જૂનાગઢ નજીકથી ખનીજચોરી કૌભાંડ ઝડપાયું : રૂ.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત

0

જૂનાગઢ તાલુકાનાં ઝાલણસર ગામની સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની ફરીયાદનાં પગલે તંત્રએ દરોડાની કાર્યવાહી હાથ ધરતાં ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જૂનાગઢ ગ્રામ્ય મામલતદાર અને પોલીસે ઝાલણસર સરકારી ગૌચર જમીનમાં ખનીજચોરીનું મોટું કારસ્તાન ઝડપી લઈને ચાર શખ્સો સામે કાર્યવાહી કરી છે અને સ્થળ ઉપરથી ૬૦ લાખના વાહનો જપ્ત કર્યા છે. આ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકાનાં ઝાલણસર અને માખીયાળા ગામનાં લોકો દ્વારા અરજી કરવામાં આવી હતી કે ગામની બાજુમાં આવેલા સરકારી ખરાબામાં કેટલાક લોકો છેલ્લાં કેટલાક દિવસોથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરી રહ્યાં છે જેને લઈને જૂનાગઢ જીલ્લા કલેકટરે તપાસનાં આદેશ આપતા જૂનાગઢ ગ્રામ્ય મામલતદાર આર.ડી.અઘેરા તેમજ નાયબ મામલતદાર જેઠાભાઈ શામળા, વિશાલભાઈ ધાંધલ, દિલુભાઈ મકવાણા અને જાંબુકીયાભાઈ તેમજ તાલુકા પીએસઆઈ સોલંકીને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. સ્થળ ઉપરથી એક ટ્રેકટર, બે ડમ્પર, એક હિટાચી મશીન સહિતના ૬૦ લાખના વાહનો સાથે ચારેય વાહનના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઘણા સમયથી ખનીજચોરી થતી હોવા છતાં ખાણખનીજ વિભાગ અંધારામાં હતું કે બીજું કોઈ કારણ હતું તેને લઈને સવાલ ઉઠયા છે. હાલ ખાણ ખનીજ વિભાગ અહીં સર્વે કરીને રીકવરી કરવાની કામગીરી ધરશે તેમ જાણવા મળે છે અને જવાબદારો સામે ફરીયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!