માંગરોળમાં સેવા ભાવનાની જયોત, બાળકોને ભોજન કરાવ્યું, ચપ્પલ આપ્યા

0

માંગરોળની એક સોસાયટીમાં ગરીબ પરિવારના નાના, નાના ભૂખ્યાં બાળકો ભોજન માટે આવ્યા હતા. પગમાં ચપ્પલ વિના આકરા તાપથી બચવા માટે પ્રયત્ન કરી રહેલા બાળકોને જોઈ વ્યથિત થયેલા સજ્જને અન્ય સેવાભાવી યુવાનો સાથે મળી સોશ્યલ મિડીયામાં ટહેલ નાંખી, એકત્ર થયેલ વસ્તુઓ ગરીબ પરિવારોમાં વિતરણ કરતાં બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્‌યા હતા. માંગરોળમાં હોસ્પિટલ રોડ ઉપર આવેલી સોસાયટીમાં બપોરે ગરીબ પરિવારના બાળકો ભોજન માંગવા આવ્યા હતા. અહીં રહેતા જીતેન્દ્રભાઈ ત્રિવેદી નામના વ્યક્તિ તેઓને જમવાનું આપવા ઘરની બહાર આવ્યા હતા. પરંતુ નજર સામેનું દ્રશ્ય જોઈ આંખમાંથી આંસુ રોકી શક્યા ન હતા. કારણકે બાળકો તડકાથી બચવા પગનો અડધો પંજો જમીનથી ઊંચો રાખીને ઊભા હતા. જીતેન્દ્રભાઈએ ઘરમાં જઈ પોતાની દિકરીના વધારાના ચપ્પલ લઈ આવતા બાળકીએ પોતાના નાના ભાઈ માટે ચપ્પલ આપવા વિનંતી કરી હતી. પરંતુ તેના માપના ન હોવાથી આવતીકાલે આપવાનું આશ્વાસન આપતા બાળકો રાજી થઈ ચાલ્યા ગયા હતા. બીજા દિવસે તેમના તરફથી ૬૦ જોડી ચપ્પલ ઉપરાંત માંગરોળ સેવા સમિતિના ભાવેશભાઈ કોટડીયા દ્વારા ૧૫૦ જેટલા શર્ટ, દિનેશભાઈ વાધેલા તરફથી બિસ્કિટના પેકેટ, સંગઠન તરફથી કેન્ડી તેમજ સોશ્યલ મિડીયામાં અપીલ કરતાં લોકો દ્વારા આપવામાં આવેલા જુના કપડાં, રમકડાં સહિતની વસ્તુઓ ખડાયતા વાડી પાસે રહેતા ગરીબ પરિવારો, વેરાવળ રોડ તથા ઉધોગનગરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વિતરણ કરાતા સેંકડો ગરીબ બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્‌યા હતા. આમ બળબળતા તાપથી બચવા મથી રહેલા બાળકો, અન્ય ગરીબ બાળકોના હરખનું નિમિત્ત બન્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!