જૂનાગઢમાં ઓડ-ઈવન, એકી-બેકી તારીખ મુજબ દુકાન ખુલ્લી રાખી શકાશે

0

ગ્રીન ઝોનમાં આવેલાં જૂનાગઢ શહેરમાં લોકડાઉન ૪નાં અમલીકરણ અંગેનું ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ તે અંતર્ગત અનેક પ્રકારની છુટછાટો પ્રાપ્ત થઈ છે. આ દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરા દ્વારા જૂનાગઢ શહેરનાં વેપારી અને દુકાનદારો માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત જૂનાગઢમાં ઓડ-ઈવન અંતર્ગત એકી અને બેકી તારીખ મુજબ દુકાનોને ખુલ્લી રાખવામાં આવશે. જૂનાગઢ શહેરની જનતા અને વેપારીને જાણકારી માટે જારી કરવામાં આવેલ આ જાહેરનામાની વિગતો આ પ્રમાણે છે. જેમાં ગુજરાત સરકારની જાહેરાત મુજબ તા.૧૯-પ-ર૦ર૦ને મંગળવાર થી જૂનાગઢમાં પણ ધંધો-રોજગાર શરૂ થઈ ગયા અને તેમાં ઓડ-ઈવન પધ્ધતિથી (એકી-બેકી તારીખ મુજબ) દુકાનો ખુલ્લી રાખી શકાશે તેમ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું છે. જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, જૂનાગઢનાં જાહેરનામું ક્રમાંક એમએજી/સી/૧૮પ/ર/ર૦ર૦ સ્પષ્ટીકરણના મુદ્દા નં.૬માં જણાવેલ વિગતો અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકા બજાર વિસ્તારો / માર્કેટ / શોપીંગ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનો પૈકીની એક સંખ્યાના નંબર ધરાવતી દુકાનો એકી સંખ્યાની તારીખે તથા બેકી નંબર ધરાવતી દુકાનો બેકી સંખ્યા તારીખે ખુલ્લી રાખવાની રહેશે. એક કરતા વધારે નંબર ધરાવતી દુકાનો એકી સંખ્યાની  તારીખે ખુલ્લી રહેશે. વિશેષમાં જે તે દુકાનદારે વ્યવસાયના સ્થળની ઘરવેરાના મિલ્કત નંબરમાં છેલ્લે એકી અને બેકી અંક મુજબ એટલે કે ઓડ અને ઈવન નંબર મુજબ દુકાનો ખુલ્લી રાખી શકાશે. આ વિગતો ધ્યાને લઈ મહાનગરપાલિકા, જૂનાગઢ હદ વિસ્તારમાં આવેલ તમામ દુકાનો તેમની ઘરવેરા બિલ અથવા પહોંચમાં દર્શાવેલ મિલકત નંબરનાં આધારે દુકાનો ખુલ્લી રાખવાની રહેશે. લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે ઉદાહરણ જાઈએ તો મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા અપાતા ઘરવેરાની પહોંચ અથવા બિલમાં મિલ્કત નંબર ત્રણ રીતે આપવાની પ્રથા છે. તે મુજબ દુકાનદારે દુકાન ખુલ્લી રાખી શકાશે. લોકોને તાકીદની અસરથી જાણકારી આપવા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ જાહેરાત કરવામાં આવે છે. આ જાહેરાતની જાગવાઈઓ કલેકટરશ્રીનાં જાહેરનામામાં ક્રમાંક એમએજી/સી/૧૮પ/ર૦ર૦ તા.૧૮-પ-ર૦ર૦નાં સ્પષ્ટીકરણનાં હેતુઓ માટે છે. અન્ય તમામ બાબતો કલેકટરશ્રીનાં સદરહું જાહેરનામા દર્શાવેલ બાબતો મુજબ અમલવારી કરવાની રહેશે તેમ જૂનાગઢ મનપા કમિશ્નરશ્રીની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!