ગુજરાતમાં લાયસન્સ રાજનો એપ્રિલથી અંત આવશે : વહીવટતંત્રને ચૂસ્ત બનાવવા કવાયત
(બ્યુરો) ગાંધીનગર તા.૦૫:
કેન્દ્રીય બજેટની જોગવાઈઓથી ગુજરાત માટે આગામી સમયમાં વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે વધુ મહત્વપૂર્ણ ભૂમિકા બની શકે છે તે નિશ્ચિત થતા જ ગુજરાત સરકારે આગામી સમય માટે રાજયને સજજ કરવા કાર્યવાહી શરૂ કરી લીધી છે.
‘ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ‘ને આગળ વધારવા એપ્રિલ માસથી જ રાજયના વહીવટી ક્ષેત્ર સહિતના ક્ષેત્રે પ્રક્રિયાઓ, નિયમો, કામકાજમાં સરળતા લાવવા તમામ વિભાગોને સાંકળતી કવાયત શરૂ કરવા ર્નિણય લીધો છે. કેન્દ્ર સરકારે પણ તમામ સભ્યોને ખાસ કરીને વહીવટી સુધારા માટે એક વ્યાપક અમલીકરણનો માર્ગ અપનાવવા જણાવીને માર્ગરેખા પુરી પાડે છે અને ખાસ કરીને વ્યાપાર-ઉદ્યોગ પરના બિનજરૂરી નિયંત્રણો દુર થાય તે નિશ્ચિત કરવા જણાવ્યું છે.
ગુજરાતે તે અંગે પહેલ કરીને ગઈકાલે જ મળેલી રાજય કેબીનેટની બેઠકમાં આ અંગે એક વ્યાપક રોડ-મેપ રજુ કર્યો જોયો હતો. રાજય સરકારે હવે શિક્ષણ, ઉર્જા, પેટ્રોકેમીકલ, ખાદ્ય નાગરિક પુરવઠો, ગ્રાહક બાબતો, ઉદ્યોગ, ખાણ ખનીજ વિભાગ કામદાર અને રોજગાર મંત્રાલય મહેસુલ શહેરી વિકાસ તથા શહેરી આવાસ વિભાગોને કેન્દ્રમાં રાખ્યા છે.
આ કામગીરી એપ્રિલ માસથી શરૂ થશે અને જૂન સુધીમાં પુરી કરાશે. રાજયના ઔદ્યોગીક વિકાસ નિગમ જે જમીન ઉદ્યોગો માટે નિશ્ચિત થાય છે તેનો મહતમ ઉપયોગ થાય અને ખાસ કરીને એમએસએમઈ ને માટે જોગવાઈ થાય તે જોવા જણાવ્યું છે.


