સોમનાથ મંદિરનો ૩૦‘મો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને ૩૦ વર્ષ પૂર્ણ થયા : ૧ ડિસેમ્બર ૧૯૯૫ ના રોજ તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ સંપૂર્ણ થયેલ સોમનાથ મંદિર દેશને સમર્પિત કરેલ
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.ર
સોમનાથ મંદિરની સંપૂર્ણતાને ૩૦ વર્ષ થયા છે. સ્વતંત્રતા બાદ ભારતની અસ્મિતા સમાન સોમનાથ મંદિરના પુનનિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પનો ૩૦‘મો સંકલ્પ સિદ્ધિ દિવસ સોમનાથમાં ભક્તિભાવ પૂર્વક રીતે ઉજવાયો છે. દેશની સ્વતંત્રતા બાદ રત્નાકર સાગરના કિનારે ભગ્ન અવસ્થામાં રહેલ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ કાળક્રમે વટ વૃક્ષ બન્યો. ૧૧ મે ૧૯૫૧ ના રોજ માત્ર ગર્ભગ્રહનું નિર્માણ થયેલ અને દેશના પ્રથમ મહામહિમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આગળ જતા નાગર સ્થાપત્ય શૈલીનું કૈલાશ મહામેરુ પ્રસાદ પ્રકારનું ભવ્ય સોમનાથ મંદિર નિર્માણ કરવાનું કાર્ય પ્રારંભ કરવામાં આવ્યુ હતુ. ટ્રસ્ટ દ્વારા શિખર અને સભામંડપ ઉપરાંત મંદિરની આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો. આમ કુલ ૪૪ વર્ષે આજનું પ્રવર્તમાન સોમનાથ મંદિર સંપન્ન થયેલ. ત્યારે સંપૂર્ણ થયેલ સોમનાથ મંદિર ૧ ડિસેમ્બર ૧૯૯૫ ના રોજ દેશના તત્કાલીને મહામહિમ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માજી દ્વારા નૃત્ય મંડપ કળશરોપણ કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. ત્યારથી એ પુણ્ય ક્ષણ ના સ્મરણાર્થે પ્રતિ વર્ષ સોમનાથમાં ૧ ડિસેમ્બર ને સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સોમનાથ મંદિરમાં સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા સંકલ્પ કરીને વિશેષ પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. મંદિરમાં પૂજારીઓ દ્વારા મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવેલ તેમજ પરિસરમાં બિરાજમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


