ક્રુડના ભાવમાં ભડકો : ૧૧પ ડોલરને પાર : ભારતને ત્રેવડો માર
જાે આજ સ્થિતિ રહી તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા સીવાય સરકાર પાસે કોઈ વિકલ્પ નહીં રહે
નવી દિલ્હી, તા.૨૬
મધ્યપુર્વમાં યુદ્ધ સંકટનો કોઈ ઉકેલ આવતો નથી અને ગમે ત્યારે ફરી હુમલાનો દોર શરૂ થવાની ભીતિ વ્યક્ત થવા લાગી છે ત્યારે ક્રુડતેલના ભાવ નવેસરથી સળગ્યા છે અને ૧૧૫ ડોલરને આંબી ગયા છે.
વિશ્વબજારમાં આજે ક્રુડતેલનો ભાવ ડબલ્યુટીઆઈ ૧૦૦.૯૯ ડોલર તથા બ્રેન્ટ ક્રુડનો ૧૧૫.૫૭ ડોલર થઈને ૧૧૪.૪૪ ડોલર સાંપડયો હતો. ત્રણેક મહિના અગાઉ પણ ક્રુડનો ભાવ ૧૧૭ ડોલરને વટાવી ગયો હતો. જે છેલ્લા એક વર્ષનો સૌથી ઉંચો ભાવ હતો. પ્રવર્તમાન તેજીમાં કિંમત નવો રેકોર્ડ સર્જે છે કે કેમ તેના પર સંબંધીત તમામની મીટ છે. ક્રુડની તેજી ભારત સહિત સમગ્ર દુનિયા માટે ચિંતાનો વિષય છે. ખાસ કરીને ભારતને ત્રેવડો માર પડી રહ્યો છે. ક્રુડની ઉંચી કિંમત ઉપરાંત કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો ફરી નીચે સરકવા લાગ્યો હોવાથી આયાત ખર્ચ વધુ વધી શકે છે. આ સિવાય પરિવહન ખર્ચ પણ દસ ગણા સુધી પહોંચી ગયો છે. દિવાળીના તહેવારો સહિતના કારણોથી સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલન ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ પ્રવર્તમાન સુધારાનો દોર આગળ વધવાના સંજોગોમાં ભાવવધારો કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહેવાની અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે.


