ખંભાળિયાની બજારોમાં દીપોત્સવી પર્વને અનુલક્ષીને ચહલપહલ વધી

ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, સુશોભનની દુકાનોમાં ગ્રાહકોની ભીડ

ખંભાળિયાની બજારોમાં દીપોત્સવી પર્વને અનુલક્ષીને ચહલપહલ વધી

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૬
પર્વોની મહારાણી દીપોત્સવીને હવે આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ખંભાળિયાની બજારોમાં અનેક દુકાનોમાં ઘરાકી જોવા મળી રહી છે. આજથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આગામી રવિવારે દિવાળી તેમજ મંગળવારે નૂતન વર્ષના તહેવારોને અનુલક્ષીને અહીંની જુદી જુદી બજારોમાં ઘરાકીનો કરંટ જોવા મળી રહ્યો છે. દીપોત્સવીના તહેવારોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો પોતાના ઘરના સુશોભન તેમજ જરૂરી નવી ચીજ વસ્તુઓ ખરીદવા માટે બજારોમાં નીકળતા જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને રંગોળી અને લાઈટિંગ ડેકોરેશનને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે અહીંની મેઈન બજાર, રાજડા રોડ, વિગેરે વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગ્રાહકો જોવા મળે છે. આટલું જ નહીં, લોકો મોબાઈલ ફોન તેમજ ઇલેક્ટ્રોનિક્સની જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા પણ બજારોમાં જોવા મળે છે. આ માટે અહીંના શારદા સીનેમા રોડ, ચાર રસ્તા વિગેરે વિસ્તારોમાં ગ્રાહકો જતા જોવા મળે છે. ત્યારે ગ્રાહકોને પોતાની દુકાનો-શોરૂમ તરફે ખેંચવા માટે વેપારીઓ દ્વારા પણ અનેકવિધ આકર્ષક યોજનાઓ તેમજ ગિફ્ટની ઓફરો કરાઈ રહી છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલોમાં પણ ચહલ-પહલ વધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કાપડની દુકાનોમાં પણ ઘરાકીનો થોડા-ઘણા અંશે કરંટ જોવા મળે છે. દીપોત્સવી પર્વને અનુલક્ષીને ખાસ કરીને દુકાનો અને બજારો આકર્ષક ડેકોરેશન અને રોશનીસભર રીતે શણગારવામાં આવ્યા છે. ત્યારે હાલ દુકાળ વર્ષ અને મંદી, મોંઘવારીની બુમરાણને લોકોએ ભૂલી જઈને જરૂરિયાત મુજબની તેમજ શોખની ચીજ વસ્તુઓ ખરીદવા બજારોમાં ઉમટી પડે છે.