અમેરીકા-ઈરાન યુધ્ધ વધુ ભીષણ બન્યું
ક્રુડ તેલનો ભાવ ૧૦૦ ડોલરને પાર : સેન્સેક્સમાં ૬૦૦ પોઈન્ટનો કડાકો
નવી દિલ્હી તા.૦૯:
અમેરિકા-ઈરાન વચ્ચે હવે નવેસરથી ભીષણ યુદ્ધ શરૂ થતા અને ખાસ કરીને અમેરિકાએ ઈરાનના ક્રુડતેલના હબ ખર્ગ ટાપુઓ આસપાસ ઈરાની ઓઈલ ટેન્કરોને નિશાન બનાવતા વૈશ્વિક ક્રુડતેલના ભાવમાં ઉછાળો આવ્યો છે અને આ પરીસ્થિતિમાં ભાવોની હાલત કફોડી થવાની ધારણા છે. આજે બ્રેન્ટ ક્રુડતેલ ૧.૫ ટકા વધી ૯૯.૫૦ ડોલર એટલે કે ૧૦૦ ડોલરની સપાટીએ પહોંચી ગયુ છે. યુદ્ધ ભીષણ બનતા પ્રિમીયમ પણ વધી ગયો છે. જેના કારણે ભારતને ક્રુડતેલ વાસ્તવમાં ૧૧૦-૧૧૫ ડોલરમાં પડશે તેવો અંદાજ છે. ગઈકાલે અમેરિકી શેરબજારમાં પણ કડાકા થયા અને આજે ભારતીય શેરબજારમાં સેન્સેકસ ૬૦૦ પોઈન્ટ તૂટયા છે. ક્રુડતેલના ભાવ સતત ચોથા દિવસે વધ્યા છે તથા હજું આગામી સમયમાં ક્રુડતેલ ૧૧૫-૧૨૦ ડોલરની વાસ્તવિક સપાટીએ પહોંચી જશે. બીજી તરફ ક્રુડ તેલનો ભાવ વધતા અને યુધ્ધ ની સ્થિતિ વધુ ભીષણ બનતા રાજકીય અસ્થિરતાની અસર મુંબઈ શેરબજાર પર પણ થઈ હતી. આજે શેરબજારના કામકાજના પ્રારંભે જ સેન્સેક્સમાં ૬૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. અને સેન્સેક્સ ૭૫,૦૦૦ની આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો હતો અને નીફટીમાં પણ ર૦૦ પોઈન્ટના કડાકા સાથે ર૩,૭૭૪ ના આંકે ટ્રેડ કરી રહ્યો હતો.


