દ્વારકામાં યાત્રાળુઓની ભીડનો લાભ લઈ ખિસ્સા કાપતી ટોળકી ઝડપાઈ

દ્વારકામાં યાત્રાળુઓની ભીડનો લાભ લઈ ખિસ્સા કાપતી ટોળકી ઝડપાઈ

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૪
યાત્રાધામ દ્વારકામાં દિવાળીના વેકેશન દરમિયાન દ્વારકાધીશ મંદિરે દર્શનાર્થે આવતા યાત્રાળુઓની ભીડનો લાભ લઈ ખિસ્સાકાતરું કરતી હોવાની શંકાસ્પદ ટોળકીના છ શખ્સોને દ્વારકા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂા.૧.૪૦ લાખની રોકડ, પાંચ મોબાઈલ ફોન અને સ્વિફ્ટ કાર સહિત કુલ રૂા.૩.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે ગુનો નોંધ્યો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ દિવાળીના વેકેશનને અનુલક્ષીને ટ્રાફિક બંદોબસ્તની ફરજમાં હતો, તે દરમિયાન બુધવારે દ્વારકાધીશ મંદિર તથા આસપાસના વિસ્તારમાં દર્શનાર્થીઓની ભીડનો લાભ લઈ કેટલાક શખ્સો ખિસ્સાકાતરૂ કરતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે શકમંદોની તપાસ હાથ ધરતાં છ શખ્સો મળી આવ્યા હતા. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આરોપીઓ એકબીજાની મદદથી ટોળકી બનાવી ભીડમાં કોઈ વ્યક્તિને નિશાન બનાવતા હતા. ત્યાર બાદ તેની આગળ અને પાછળ ગોઠવાઈ ધક્કામુક્કીનો લાભ લઈ ખિસ્સા તથા પર્સમાંથી રોકડ રકમની ચોરી કરતા હોવાનો આરોપ છે.
 આ બનાવમાં પોલીસે રાજકોટના રાજેશ ગોવિંદભાઈ મકવાણા, મેહુલ બાબુલાલ ટંકારીયા, રવી રમેશભાઈ કનોજીયા, નુરમામદ હુસેનભાઈ માલાણી, જીતેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ સરવૈયા તથા જૂનાગઢના બાબુ મગનભાઈ પરમાર સામે કાર્યવાહી કરી, આ તમામ છ શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે. દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રૂા.૧,૪૦,૦૦૦ની રોકડ રકમ સાથે રૂા.૪૧,૦૦૦ની કિંમતના પાંચ મોબાઈલ ફોન તથા રૂા.બે લાખની કિંમતની સ્વિફ્ટ કાર મળી કુલ રૂા.૩,૮૧,૦૦૦નો મુદ્દામાલ શંકાસ્પદ મિલકત તરીકે પોલીસે કબજે લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ સાથે મળીને મેળા સહિતના તહેવારોમાં ભીડની ધક્કામુક્કીનો લાભ લઈ અને કોઈ ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ કરી, જે-તે વ્યક્તિની આગળ અને પાછળ ગોઠવાઈને નજર ચૂકવી તેમના ખિસ્સામાં રહેલા પાકીટ, રોકડા રકમ તેમજ મોબાઈલ ફોનની ચોરી કરી લેતા હોવાનું પોલીસ પૂછતાછમાં જાહેર થયું છે. આરોપી રાજેશ ગોવિંદ મકવાણા સામે રાજકોટ રેલવે પોલીસ મથક સહિતના બે ગુનાઓ તેમજ અન્ય આરોપી મેહુલ બાબુલાલ ટંકારીયા સામે રાજકોટ સીટી એ ડિવિઝન, ગોંડલ સીટી પોલીસ તેમજ ચોટીલા પોલીસ મથકમાં પણ બે ગુનાઓ મળી કુલ પાંચ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે અન્ય એક આરોપી બાબુ મગન પરમાર સામે વંથલી, વેરાવળ અને જેતપુરમાં જુદા જુદા ત્રણ ગુનાઓ સહિત તેની સામે અગાઉ પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૨(૨), ૩૦૩(૨), ૬૧(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.