ગીરનારની લીલી પરીક્રમાનાં સુચારૂ આયોજન માટે તંત્ર સાબદુ : તડામાર તૈયારી

પરીક્રમાર્થીઓને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે તૈયારી : રૂટ નિરીક્ષણ કરાયું

ગીરનારની લીલી પરીક્રમાનાં સુચારૂ આયોજન માટે તંત્ર સાબદુ : તડામાર તૈયારી

જૂનાગઢ તા. ર૬
ગરવા ગીરનારની ૩૬ કિમીની લીલી પરીક્રમા આડે માત્ર ગણતરીનાં દિવસો જ બાકી રહયા છે ત્યારે આગામી પરીક્રમા દરમ્યાન શ્રધ્ધાળુ અને ભાવિકોને કોઈપણ જાતની અગવડતાનો સામનો ન કરવો તે માટેની તૈયારીઓ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. અને બે જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આગામી બુધવારે સંતો, અગ્રણીઓ તેમજ વિવિધ વિભાગનાં પદાધિકારીઓ સાથેની પણ એક મહત્વની બેઠક યોજવામાં આવનાર છે. આ દરમ્યાન આજે જીલ્લા કલેકટરનાં માર્ગદર્શન હેઠળની એક ટીમ પરીક્રમા રૂટનું નિરીક્ષણ કરવા માટે જંગલ વિસ્તારમાં તેમજ પરીક્રમાના રૂટની મુલાકાત લીધી હતી અને રસ્તા, પાણી, લાઈટ સહીતનાં અનેક પ્રશ્ને સર્વે કરવામાં આવ્યો હતો અને બુધવારે યોજાનારી પરીક્રમા અંગેની બેઠકમાં આ અંગે પરામર્શ કરવામાં આવશે તેમ જાણવા મળે છે. જૂનાગઢ નજીક આવેલા ગરવા ગીરનાર ખાતે દર વર્ષે ગીરનારજી મહારાજની લીલી પરીક્રમા યોજાય છે. પાંચ દિવસનાં પરીક્રમાનાં મેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. દૂરદૂરથી આવેલા ભાવિકો સહીત અંદાજીત ૧ર લાખ ઉપરાંતની સંખ્યા થતી હોય છે. આ વર્ષે યાત્રીકોની સંખ્યામાં ભારે વધારો થવાની ધારણા છે. ૧પ લાખ જેટલા પરીક્રમાર્થીઓ પરીક્રમાનું પુનિત ભાથુ બાંધશે ત્યારે આગામી પરીક્રમાને લઈને જૂનાગઢ જીલ્લા કલેકટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીનો દોર શરૂ થયો છે. પરીક્રમા આડે માત્ર રપ દિવસનો જ સમય બાકી રહયો છે. ત્યારે યાત્રાળુઓ માટે અનેક પ્રકારની સુવિધા ઉભી કરવા તંત્ર કાર્યરત બન્યું છે. આજે સવારે ૭ વાગ્યે જીલ્લા કલેકટર યોગેશ ચૌધરી, જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, મનપાનાં કમિશ્નર વાળા તેમજ પોલીસ વિભાગ, વન વિભાગ સહિતનાં જુદા જુદા વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા અને પરીક્રમા રૂટનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. ખાસ કરીને આ વર્ષે વરસાદ ઓછો પડવાને લીધે પરીક્રમાના રૂટ પર પાણીની અછત સર્જાશે ત્યારે પરીક્રમાનાં રૂટ પર પીવાના અને વપરાશનાં પાણીની કેવી વ્યવસ્થા ઉભી કરવી. રસ્તાઓનું સમારકા, યાત્રીકોની સુરક્ષા જેવા મહત્વનાં મુદા પર સર્વે કરવામાં આવી રહેલ છે. આજે સમગ્ર પરીક્રમા રૂટમાં નિરીક્ષણ કરાયા બાદ જયાં પણ જરૂરી સુવિધા ઉભી કરવાની જરૂરીયાત છે ત્યાં સુવિધા ઉભી કરવામાં આવશે. આ આખો સર્વે તૈયાર કરી અને બુધવારે યોજાનારી બેઠકમાં પરીક્રમાનાં આયોજન માટેનો માસ્ટર પ્લાન ઘડી કાઢવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે. ભવનાથનાં વિવિધ અખાડા અને આશ્રમોના ૩૦થી વધુ સંતો અને મહંતો આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સંતો દ્વારા રજુ થતા પ્રશ્નો અને તંત્ર પાસે રહેલી ગ્રાઉન્ડની વાસ્તવીક માહિતીનું યોગ્ય સંકલન પણ થઈ શકશે તેમ જાણવા મળે છે. જૂનાગઢ શહેર અને બહારગામથી આવતા પ્રવાસીઓ, ભાવિકો અને શ્રધ્ધાળુઓની સુવિધાઓ માટે વહીવટી તંત્ર સજજ બની ગયું છે. અને પરીક્રમા અંગેની અનેક તૈયારીઓ યુધ્ધનાં ધોરણે હાથ ધરવામાં આવી છે.