગયું છે.
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને યુવાનોમાં તમાકુ અને તેમાં પણ માવાનું ચલણ ખૂબ જ વધ્યું છે લોકોને ખાવા-પીવા વગર બે ચાર કલાકનો સમય ચાલી જાય, પરંતુ માવો, મસાલા, તમાકુ ખાધા વગર કે બીડી સિગારેટના ધુવાડા કાઢ્યા વગર ચાલતું નથી અલબત્ત છેલ્લાં બે દાયકામાં ક્યારેય એક સાથે પાન બીડીની ૧૫, ૨૦ દિવસ સુધી બજારો બંધ રહી નથી, ત્યારે લોકડાઉન ના આ સમયગાળા દરમ્યાન અત્યારે પાન માવાના ગલ્લા અને દુકાનો સંપૂર્ણપણે બંધ હોવાથી બજારમાં પાન માવાની મોટી ખેંચ ઊભી થઈ છે, બંધાણીઓને પાન માવા વગર ચાલતું નથી, એટલે અત્યારે ગરજના ભાવે પાન, માવા અને બીડીના કાળાબજાર શરૂ થયા છે.
લોકોને કોઇપણ ભોગે પાન માવા બીડી જોઈએ છે ત્યારે બજારમાં ભારે માંગ ઊભી થઈ છે, તેનો ગેરલાભ લઇને કેટલાક તત્વો નકલી તમાકુ અને બીડીનો માલ બજારમાં ઘુસાડીને ચાર-પાંચ ગણી વધુ કિંમતે માલ વેચી રહ્યા છે.
સુરત સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં નકલી પાન બીડી અને તમાકુની પેદાશોની કાળાબજાર અને ગેરરીતિને વ્યાપક ફરિયાદો વચ્ચે પોલીસે જે કામ અન્ય વિભાગો જે કરવું જોઈએ તે કામ પોલીસે હાથમાં લઈને પાન માવાના ધંધાર્થીઓની પેઢીઓ ઉપર સ્ટોકની ગણતરી શરૂ કરી છે.

Leave A Reply